Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 03:11:01 PM IST
 

અદ્યતન સામગ્રીના અભાવે પછાત રહી ગયેલું ભારતીય લશ્કર (એકસ્ટ્રા કોમેન્ટ)

May 02, 2012 Supplements > Columnist
 
comment     E-Mail     Print    
 
Viewed: 1897
Rate: 3.0
Rating:
Bookmark The Article

એકસ્ટ્રા કોમેન્ટ - અપૂર્વ દવે

જનરલ વી. કે. સિંહે લશ્કરની ઊણપો વિશેનો પત્ર લખ્યો ત્યારે સરકારને માઠું લાગી ગયું અને તે પત્ર લીક થવા વિશે ઊહાપોહ જાગ્યો, પરંતુ તેનાથી અધૂરપને દૂર કરવામાં કોઈ મદદ મળી નથી. સંરક્ષણપ્રધાન એ. કે. એન્ટોનીએ લશ્કરની સુસજ્જતા વધારવા માટે આપેલા આદેશો ક્યારે અમલમાં મુકાશે તે તો સમય જ કહી આપશ, પરંતુ આજની તારીખે લશ્કરની પાસે મિસાઇલ, હેલિકોપ્ટર કે તોપગોળા માટેનો દારૂગોળો એ બધી વસ્તુઓ ઉપરાંત સારી ગુણવત્તાનાં બુલેટપ્રૂફ જેકેટ અથવા બેલિસ્ટિક હેલ્મેટની પણ કમી છે અને તેના માટે એન્ટોની કશું કરી શક્યા નથ, તેમના જ અધ્યક્ષસ્થાને ઓક્ટોબર, ૨૦૦૯માં મળેલી સંરક્ષણ પ્રાપ્તિ સમિતિની બેઠકમાં ૧.૮૬ લાખ જેકેટ લેવા માટે મંજૂરી આપવામાં આવી હતી પણ હજી સુધી તે કાર્ય પૂરું થઈ શક્યું નથી, તેનો પ્રથમ લોટ ૧૧મી લશ્કરી યોજના (૨૦૦૭-૧૨) દરમિયાન આવી જવાનો હતો અને બીજાં ૧.૬૭ લાખ જેકેટનો લોટ બીજા તબક્કામાં આવવાનો હતો તેને બદલે કેટલાંક ટેક્નિકલ કારણોસર હજી સુધી એક પણ જેકેટ આવ્યું નથી, ઊલટાનું હવે આ વર્ષે તેની ખરીદી માટેની સંપૂર્ણ પ્રક્રિયા નવેસરથી શરૂ કરવામાં આવશે.

પ્રાપ્ત માહિતી મુજબ સૈનિકો આજની તારીખે અત્યંત વજનદાર અને બિનઅસરકારક એવાં જેકેટ તથા હેલ્મેટ પહેરીને દેશની અંદરના અને બહારના દુશ્મનોનો સામનો કરી રહ્યા છે. વાસ્તવમાં, દુશ્મનો સામે લડવાની તેમની તાકાતમાં જરાય કમી નથી પણ તેમને મળેલાં સાધનોની ઊણપને લીધે તેઓ પાછળ રહી જાય છે, આથી જ જમ્મુ-કાશ્મીર અને ઈશાન ભારતમાં આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓની સામે લડવામાં દર વર્ષે ૧૫૦ સૈનિકો મોતના મુખમાં ધકેલાઈ જાય છે. અત્યારે દેશની જનતાને ખબર છે કે, આતંકવાદીઓ અદ્યતન શસ્ત્રોથી સજ્જ હોય છે. એ.કે.-૪૭ લઈને ફરતો અજમલ કસાબ સૌએ સગી આંખે ટી.વી. પર જોયો છે.

વજનદાર જેકેટ અને હેલ્મેટને લીધે સૈનિકોની ગતિ ધીમી પડી જાય છે. સંરક્ષણ સંબંધિત સંસદીય સમિતિએ પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું છે કે, સશસ્ત્ર દળો માટેની આ અગત્યની જીવનરક્ષક વસ્તુઓ પ્રાપ્ત કરવામાં થતા વિલંબ પ્રત્યે અમે નાખુશી વ્યક્ત કરીએ છીએ. સંરક્ષણમંત્રાલયે જે રીતે આ મામલો હાથ ધર્યો છે તેને પણ અમે વખોડી કાઢીએ છીએ.

