મુંબઈ, તા. ૨
જાન્યુઆરીથી એપ્રિલ સુધીનો પગાર મળ્યો ન હોવાનો કેટલાક કર્મચારીઓનો દાવો
કિંગફિશરના પાયલોટો અને એન્જિનિયર સહિતના કેટલાક કર્મચારીઓનો દાવો છે કે તેમને અત્યાર સુધી પગાર મળ્યો નથી અને તેમને બાકી રકમ ઝડપથી મળી જાય તે માટે તેઓ કોર્ટમાં જવા અંગે વિચારણા કરી રહ્યા છે. કેટલાક કર્મચારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એપ્રિલ પૂર્ણ થઇ ગયા પછી પણ કંપનીએ જાન્યુઆરીથી એપ્રિલનો પગાર ચૂકવ્યો નથી. કમનસીબ વાત એ છે કે ટોપ મેનેજમેન્ટે અમને એ પણ જણાવવાના પ્રયત્નો કર્યા નથી કે તેઓ અમને આ બાકી રકમ ક્યારે ચૂકવશે. સ્થિતિ અગાઉ જેવી જ છે.
તેમણે જણાવ્યું હતું કે પાયલોટો લેબર કોર્ટમાં જવા અંગે વિચાર કરી રહ્યા છે. તમામ કર્માચારીઓ સાથે મળીને આ અંગેનો નિર્ણય લેશે. ઉલ્લેખનીય છે કે ગયા મહિનામાં પણ પાયલોટો અને એન્જિનિયરોએ કંપનીને નોટિસ આપીને જણાવ્યું હતું કે જો ૨૦ એપ્રિલ સુધી પગાર ચૂકવવામાં નહીં આવે તો તેઓ હડતાળ પર જશે. કિંગફિશરના ચેરમેન વિજય માલ્યા દ્વારા અંતિમ સમયે પત્ર લખવામાં આવતાં આ સંક્ટ દૂર થઇ ગયું હતું. આ પત્રમાં માલ્યાએ જણાવ્યું હતું કે એક સપ્તાહમાં તબક્કાવાર રીતે આ રકમ ચૂકવી દેવામાં આવશે.
કિંગફિશર એરલાઇન્સ ૭,૦૫૭.૦૮ કરોડ રૃપિયાનું દેવું ધરાવે છે. કંપનીની નાણાકીય સમસ્યાઓને કારણે તેની ફલાઇટો પ્રભાવિત થઇ હતી અને માર્ચ માસમાં તેનો બજારહિસ્સો ઘટીને માત્ર ૬.૪ ટકા થઇ ગયો હતો.