નવસારી, તા. ૩
નવસારીના જૂનાથાણા વિસ્તારમાં સુરત અને ગ્રીડ તરફ જવાના ખૂબ જ સાંકડા રસ્તાને પહોળો કરવાનું અભિયાન નવસારી નગરપાલિકાએ ગુરુવારે જિલ્લા કલેક્ટરની મદદથી પૂર્ણ કર્યુ હતું. આ બોટલનેકને કારણે દિવસ દરમિયાન ટ્રાફિકજામની સમસ્યાની સાથે સાથે અનેક અકસ્માત થતાં હતા તેમાં હવે રાહત થશે.
- નગરપાલિકાએ સરકારી ક્વાર્ટર્સનું ડિમોલિશન કરી ૧૦ ફૂટ રસ્તો પહોળો કર્યો
નવસારી નગરપાલિકાના ચીફ એન્જિનિયર રાજુભાઇ ગુપ્તાએ મોડી સાંજે વાતચીત દરમિયાન જણાવ્યંુ હતું કે જૂનાથાણા વિવેકાનંદ સર્કલ પાસે કે જ્યાં એક તરફ સુરત જવાનો અને બીજી તરફ ગ્રીડ તરફ થઇને હાઇવે જવાનો રસ્તો છે તે ખૂબ જ સાંકડો હતો અને એ હદે બોટલનેક હતો કે ટર્ન મારીને કોઇ વાહન આવે તો સામેથી ક્યું વાહન આવે છે તેની ખબર પડતી નહતી તેને લઇને અહીંયા અવારનવાર અકસ્માત થતાં રહેતા હતા તેની સાથે સાથે દિવસ દરમિયાન સતત ટ્રાફિક જામ પણ રહેતો હતો.
આ સમસ્યાના ઉકેલ માટે નવસારી નગરપાલિકા દ્વારા રાજ્ય સરકાર પાસે તેમના ક્વારટર્સ અને તેની આગળની જગ્યા રસ્તાના કામ માટે માગવામાં આવી હતી તે માંગ રાજ્ય સરકારે મંજૂર રાખી હતી અને જિલ્લા કલેક્ટર દ્વારા આ સરકારી ક્વાર્ટર્સના એક ભાગને તોડીને ત્યાં રસ્તો બનાવવાની મંજૂરી મળતા આજે તે કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
આ ડિમોલિશનને કારણે ઓછામાં ઓછો ૧૦ ફૂટ જેટલો રસ્તો પહોળો થવાનો અંદાજ છે અને આગામી બે ત્રણ દિવસમાં અહીંયા રોડ બનાવવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે તેમ પાલિકાના સૂત્રો જણાવ્યું હતું.