નવસારી, તા. ૩
નવસારી એલસીબીએ ગુરુવારે બાતમીને આધારે કબીલપોર ઓવરબ્રિજ પાસેથી રૂ. ૧.૫૯ લાખના દારૂ સાથે બેને ઝડપી પાડયા હતા. હ્યુન્ડાઈ કાર દ્વારા આ દારૂનો જથ્થો દમણથી સુરત લઈ જવાતો હતો. પોલીસે દારૂના જથ્થા સહિત રૂ. ૭.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે દારૂ સપ્લાય કરનારા દમણના બુટલેગર તેમજ દારૂ મંગાવનારા સુરતના બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
- દમણથી હ્યુન્ડાઈ કારમાં ભરી સુરત ડિલિવરી માટે લઈ જવાતો હતો
- રૂ. ૭.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત : દમણ અને સુરતના બુટલેગરો વોન્ટેડ જાહેર
નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચને દમણથી બુટલેગર વેદપ્રકાશ ઉર્ફે શાહરૂખે પોતાની સફેદ રંગની હ્યુન્ડાઈ આઈ-૨૦ કારમાં દારૂનો જથ્થો ભરી માણસો સાથે સુરત રવાના કર્યો છે હોવાની બાતમી મળી હતી. જેને આધારે એલસીબીએ કબીલપોર ઓવરબ્રિજના બંને છેડા સહિત વોચ ગોઠવી હતી. આ દરમિયાન બાતમી મુજબની સફેદ રંગની હ્યુન્ડાઈ આઈ-૨૦ કાર (નં. જીજે ૫ સીએસ ૧૪૭૬) દક્ષિણ છેડેથી પસાર થતાં બ્રિજના ઉત્તર છેડે ઊભેલી ટીમને જાણ કરાઈ હતી. આ કારને આંતરી તપાસ કરતાં તેમાંથી પરપ્રાંતીય બનાવટની ઈંગ્લિશ દારૂની નાની મોટી બોટલ નંગ-૯૨૦ કિં. રૂ. ૧,૫૯,૨૦૦ મળી આવ્યા હતાં.
કાર ડ્રાઈવર તેમજ તેનો સાગરીત ભાગવા જતાં હતાં પરંતુ પોલીસે બંનેને દબોચી લીધા હતાં. પોલીસે આ બંને અસરફ અસલમ પાવસકર (રહે. ગીતાનગર, ચીનુભાઈની ચાલ, વાપી, મૂળ રહે. રત્નાગિરી, મહારાષ્ટ્ર) અને સાદીક કમરૂદ્દીન જમાણી (રહે. રૂમ નં. ૧૧, ખોજા સોસાયટી, કસ્ટમ રોડ, વાપી, મૂળ રહે. અમરેલી)ની ધરપકડ કરી તેઓ પાસેથી રૂ. ૧૮૦૦ની રોકડ તેમજ રૂ. ૧૫૦૦ની કિંમતના બે મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આ ઉપરાંત રૂ. ૬ લાખની હ્યુન્ડાઈ આઈ-૨૦ કાર સહિત કુલ રૂ. ૭.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પૂછપરછમાં આ બંને આરોપીઓએ એવી વિગતો કબૂલી હતી કે દમણથી વેદપ્રકાશ ઉર્ફે શાહરૂખ જગદીશ પ્રસાદ શર્મા (રહે. દમણ)એ આ દારૂનો જથ્થો ભરાવ્યો હતો. જોકે દારૂનો જથ્થો સુરતમાં ક્યાં સપ્લાય કરવાનો હતો તે વિષે તેઓ જાણતાં ન હતાં. પોલીસને તેમણે એક નંબર આપી એવું જણાવ્યું હતું કે સુરત પહોંચી આ નંબર પર ફોન કરી, તે વ્યક્તિને દારૂનો જથ્થો સપ્લાય કરવાનો હતો. જેથી પોલીસે દમણ અને સુરતના એ બંને બુટલેગરોને પણ વોન્ટેડ જાહેર કર્યા છે. મોબાઈલ નંબરના આધારે સુરતના બુટલેગરને શોધી કાઢી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હોવાનું એલસીબી પીઆઈ પટેલે જણાવ્યું હતું.