સુરત, તા. ૪
અડાજણના હનીપાર્ક વિસ્તારમાં રહેતા અને કાપડની દલાલી સાથે સંકળાયેલા સિંધી યુવાન સન્નીના પચ્ચીસ દિવસ અગાઉ થયેલા રહસ્યમય મોતનું કોકડું હજું ઉકેલાયું નથી. સન્નીનું મોત હત્યા કે આત્મહત્યા? એ પ્રશ્નનો જવાબ શોધવામાં ઠોઠ નિશાળિયા જેવી હાલતમાં પોલીસ મુકાઇ ગઇ છે. આ મોત પ્રકરણમાં પ્રાઇમ સસ્પેક્ટ એવા પીયૂષની તપાસમાં પોતાને ખેરખા સમજનારા અધિકારીઓને પણ પરસવો પાની સુધી આવી ગયો છે ત્યારે હવે એફએસએલની મદદ લેવામાં આવી છે. એફએસએલ નિષ્ણાતોને સાથે રાખી પીયૂષનું સાયન્ટિફિક ઇન્ટ્રોગેશન કરવામાં આવી રહ્યું છે. આ તપાસના ભાગરૂપે તેનો લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કરવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
- અડાજણના સુનિલની સાથે છેલ્લી પળો ગાળનાર પીયૂષના મતે તેણે આપઘાત જ કર્યો છે
- આપઘાતની થિયરી સામે ઇજાઓ અંગેની સ્પષ્ટતા માટે પીયુષનું સાયન્ટિફિક ઇન્ટ્રોગેશન
અડાજણના હનીપાર્ક વિસ્તારના મીરા રો હાઉસમાં રહેતા સુનિલ ઉર્ફે સન્ની ભગવાનભાઇ તુલશિયાન દસમી એપ્રિલ, મંગળવારે રાતે તેના મિત્રને પોતે ઓએનજીસીના પુલ પરથી કૂદીને આપઘાત કરી રહ્યો હોવાનો મેસેજ કરી ગાયબ થઇ જતાં મિત્રો દોડતા થઇ ગયા હતા. ત્યારબાદ બુધવારે સાંજે તેની લાશ તાપી નદીમાંથી મળી આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જો કે, આ તપાસમાં પોલીસને કોઇ સફળતા મળી નથી. સુનિલની હત્યા થઇ છે કે પછી તેણે આપઘાત કર્યો છે? એની સ્પષ્ટતા પણ ઘટનાને પચ્ચીસ દિવસ વિતવા છતાં પોલીસ કરી શકી નથી. લાપતા થયો એ અગાઉ મિત્રોને ઉઘરાણીવાળાની ભીંસ અંગે વાત કરી સુનિલ સતત એવું કહેતો આવ્યો હતો કે મારે મરી જવું પડે એવા સંજોગો ઊભા થયા છે.
છેલ્લી મિનિટો સુધી સુનિલની સાથે હતો એ પીયૂષને આ કેસમાં પ્રાઇમ સસ્પેક્ટ તરીકે પોલીસે ડિટેઇન કર્યો છે. પીયૂષે પોલીસને જણાવ્યું હતું કે આની તપાસમાં તેણે એવી વાત જણાવી હતી કે મંગળવારે સાંજે તે સુનિલની સાથે મગદલ્લા પુલ ગયા હતાં. અહીં સુનિલે આપઘાતની વાત કરતાં તે ડરી ગયો હતો. તેણે સુનિલને આવું કરવાની ના પાડતાં તેણે ગુસ્સામાં આવીને તેનો ફોન લઇ તાપીમાં ફેંકી દીધો હતો.
ત્યારબાદ સુનિલે પીયૂષને કહ્યું કે તું ઘરે જા, ત્યાંથી લોકલ નંબર પરથી મને ફોન કરજે પછી જ હું આપઘાત કરીશ. સુનિલના કહેવા પ્રમાણે પીયૂષે કર્યું પણ ખરૂ. તે અડાજણ સુરભી ડેરી પાસે આવ્યો અને ત્યાંથી પીસીઓ પરથી સુનિલને ફોન કર્યો હતો. તેમણે ફોન ઉપર ચારેક મિનિટ વાત કરી હતી. આ વાત બાદ સુનિલનો મૃતદેહ મળી આવ્યો હતો. સુનિલે છેલ્લી વાત આ પીયૂષ સાથે જ કરી હતી.
મૃત્યુ પૂર્વે સુનિલનું વર્તન અને તેની સાથે અંતિમ મિનિટોમાં હાજર એવા પીયૂષનું નિવેદન એ વાત તરફ ઇશારો કરે છે કે સુનિલે આપઘાત જ કર્યો છે. તો બીજી તરફ સુનિલના શરીરે મળેલા પંદર જેટલી ઇજાના નિશાનો આવ્યા ક્યાંથી એ પણ એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ મેળવવા પોલીસનો પનો ટૂંકો પડી રહ્યો છે. ઘટનાને પચ્ચીસ દિવસ વિતવા છતાં કેસની તપાસમાં કોઇ નોંધપાત્ર પ્રગતિ થઇ નથી. શક્યતાઓના દાયરામાં અટવાઇ રહેલી પોલીસે હવે તપાસની દિશા નક્કી કરવા માટે એફએસએલની મદદ લીધી છે.
એફએસએલ નિષ્ણાતોને સાથે રાખી પોલીસે તપાસ આગળ ધપાવી છે. એફએસએલ દ્વારા સુનિલના શરીરે મળેલા ઇજાનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ પીયૂષ પોલીસને જે વાત જણાવી રહ્યો છે એમાં તથ્ય કેટલું છે એનું પણ સાયન્ટિફિક એનાલિસિસ શરૂ કરવામાં આવ્યું છે. પીયૂષનો આ માટે ગાંધીનગર એફએસએલમાં લાઇ ડિટેક્ટર ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો છે. હવે પોલીસ આ ટેસ્ટના રિપોર્ટની રાહ જોઇ રહી છે. સન્નીના મોત અંગે ઉદ્ભવેલી દુવિધામાંથી આ રિપોર્ટ બહાર કાઢી શકશે એવો આશાવાદ પોલીસ સેવી રહી છે.