ભારતીય લશ્કરને નડી રહેલી મુશ્કેલીઓની વાત આટલેથી અટકતી નથી. ગત માર્ચ મહિનામાં સલામતી સંબંધિત પ્રધાનમંડળની સમિતિએ આ વિષયે એક આઘાતજનક રજૂઆત અંગે ચર્ચા કરી હતી. લશ્કરના એક આંતરિક અભ્યાસમાં જણાઈ આવ્યા મુજબ તેની પાસે દારૂગોળો, મિસાઇલ અને ઉપકરણો મળીને રૂ. ૬૦,૦૦૦ કરોડની વસ્તુઓની કમી છે. તેને લીધે વિશ્વમાં બીજા ક્રમાંકના સૌથી મોટા લશ્કર પાસે લડાઈ માટેની સજ્જતાની કમી છે, આથી જ ૨૬ નવેમ્બરના મુંબઈના આતંકવાદી હુમલા બાદ તત્કાલીન લશ્કરી વડા જનરલ દીપક કપૂરે આ સમિતિને કહ્યું હતું કે, લશ્કર યુદ્ધ માટે સુસજ્જ નથી. ભારતીય સૈનિકે પાકિસ્તાન અને ચીનના સંભવિત ખતરાને ખાળવા માટે ત્યારે ૫૦ અબજ ડોલર (રૂ. ૨.૨ લાખ કરોડ) જેટલાં મૂલ્યનાં સાધનસામગ્રી ખરીદવાનાં બાકી છે. કેન્દ્ર સરકાર સંરક્ષણ બજેટમાં દર વર્ષે વધારો કરે છે પણ વપરાયા વગર પડી રહેલી રકમને તે પાછી લઈ લે છે. અત્યારે જેટલી વસ્તુઓ ખરીદવાની બાકી છે તેટલી લેવા માટે વર્તમાન પ્રક્રિયા અપનાવવામાં આવે તો ખરીદી પૂરી થતાં એક દાયકો નીકળી જાય એમ છે. તેણે ૧૧મી યોજના હેઠળ જેટલી ખરીદી કરવાનું નક્કી કર્યું હતું તેમાંથી અડધા કરતાં પણ ઓછી વસ્તુઓ ખરીદી શકાઈ છે. ૨૦ હજાર કરોડનાં શસ્ત્રો અને ૧૦ હજાર કરોડની મિસાઈલ ખરીદાઈ નથી. નવાઈની વાત તો એ છે કે, જૂના જમાનાની એટલે કે ડ્રાઇવરો અને સહાયકો મળીને ૫૦ હજાર કર્મચારીઓની જરૂરિયાત હજી પણ સંતોષવામાં આવે છે જ્યારે વધુ જવાબદારી ધરાવતા અધિકારીઓની અછત છે. લશ્કરમાં અત્યારે ૩૫ હજાર અધિકારીઓ છે પણ તે પ્રમાણ ૨૨થી ૨૪ ટકા જેટલું ઓછું છે. દરેકમાં ૮૦૦ સૈનિકો હોય એવી ૪૦૦ જેટલી લડાયક બટાલિયનોમાં ૪૦ અધિકારીઓ રાખવાની મંજૂરી હોવા છતાં માત્ર અડધા અધિકારીઓથી જ કામ ચલાવાઈ રહ્યું છે. રણમેદાનમાં આગેવાની કરવા માટે તેને હજી ૧૨ હજાર યુવા કેપ્ટન અને મેજરની જરૂર છે. ભારતીય લશ્કરને તેની યુદ્ધ માટેની રણનીતિ અમલમાં મૂકવા માટે ૧-૧ લાખ સૈનિકો અને ૧ હજાર વાહનો ધરાવતી એક એવી ત્રણ ટુકડીઓની જરૂર પડે છે પણ તેમની પાસેનાં જે શસ્ત્રો અને સાધનો છે તે જૂના જમાનામાં થઈ ગયાં છે, આવી કાળબાહ્ય વસ્તુઓનું પ્રમાણ લગભગ અઢી લાખ કરોડ રૂપિયા જેટલું થાય છે. સૈનિકોને અદ્યતન રાઇફલો અને રાતના સમયે જોવામાં મદદરૂપ થાય એવાં સાધનો મેળવી આપવાના તથા સૈનિકોની ટુકડીઓ વચ્ચે સાંકેતિક સંદેશવ્યવહાર થઈ શકે તે માટેની વ્યવસ્થા કરવાના રૂ. ૯૦ હજાર કરોડના બે મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ અત્યારે એક-બે મહિના કે વર્ષ નહીં, દસ વર્ષ પાછળ ચાલી રહ્યા છે. નવી દિલ્હીસ્થિત સેન્ટર ફોર લેન્ડ વોરફેર સ્ટડીઝના બ્રિગેડિયર ગુરમિત કંવલનું કહેવું છે કે, ચીની લશ્કર દુશ્મનના પ્રદેશમાં જઈને લડી શકે તે માટેની સંપૂર્ણ સજ્જતા ધરાવે છે, બીજી બાજુ આપણા સૈનિકો વજનદાર જેકેટ અને હેલ્મેટના ભાર તળે દબાઈને ઝડપથી ખસી પણ શકતા નથી.

