બ્યૂટી ક્વેરી - રાજીકા કચેરિયા
શ્રી રાજીકાબહેન,
મને ખૂબ પરસેવો થાય છે. હું કંઈક એવું વાપરી શકું કે જેનાથી મને પરસેવો થાય નહીં મને એવો ઉપાય બતાવશો ? – કૃપાલી બહેનશ્રી,
પરસેવાથી શરીરનું તાપમાન ૩૭ ડિગ્રી સેલ્સિયસ (૯૮.૬ ડિગ્રી ફેરનહીટ) જળવાય છે. જ્યારે શરીર ગરમી અનુભવે છે, ત્યારે પરસેવાની ગ્રંથિઓમાંથી પરસેવો નીકળવા લાગે છે. આ પરસેવો બાષ્પ થઈ જાય છે ત્યારે શરીરમાં ઠંડક અનુભવાય છે. ગરમીની કમીને ઘટાડવા રક્તવાહિનીઓ સંકોચાય છે અને શરીરમાં ધ્રૂજારી પણ લાગે છે. તેના લીધે સ્નાયુઓમાંથી ગરમી છૂટવા લાગે છે. આમ થવાથી કુદરતી રીતે શરીરનું તાપમાન જળવાય છે. માટે તેની સાથે કંઈ છેડછાડ ના કરીએ તો સારું. તમે દિવસમાં બે વખત નહાવાનું રાખો. પરસેવાની દુર્ગંધ દૂર કરવા ડિયોડોરન્ટ વાપરવાનું રાખો. એ સારો ઉપાય છે.
માથાની ત્વચા તૈલી
શ્રી રાજીકાબહેન,
હું વાળ ધોઉં છું ત્યારે મેં જોયું છે કે, મારી માથાની ત્વચા તે પછી પણ તૈલી લાગે છે, તો આનું શું કારણ હોઈ શકે ? – બિનિતા બહેનશ્રી,
ઘણીવાર વાળ ધોવા માટે હુંફાળું પાણી વાપરતા માથાની ત્વચામાં વધુ પ્રમાણમાં તૈલીયતા ઉત્પન્ન થાય છે. બીજું, વાળ ધોતી વખતે આંગળીઓના ટેરવા કરતાં હથેળીના સપાટ ભાગનો ઉપયોગ કરવાનું રાખો. તમારે ઓઈલી હેર માટેનું શેમ્પૂ વાપરવું. તમારા વાળમાં ચીકાશ વર્તાય એટલે તરત વાળ ધોવાનું રાખો. કદાચ અઠવાડિયે બેથી ત્રણ વખત ધોવું પડે તો પણ ધોવું. જો તમને તમારા વાળમાં રુક્ષતા ના વર્તાતી હોય તો કન્ડિશનરનો ઉપયોગ કરવો નહીં, કેમ કે તેનાથી તમને ચીકાશ લાગશે. જો તમારે કન્ડિશનર વાપરવું પડે એમ હોય તો તેનો ઉપયોગ વાળ પર જ કરવાનું રાખશો, માથાની ત્વચા ઉપર નહીં.
પાકી ગયેલા ખીલ
શ્રી રાજીકાબહેન,
મને ખીલ બહુ થાય છે અને એ પાકી જાય છે. મારો ચહેરો ખરાબ લાગે છે. તો મારે શું કરવું ? - સારા બહેનશ્રી,
આનો જવાબ એ છે કે, તમે તમારી ત્વચાને સાફ રાખો. માઈલ્ડ ફેસવોશથી તમારો ચહેરો ધોવાનું રાખો. આ ઋતુમાં ખૂબ પાણી પીવાનું રાખો. તમારા આહારમાં તાજાં ફળો અને સલાડ અચૂક લેવાનું રાખો. કોઈપણ પ્રકારના ક્રીમ કે મોઈશ્ચરાઈઝર લગાવવાનું ટાળો, કેમ કે એ તમારી ત્વચાને વધુ તૈલી બનાવશે.
ડ્રાય નખ
શ્રી રાજીકાબહેન,
મારા નખ ખૂબ ડ્રાય છે. હું શું કરું ? – શિલ્પા બહેનશ્રી,
ખૂબ ડ્રાય નખ જલદી તૂટતા હોય છે. આવા નખ માટે નીચેનો ઉપાય કરવો.
રાત્રે સૂતી વખતે બદામના તેલથી મસાજ કરવો. કેલ્શિયમયુક્ત આહાર લેવો. ડિટરજન્ટ્સનો ઉપયોગ ટાળવો, જેથી નખ વધુ ડ્રાય ન થાય. નખ પર વધારે પડતું નેઈલપોલિશ રાખવું નહીં. નખને હવા અને સૂર્યપ્રકાશ મળે તેમ રાખવા.