અમદાવાદ : ૫ મે ૨૦૧૨
અંગત અને વ્યવસાયિક જીવનમાં હિંમતભર્યા નિર્ણયો લેવા માટે જાણીતા જાજરમાન અભિનેત્રી અને ડ્રીમ ગર્લનું બિરુદ મેળવનારા હેમા માલિની હોલિવૂડ સ્ટાર મેરીલ સ્ટ્રીપની પ્રશંસક છે. ૭૦થી ૮૦ના દાયકામાં હિન્દી સિનેમામાં સફળતાના શિખરે પહોંચનાર આ ૬૩ વર્ષીય અભિનેત્રીનું માનવું છે કે, તેઓ હોલિવૂડ સ્ટાર મેરીલ સ્ટ્રીપ જેટલી નસીબદાર નથી.
તાજેતરમાં જ 'ગલ્ફ ન્યૂઝ'ને આપેલા એક ઇન્ટરવ્યૂમાં હેમા માલિનીએ મેરીલ સ્ટ્રીપની 'ધ બ્રિજિસ ઓફ મેડિસન કાઉન્ટી' ફિલ્મમાં દર્શાવાયેલા અયોગ્ય રોમાન્સને યાદ કરીને કહ્યું હતું કે, 'હું ચોક્કસ નસીબદાર છું, પણ તેમના જેટલી નહીં. મેં તેમની લગભગ બધી જ ફિલ્મો જોઇ છે અને અનુભવી છે. હું ઘણીવાર વિચારું છું કે, બોલિવૂડમાં આવી ફિલ્મો કેમ નથી બનતી. કેટલીક ફિલ્મોનું વધારે પડતું ભારતીયકરણ કરી નાંખવામાં આવે છે. કારણકે, આવી ફિલ્મો અહીં ચાલતી નથી.”
ડ્રીમ ગર્લે ઉમેર્યું હતું કે, “મને 'ધ બ્રિજિસ ઓફ મેડિસન કાઉન્ટી' જેવી ફિલ્મમાં કામ કરવું ચોક્કસ ગમશે. પરંતુ તેમાં મારા કો-સ્ટાર તરીકે મારાથી પણ મોટો અભિનેતા હોવો જરૂરી છે. એવી ભૂમિકામાં અમિતાભ બચ્ચન સિવાય કોઇને કલ્પી પણ ન શકાય. અત્યારે તો અમિતાભ બચ્ચન સિવાય કોઈ આવી ભૂમિકા કરી શકે તેમ નથી. જો હું રાજેશ ખન્ના કે જીતેન્દ્રના નામ વિચારું તો પણ હવે એ લોકો અભિનય કરતાં નથી. આ અભિનેતાઓ ક્યાં જતા રહ્યા?”