આપણા લશ્કર પાસે સંદેશવ્યવહાર માટે જે વ્યવસ્થા છે તે ૧૯૭૦ના દાયકામાં વિકસાવાઈ હતી, તેમાં ડેટાના આદાનપ્રદાન માટેની સુવિધા ઘણી મર્યાદિત છે. લશ્કરે સત્તાવાર રીતે કબૂલ કર્યું છે કે, તેની ૩,૫૦૦ રણગાડીઓમાંથી આશરે ૮૦ ટકામાં નાઇટવિઝન ડિવાઇસ અર્થાત્ રાતના સમયે જોવામાં મદદરૂપ થતાં સાધનો નથી. લશ્કરે ૧૯૮૭ પછી એક પણ હોવિત્ઝરની ખરીદી કરી નથી. દર વર્ષે નવા હાર્ડવેરની ખરીદી માટે ૧.૮ લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે પણ તેનો પૂરેપૂરો ઉપયોગ થતો નથી.

સ્ટોકહોમસ્થિત ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટયૂટે કહ્યા મુજબ ૨૦૦૬થી ૨૦૧૦ સુધીમાં ભારતે વિશ્વમાં સૌથી વધારે લશ્કરી સામગ્રીની આયાત કરી છે. બીજી બાજુ ચીન પોતાની મોટાભાગની જરૂરિયાતો ઘરઆંગણે પૂરી કરે છે. આપણે બહારથી લવાતી હલકી ગુણવત્તાની વસ્તુઓને સારી ગણીને સ્વીકારી લઈએ છીએ અને વિદેશી શસ્ત્ર સોદાગરો તથા પાશ્ચાત્ય દેશો ભારતની ખરીદીથી ખુશ રહે છે. તેના પરથી કહી શકાય કે, આપણે પોતાના નહીં પણ બીજા લોકોનાં રક્ષણ માટે સંરક્ષણનો ખર્ચ કરીએ છીએ. આપણે ખરીદી કરીએ ત્યાર સુધીમાં તો ઘણી સામગ્રી કાળબાહ્ય અર્થાત્ જૂના જમાનાની થઈ ગઈ હોય છે.

આ બધી સમસ્યાનું કારણ અમલદારશાહીની અને રાજકારણીઓની દૂરંદેશીનો અભાવ છે, તેઓ દેશની જનતાને ભ્રમમાં નાખવા માટે સંરક્ષણખર્ચ વધાર્યે રાખે છે. લોકોને લાગે કે, સરકાર ઘણું સારું કામ કરી રહી છે પણ વાસ્તવમાં તેણે વસાવેલી વસ્તુઓના ઉપયોગ માટે સૈનિકો પૂરતા સજ્જ હોતા નથી, વળી, આયાત કરાયેલી સામગ્રીની ચકાસણી માટેની પણ કોઈ વ્યવસ્થા નથી, તેને લીધે મિગ-૨૧ વિમાનો તૂટી પડવા જેવી દુર્ઘટનાઓ સર્જાય છે અને સૈનિકો વિના કારણે મોતને ભેટે છે.

અહીં ભૂતપૂર્વ ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ એસ. પદ્મનાભને પોતાનાં પુસ્તકમાં લખેલી વાત નોંધપાત્ર છે, તેમણે કહ્યું છે, આઝાદી પછી ભારતના રાજકીય નેતાઓએ પાયદળ, નૌકાદળ અને હવાઈદળને નીતિવિષયક નિર્ણયો લેવાની સત્તા આપી નથી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com