Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 18,2013 05:20:37 PM IST
 

સમગ્ર દુનિયાનાં ૧૦ લાખ વહોરાનું ભોજન એકસાથે તૈયાર થાય છે!

May 05, 2012 Surat > Surat City
 
comment     E-Mail     Print    
 
Viewed: 4253
Rate: 4.1
Rating:
Bookmark The Article

સુરત, તા. ૪

આજના જમાનામાં સંયુક્ત કુટુંબમાં સગા ભાઇઓ વચ્ચે એક રસોડું ચલાવવું મુશ્કેલ છે ત્યારે વહોરા સમાજ દ્વારા બે મહિના અગાઉ શરૂ કરવામાં આવેલી સામાજિક રસોડાની યોજનામાં સમગ્ર દુનિયાના વહોરા સમાજને આવરી લેવામાં આવ્યા છે અને એક સાથે દુનિયાના ૧૦ લાખ લોકો આ સામાજિક રસોડાનો લાભ લઇ રહ્યા છે. સૈયદના સાહેબ દ્વારા બે મહિના પહેલાં આ વિચાર અમલમાં મૂકવામાં આવ્યો હતો અને તેના આધારે હાલમાં દુનિયાભરમાં આવાં રસોડાં ચાલી રહ્યાં છે.

  • સૈયદના સાહેબ દ્વારા કોમ્યુનિટી કિચનનો વિચાર અમલમાં મુકાયો
  • સામાજિક રસોડામાં તૈયાર થયેલા ટિફિન ઘરે ઘરે પહોંચાડાય છે

કોમના ગરીબ અને તવંગર બંને વર્ગના લોકો એક સરખું જ ભોજન લઇ શકે તે હેતુસર વહોરા સમાજના ધર્મગુરૂ દ્વારા રાખવામાં આવેલા વિચારને મુફદ્દલ ભાઇસાહેબે અમલમાં મૂકી દીધો છે. આ અંગે વહોરા સમાજના અગ્રણી કૈઝર મોરકસે જણાવ્યું હતું કે, સુરતમાં વહોરા સમાજને ૧૨ વોર્ડમાં વહેંચી દેવામાં આવ્યો છે એટલે સુરતમાં અલગ અલગ વિસ્તારમાં ૧૨ રસોડાં ચાલી રહ્યાં છે જેમાં તે વોર્ડમાં રહેતા તમામ વહોરા પરિવારનું ભોજન એક સાથે તૈયાર કરવામાં આવે છે અને તે ટિફિન મારફત તેમના ઘરે પહોંચાડી દેવામાં આવે છે એટલે આ વોર્ડના તમામ લોકો પછી તે ગરીબ હોય કે તવંગર એક સરખું જ ભોજન લે છે જેના કારણે માત્ર આર્થિક સ્થિતિને કારણે જમવામાં થતાં ભેદભાવ દૂર થઇ ગયાં છે. આ યોજનામાં તમામ વહોરા પરિવાર તેમની શક્તિ પ્રમાણે ફાળો આપે છે અને તે ફાળામાંથી જ તમામ પરિવાર માટે બપોરના સમયે એક સાથે તમામ વહોરા પરિવાર માટે ભોજન તૈયાર થાય છે. કોઇ વ્યકિત ખૂબ જ ગરીબ હોય અને તે ફાળો આપી શકે તેમ ન હોય તેને પણ આ યોજનામાં આવરી લેવામાં આવે છે. હાલમાં ગુજરાતમાં સુરત, વડોદરા, અમદાવાદ, રાજકોટ જેવા તમામ નાના મોટા શહેરોમાં વહોરાની વસ્તી પ્રમાણે આવા રસોડાં ચાલી રહ્યાં છે. જ્યારે દેશના તમામ રાજ્યમાં જ્યાં પણ વહોરાઓ રહે છે ત્યાં પણ સામાજિક રસોડાં શરૂ થઇ ચૂક્યાં છે.

જ્યારે ભારત સિવાય અમેરિકા, કેનેડા, લંડન, કુવૈત, પાકિસ્તાન સહિત જ્યાં જ્યાં વહોરા સમાજના લોકો રહે છે ત્યાં આ યોજના અમલી બની છે. વહોરા સમાજની વસ્તી દુનિયામાં આશરે દશ લાખની છે અને તે તમામ આ યોજનામાં જોડાઇ ચૂક્યા છે.

વિશ્વભરમાં આ પ્રકારે શરુ થયેલી આ પ્રથમ યોજના છે. આ પહેલા પંજાબમાં સાંઝા ચૂલાની પરંપરા હતી. જેમાં ગામની મહિલાઓ એક જ ચૂલા પર રસોઈ બનાવતી હોવાથી ત્યાં બળતરનો પ્રશ્ન રહેતો ન હતો. જ્યારે આ યોજનામાં એક સાથે સંખ્યાબંધ મહોલ્લાનું ભોજન તૈયાર થવાથી ઘણી બધી બચતને અવકાશ છે.

યોજના શરૂ કરવાનો હેતુ શું છે

સમાજના ગરીબ લોકો સારું ભોજન આરોગી શકતા નથી એટલે સમાજના દરેક લોકો એક સરખું ભોજન કરી શકે તે તેનો મુખ્ય હેતુ છે. આ ઉપરાંત વહોરા સમાજની ગૃહિણીઓનો જમવાનું બનાવવાનો સમય બચી જાય છે, જેના કારણે તેઓ તેમના બાળકોના ઉછેર પાછળ પૂરતું ધ્યાન આપી શકશે અને આ જ બાળકો સારી રીતે ભણશે તો સમાજને ઉપયોગી બની શકશે.

યોજનાનો સૌથી મોટો ફાયદો શું?

સામાજિક રસોડાની યોજનાને કારણે વહોરા સમાજની મહિલાઓએ બપોરનું જમવાનું બનાવવું પડતું નથી. તેના કારણે તેઓ દિવસ દરમિયાન દાઉદી વહોરા સમાજની મહિલાઓને સાંજ સુધીનો નવરાશનો સમય મળે છે એટલે તેઓ તે સમયમાં ઇમિટેશન જ્વેલરી, ભરત ગુંથણ, સીવણ, વહોરા સમાજની ટોપી બનાવવાનું કામ કે રીદા બનાવવાનું કામ કરી શકે છે અને આર્થિક રીતે પરિવારને મદદરૂપ થઇ શકે છે.

કેવી રીતે ચાલે છે સામૂહિક રસોડા

આ કામ માટે એક વોર્ડ મુજબ એક સમિતિ તૈયાર કરવામાં આવી છે. જે દર મહિને આ વિસ્તારમાં રહેતા તેમના સમાજના પરિવાર પાસે મહિને તેમની શક્તિ પ્રમાણે ફાળો ઉઘરાવે છે. ત્યારબાદ એક અઠવાડિયાનું મેનુ તૈયાર કરવામાં આવે છે અને ટ્રેઇન્ડ કરાયેલા યુવાનો ભોજન તૈયાર કરે છે અને ઘરે ઘરે ટિફિન પહોંચાડે છે. આ માટે ભોજનમાં કયા પ્રકારની શુદ્ધ અને ગુણવત્તાવાળી વસ્તુઓ વાપરવી તેની પણ ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી છે અને તે મુજબ જ કામ થાય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com