તંત્રી સ્થાનેથી
જીવનમાં સફળતા હાંસલ કરનારાઓ સામે આપણી સંસ્કૃતિએ અર્જુનનું ઉદાહરણ મૂક્યું છે. વૃક્ષ પરના પંખીની આંખ વીંધનારા તમામ ઉમેદવારોમાંથી એકલા અર્જુનને જ એની આંખ દેખાતી હતી. બાકીનાને ઝાડ, ઝાડની ડાળીઓ અને આખુંયે પંખી નજરે ચઢતું હતું.
દુનિયાને મોટરગાડીની ભેટ ધરનારા મહાન સંશોધક અને સાહસવીર હેન્રી ફોર્ડે પોતાની કારકિર્દીમાં જે સફળતા મેળવી તેના મૂળમાં લક્ષ્ય પ્રત્યેની અર્જુન જેવી એમની એકાગ્રતા રહેલી છે. લક્ષ્યવેધ કરનાર પાસે આવી એકાગ્રતા હોય તો તે અચૂક સફળતા પામે છે એ વાત આપણને આપણા પૂર્વજો પાસેથી પરંપરા દ્વારા પ્રાપ્ત થઈ છે. એવું શી રીતે બને છે એનું રહસ્ય આપણી સામે હેન્રી ફોર્ડે છતું કર્યું છે.
કોઈપણ માણસ પોતાની આખરી સુધી ન પહોંચી શકે તેના કારણરૂપે માર્ગમાં આવતા અનેક અવરોધો હોય છે. ફોર્ડ કહે છે કે, જ્યારે તમે તમારી આંખ તમારા લક્ષ્ય પરથી હટાવી લો છો ત્યારે જ અવરોધરૂપ લાગતી બધી ચીજો તમારી નજરે ચઢે છે. જો આંખ માત્ર ને માત્ર લક્ષ્ય પર જ મંડાયેલી હોય તો બીજા કોઈ અવરોધો એને દેખાતા નથી ને તેથી કદી તે નડતા પણ નથી. અર્જુનની એકાગ્રતાનો જ આ રીતે આધુનિક લક્ષ્યસાધક એવા હેન્રી ફોર્ડે એમની પોતાની દૃષ્ટિએ મહિમા કર્યો છે. આપણે ત્યાં એક પ્રચલિત કહેવત છે- નાચવું ના હોય તેને આંગણું વાંકું ! નાચવાનો જેનો ઇરાદો નથી એ વ્યક્તિ આંગણું સીધું-સપાટ કે અનુકૂળ નથી એવું બહાનું આગળ ધરે છે.
પશ્ચિમમાં પણ બરાબર આવી જ એક ઉક્તિ પ્રચલિત છે- કુશળ કારીગર કદી ઓજારોની ખોડખાંપણનું બહાનું કાઢતો જ નથી. સાધનો અંગેની ફરિયાદ ઊંચે અવાજે ઊભી કરીને માણસ કાં તો પોતાની અણઆવડત છુપાવે છે કાં તો પોતાની અનિચ્છા પર પડદો ઢાંકે છે.
સફળતાનો માર્ગ સૂચવતો મૂળ મંત્ર આપણને ગીતાકાર ભગવાન શ્રીકૃષ્ણે આપ્યો છે- ન દૈન્થં, ન પલાયનમ્ ન તો ડરપોકપણું કે દીનતા દાખવવી કે ન તો કદી ભાગી છૂટવું. પોતાની સામે આવી ઊભેલા પડકારનો સામી છાતીએ સામનો કરનાર અર્ધો અંગ જીતી જાય છે. ઢીલા પગલે રોતી સૂરત લઈ આગળ વધનારો માનવી છેવટે મોંકાણના- નિષ્ફળતાના જ ખબર લઈને પાછો ફરે છે.
આયોજનપૂર્વક અને હામ હિંમતથી આગળ વધતા લક્ષ્ય પર જ નજર નોંધીને ચાલનારને આજે યા કાલે, વહેલા કે મોડા જરૂર સફળતા મળે છે. એવા જાંબાઝ પુરુષાર્થીની જહેમત એકલા એનો જ ઉદ્ધાર નથી કરતી, ફોર્ડની મોટરગાડીની જેમ એની આસપાસના આખાયે જગતને ય પુરુષાર્થનાં મીઠાં ફળ માણવા મળે છે.