નુસખા
હિન્દુ સંસ્કૃતિમાં વિવાહને મહત્ત્વનો સંસ્કાર માનવામાં આવે છે, પરંતુ દરેક વ્યક્તિના યોગ્ય સમયે વિવાહ થતા નથી, વિવાહ થાય તો પતિસુખ મળતું નથી તથા કેટલાંક કારણસર વૈવાહિક સુખ મળતું નથી. મંગળદોષ સહિત તેની પાછળ ઘણાં કારણો હોય છે. વિવિધ દોષ દૂર કરી પતિ તથા વૈવાહિક સુખની પ્રાપ્તિ માટે નીચેના ઉપાયો અજમાવો.
પતિસુખ પ્રાપ્તિનો મંત્ર
નીચે લખેલ મંત્રનો ૪૮ દિવસો સુધી દરરોજ ૧૦૮ વખત પાઠ કે જપ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
સિન્ધુર પણ રતિકામદેહ ।
દિવ્યામ્બર સિન્ધુ સમીહિતાડ્ગમ ।।
સાન્ધ્યારુણ ધનુઃ પંકજ પુષ્પબાણ ।
પંચાયુધ ભુવનમોહમે મોક્ષે ગાર્થમ્ ।।
ફલૈ મન્મથાય મહાવિષ્ણુ સ્વરૂપાય, મહાવિષ્ણુ યુત્રાય ।
મહાપુરુષાયો પતિસુખં મોહે શીઘ્ર દેહિ દેહિ ।।
વિધિઃ પાઠ અને જપ પીળાં વસ્ત્રો ધારણ કરી, લલાટ પર તિલક કરીને ઉત્તર અથવા પૂર્વ દિશાભિમુખ બેસીને કરવા જોઈએ. જપની સંપૂર્ણ અવધિમાં શુદ્ધ ઘીથી પિત્તળ અથવા ચાંદીના દીવામાં દીપક પ્રજ્જવલિત કરવો જોઈએ. દરેક વખતે હાથમાં જળ રાખીને મંત્રનું ઉચ્ચારણ કરી જળને ભૂમિ પર છોડવું જોઈએ.
યોગ્ય સમયે કન્યાનો વિવાહ થાય તે માટે
ઉચિત સમયે વિવાહ થઈ જાય તે માટે કન્યાને સવા પાંચ રતીનું પોખરાજ રત્ન સોનાની વીંટીમાં જડાવીને ગુરુવારે ડાબા હાથની તર્જની આંગળીમાં તથા ઓછામાં ઓછો સાત રતી ફિરોઝા રત્ન ચાંદીની વીંટીમાં જડાવીને શુક્રવારે ડાબા હાથની કનિષ્ઠિકા આંગળીમાં ધારણ કરાવવું જોઈએ. જો કુંડળીમાં વૈધવ્ય યોગ હોય તો લગ્ન પહેલાં ઘટ વિવાહ, અશ્વત્થ વિવાહ, વિષ્ણુ મૂર્તિ યા શાલીગ્રામ વિવાહ કરાવવા તથા પ્રભુશરણમાં રહેવું જોઈએ.
મંગળદોષ દૂર કરવા
વિવાહમાં વિલંબથી બચાવ માટે વિવિધ મંત્રો, સ્તોત્રો તથા તેમની જપ અને પાઠની વિધિઓ આ પ્રમાણે છે. મંગળ ગ્રહના દોષમાંથી મુક્તિ મેળવવા માટે જાતકે ૧૦૮ દિવસો સુધી નિયમિત રીતે એક પંચમુખી દીપક પ્રગટાવીને નીચે દર્શાવેલ શ્રીમંગલ ચંડિકા સ્તોત્રનો ૭ અથવા ૨૧ વખત નિષ્ઠાપૂર્વક પાઠ કરવો જોઈએ
રક્ષ રક્ષ જગન્માત દેવી મંગલ ચંડિકે ।
હારિકે વિપદા રાશે હર્ષ મંગલ હારિકે ।।
હર્ષ મંગલ દક્ષે ચ હર્ષ મંગલ દાયિકે ।
શુભે મંગલ દક્ષે ચ હર્ષ મંગલ ચંડિકે ।।
મંગલે મંગલહે ચ શુભે મંગલ મંગલે ।
યદા મંગલવે દેવિ સર્વેષ મંગલાલયે ।।
વૈવાહિક જીવનમાં સુખાનુભૂતિ
સુખમય વૈવાહિક જીવનનો અનુભવ કરવા માટે નીચે દર્શાવેલ મંત્રનો સવિધિ જપ કરવો જોઈએ.
ઐં શ્રીં ક્લીં નમસ્તે મહામાયે મહા યોગિન્ધીશ્વરી ।
સામાન્જસ્યમ્ સર્વતોયાકિ સર્વ મંગલ કરિણીમ્ ।।
સુદ પક્ષના ગુરુવારે સ્નાન કરીને સાંજના સમયે પૂજાનો આરંભ કરવો જોઈએ. પૂજા સમયે મુખ પશ્ચિમ દિશા તરફ હોવું જોઈએ. દુર્ગામાતાનો ફોટો પોતાની સામે રાખીને ગાયના ઘીનો દીવો પ્રગટાવવો. સરખાં વજનથી સોનાની બે વીંટી દેવીમાનાં ચરણોમાં અપર્ણ કરવી. ગુલાબનાં ૧૦૮ પુષ્પો ૧૦૮ વખત મંત્ર જપ કરીને અર્પણ કરવાં. લાલ ચંદનની માળાથી ૨૧ દિવસો સુધી દરરોજ એક માળાનો જપ કરવો. ૨૧ દિવસ પછી માનાં ચરણોમાં અર્પણ વીંટીઓ લઈને કોઈ કર્મકાંડી બ્રાહ્મણને એક આપવી અને એક વીંટી પોતે પહેરી લેવી. આ પૂજા-અર્ચના નિષ્ઠાપૂર્વક કરવી. તેનાથી દાંપત્યજીવન સુખમય રહેશે. આ ઉપરાંત શ્રી દુર્ગાસપ્તશતીનો પાઠ પણ જાતે કરી શકાય.