લંડન, તા. ૪
યજમાન બ્રિટન સામે ૨-૪થી પરાજય થવાની સાથે જ ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટમાં ભારતીય મેન્સ હોકી ટીમનાં અભિયાનનો અંત આવી ગયો છે. ભારત હવે શનિવારે અંતિમ અને ઔપચારિક મેચમાં જર્મની સામે રમશે. બ્રિટન સામેની મેચમાં ભારત માટે સંદીપસિંહ અને વીઆર રઘુનાથે એક-એક ગોલ કર્યા હતા. ગુરૂવારે રમાયેલી આ મેચમાં બ્રિટને શરૂઆતની ૧૧ મિનિટમાં જ બે ગોલ ફટકારી પોતાની સ્થિતિ મજબૂત કરી દીધી હતી.
રઘુનાથે પેનલ્ટી કોર્નર વડે ગોલ ફટકારી ભારતને રમતમાં પાછા લાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ એશ્લે જેક્સને ૩ મિનિટના ગાળામાં બે ગોલ ફટકારી ૧-૪ની મહત્ત્વપૂર્ણ સરસાઈ હાંસલ કરી લીધી હતી. સંદીપસિંહે ગોલ ફટકારી ભારતના પરાજયનું અંતર ઓછું કરવા પ્રયાસ કર્યો હતો. અગાઉ પ્રારંભિક મેચમાં ભારતનો ઓસી. સામે ૦-૩થી પરાજય થયો હતો.