Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 24,2013 05:07:05 AM IST
 

IPLના અતિરેકમાં વછેરાઓ વિસરાયા

May 05, 2012 Supplements > Sanskar
 
comment     E-Mail     Print    
 
Viewed: 1766
Rate: 5.0
Rating:
Bookmark The Article

પેવેલિયન - એ. ડી. વ્યાસ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની પાંચમી આવૃત્તિને ભલે જોઈએ તેટલો પ્રતિસાદ મળ્યો નથી. પણ તેના ધંધાદારી અભિગમની અસર દરેકના ઉપર એટલી બધી પડી ગઈ છે કે તેના અતિરેકમાં ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ચાર દેશો વચ્ચેની અન્ડર -૧૯ની ક્રિકેટ ટુર્નમેન્ટ જીતનારા ભારતીય ટીમના વછેરાઓ સાવ વિસરાઈ ગયા.

ખેલકૂદના કોઈ પણ એસોસિયેશન, ફેડરેશન કે ક્લબનું મુખ્ય સૂત્ર હોય છે - Catch them young એટલે કે યુવાધનને ઓળખો અને પ્રોત્સાહન આપો. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પણ જૂની વાતને ધ્યાનમાં રાખીને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડેમી ગ્દઝ્રછ શરૂ કરી છે. જેને કારણે યુવા ખેલાડીઓને યોગ્ય તક પણ મળે છે અને ફાયદો પણ થાય છે. પણ બોર્ડ ખેલાડીઓ ઉપર જાણે ઉપકાર કરતું હોય તેવું વર્તન દાખવે છે, તેમને સુવિધાઓ જરૂર પૂરી પાડે છે પણ તેમની યોગ્ય કદર કરતું નથી. આ વાતનું તાજું ઉદાહરણ અન્ડર ૧૯ની ટુર્નમેન્ટમાં વિજેતા બનેલી ભારતીય ટીમની કોઈએ નોંધ નથી લીધી તે છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પદાધિકારીઓએ તો યુવા ખેલાડીઓની સિદ્ધિની નોંધ ન લીધી પણ માધ્યમોએ પણ તેની યોગ્ય સમીક્ષા ન કરી. દેશનાં ગણ્યાંગાંઠયાં અખબાર અને ટીવી ચેનલોએ નાના સરખા સમાચાર લીધા હતા, બાકી બધાએ IPLની મેચોને જ વધારે મહત્ત્વ આપ્યું હતું, કોઈએ ઉન્મુક્ત ચાંદની ઝમકદાર બેટિંગનાં વખાણ તો શું તેનો ઉલ્લેખ પણ નથી કર્યો.

ઓસ્ટ્રેલિયાની ધરતી પર રમાયેલી ચાર દેશો વચ્ચેની ૫૦ ઓવરની અન્ડર -૧૯ ની ટુર્નમેન્ટમાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની મેચ હારી ગઈ હતી, પણ સેમીફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડને ૬૩ રનથી હરાવ્યું હતું. ઉન્મુક્ત ચાંદે ચાર છગ્ગા અને છ ચોગ્ગાની મદદથી ૯૪ રન બનાવ્યા હતા, જ્યારે ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૭ વિકેટથી હાર આપી હતી, ચાંદે છ છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી અણનમ ૧૧૨ રન ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટમાં ૭ વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર પેટ ક્યુમિન્સની બોલિંગની પણ તેણે ધુલાઈ કરી હતી.

યુવા ખેલાડીઓની પ્રતિભાને ઉજાગર કરવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા અન્ડર - ૧૯, અન્ડર -૧૭, અન્ડર - ૧૫ અને અન્ડર -૧૪ની ટુર્નમેન્ટનું આયોજન થાય છે. જ્યારે ICC દ્વારા જુનિયર વર્લ્ડકપ રમાડવામાં આવે છે. વિરાટ કોહલી અને અંબાતી રાયડુ જેવા ખેલાડીઓ જુનિયર વર્લ્ડકપમાં રમી ચૂક્યા છે. ટેસ્ટ ક્રિકેટ રમતા બધા જ દેશોમાં રાષ્ટ્રીય સ્તરે જુનિયર ક્રિકેટરો માટે ટુર્નમેન્ટોનું આયોજન કરવામાં આવે છે અને તેના દેખાવને આધારે પસંદ કરવામાં આવેલી ટીમ જુનિયર વર્લ્ડકપમાં ભાગ લેવા જાય છે.

જુનિયર ખેલાડીઓ માટે અગાઉ કોલ્ટસ (શુદ્ધ ગુજરાતીમાં વછેરા) શબ્દ વપરાતો હતો, અને ટીમ ઇન્ડિયન કોલ્ટસ તરીકે ઓળખાતી હતી. પ્રથમ વાર ઇન્ડિયન કોલ્ટસ ટીમ અશોક માંકડના સુકાનીપદ હેઠળ સિલોનના (હાલનું શ્રીલંકા) પ્રવાસે ગઈ હતી, ૧૯૬૭માં ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી ટીમમાં મોહિન્દર અને સુરિન્દર અમરનાથ હતા, આ પ્રવાસની એક મેચમાં ભારતને જીત માટે બે બોલમાં ૧૨ રન કરવાના હતા, મોહિન્દરને પણ સદી માટે ૧૨ રનની જરૂર હતી, અને તેણે બે છગ્ગા ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી અને ભારતને જીત પણ અપાવી હતી.

૧૯૬૮માં ભારતીય જુનિયર ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગઈ હતી. તે ટીમમાં પણ મોહિન્દર અને સુરિન્દર ઉપરાંત બ્રિજેશ પટેલ, કરશન ઘાવરી અને વડોદરાના દિનકર સંકપાલનો સમાવેશ થયો હતો. ઓસ્ટ્રેલિયાની જુનિયર ટીમ તરફથી ફાસ્ટ બોલર ડેનિસ લીલી રમ્યો હતો. ભારતીય ટીમને ક્રિકેટના મહાન ખેલાડી સર ડોનાલ્ડ બ્રેડમેને મુલાકાત આપી હતી અને ખેલાડીઓ સાથે ૧૯૪૭-૪૮માં પ્રવાસે ગયેલી ભારતીય ટીમના સુકાની લાલા અમરનાથ અને ઉપસુકાની વિજય હઝારે સાથેનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં ખૂબ સુંદર દેખાવ કરનાર મોહિન્દરને ભારતની સિનિયર ટીમનું તેડું મળ્યું હતું અને ૧૯૬૯માં ભારતના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયાની ટીમ સામે ટેસ્ટ રમવાનો મોકો મળ્યો હતો.

રવિશાસ્ત્રી, મનિન્દર સિંઘ અને પ્રવીણ આમરે પણ ભારતની જુનિયર ટીમ તરફથી રમ્યા હતા. ઈરફાન પઠાણ અન્ડર - ૧૯ ટીમ તરફથી પાકિસ્તાન રમવા ગયો હતો અને એક દિવસની મેચમાં નવ વિકેટ ઝડપવાનો વિક્રમ નોંધાવ્યો હતો. આ પ્રવાસના પ્રદર્શનને કારણે તેને પણ ભારતીય ટીમમાં સ્થાન મળ્યું હતું.

newsvnm@yahoo.com
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
Sulekha-Home
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com