ચીખલી, તા. ૨
શ્રમજીવી દેશની આધારશીલા છે, જેના વિના સમગ્ર સમાજ પાંગળો છે. રાષ્ટ્રની પ્રગતિનો પથ્થર કામદાર છે, જેના પર વિશ્વ ટકી શક્યું છે.આ શબ્દો સાંસદ સી.આર. પાટીલે વિશ્વ કામદાર ડેની સોલધરા ખાતે ઉજવણી દરમિયાન ઉચ્ચાર્યા હતા.
- ચીખલી તાલુકાના સોલધરા ખાતે વિશ્વ કામદાર દિવસની ઉજવણી
ગુજરાતના સ્થાપના દિન અને વિશ્વ કામદાર ડેની સંયુક્ત ઉજવણી નિમિત્તે ગુજરાત રાજ્ય કામદાર સભા અને સેનાનાં પ્રણેતા કામદાર નેતા આર.સી. પટેલ દ્વારા સમગ્ર ગુજરાતના કામદારો અને માલિકો, સામાજિક કાર્યકરો, ધાર્મિક પ્રચારકો, ડોકટરો, વકીલો, કામદાર અગ્રણીઓને એક મંચ પર ભેગા કરી વિશ્વની હરણફાળ પ્રગતિમાં શ્રમિકો અને માલિકોનું શું યોગદાન છે તે વિષય પર સૌએ વકતવ્યો રજૂ કર્યા હતા. આ પ્રસંગે પ્રદેશ ભાજપના મંત્રી ડો. અમિતા પટેલ, ડો.સરલા મહસ્કર, મોદીશન મેટલના વઘેલા, નાનક પરિવારના ખીમચંદભાઇ, થેલો કલરના પટેલ, ગુલશન ભરુચના વત્સ, એન.સી.પી.ના ગુજરાતના પ્રમુખ રાજદીપ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા.
આ પ્રસંગે નવસારીના સાંસદ સી.આર.પાટીલે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઝળહળતી સફળતા અને વાઇબ્રન્ટ ગુજરાતની અનોખી પહેચાન અહીંં શ્રમજીવીઓમાં જોવા મળે છે. સાથે જ ગુજરાત સરકારે શ્રમજીવી પરિવારો માટે અમલમાં મુકેલી વિવિધ યોજનાઓની જાણકારી આપી બેરોજગારોને ગુજરાત સરકારે રોજગારી આપવામાં દેશમાં પ્રથમ નંબરે કામગીરી કરી હોવાનું જણાવ્યંુ હતું.
કામદાર નેતા આર.સી.પટેલે માલિકોની શોષણ નીતિ પર ચાબખા મારતા જણાવ્યું કે માલિકો-મજૂર વચ્ચે માનવીય સેતુ રચાય તે અત્યંત જરુરી છે, પરંતુ આજે માલિકો સરકારી કાનૂન પ્રમાણે પણ કાળઝાળ મોંઘવારીમાં શ્રમિકોનું શોષણ કરી રહ્યા છે. તત્ત્વચિંતક કાર્લ માર્કસે જણાવ્યું કે મજૂરોને મજૂરીના નાણાં મજૂરોનો પરસેવો સુકાઇ જાય તે પહેલાં મળી જવા જોઇએ પરંતુ અફસોસ મજૂરોના હક્કોના નાણાં માટે પણ પરસેવો સુકાવા પહેલા નહીં પરંતુ મજૂર આખો સુકાઇ જાય ત્યાર બાદ પણ મળતા નથી.
કથાકાર પ્રફુલ શુકલએ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે કામદારો, માલિકો, મજૂરો, સાહિત્યકારો, ધર્મગુરુઓ, ડોકટરો અને વકીલો આ તમામનો સમન્વય અહીં જોવા મળે છે.