અમદાવાદ, તા. ૫
19 મી મેથી શનિ મહારાજ પોતાની રાશિ બદલીને કન્યામાં ભ્રમણ કરશે. શનિ વક્રી થવાને કારણે પાછળની રાશિમાં જાય છે. જ્યોતિષીઓના મત પ્રમાણે શનિ ૧૯-મે-૨૦૧૨ના રોજ બપોરે અઢી વાગ્યે કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ૨૬ જૂન-૨૦૧૨ના રોજ સવારે પ-૪૦ વાગ્યે માર્ગી થયા બાદ પહોલી ઓગસ્ટે ફરી ઉચ્ચનો થઇ તુલા રાશિમાં પાછો ફરશે. શનિ વક્રી થતાં તેનો પ્રભાવ તમામ રાશિઓ પર વધતા ઓછા અંશે પડશે. આ ગાળામાં વક્રી શનિનો પ્રભાવ વધારે દેખાશે.
આના કારણે કુદરતી આફતો, તોફાન, ચક્રવાત, ભૂકંપના આંચકા અનુભવાય. કમોસમી વરસાદના કારણે દેશના કેટલાક વિસ્તારમાં પૂરની સંભાવના પણ નકારી શકાય નહીં. મોંઘવારી માઝા મુકે તેના કારણે આમ આદમીન પરેશાનીનો ભોગ બનવું પડે. મે-૨૦૧૨માં મંગળ પણ રાશિ પરિવર્તન કરીને સિંહ રાશિમાં ચાલે છે. આના કારણે સોના ચાંદીના ભાવ નવી ટોચ બનાવતા જોવા મળશે. લાલ વસ્તુઓના ભાવમાં તેજી જોવાશે. બુધ મેષ રાશિમાં આવવાના કારણે પણ સોનાના ભાવ મચક આપશે નહીં. ૧૪મીથી સૂર્ય મેષ રાશિમાં આવવાથી પૂર્વના દેશોને થોડી રાહત રહેશે. પરંતુ પશુઓ પણ આપત્તિના યોગ છે. મે મહીનામાં ૧૭મીએ ગુરૃ મેષમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આના કારણે સ્ત્રીઓની પીડામાં વધારો થશે. ૧૫મી મે બાદ સૂર્ય પણ વૃષભ રાશિમાં જતાં પૂર્વના દેશોમાં પીડા, ભય અને નુકસાનના યોગ છે. બુધ પણ રાશિ પરિવર્તન કરીને વૃષભ રાશિમાં આવતા પ્રજાને રાહત મળશે. શુક્ર, બુધ, ગુરૃ, સૂર્ય, કેતુ, એક સાથે વૃષભ રાશિમાં આવતા પંચગ્રહી યોગ બની રહ્યો છે. આના કારણે આતંકવાદી હૂમલાઓનું જોર વધશે.
- સોના ચાંદીના ભાવ આસમાને જશે, આતંકવાદી હૂમલાઓનું જોર વધે તેવા ગ્રહયોગો
હવામાનની દ્રષ્ટિએ પાંચ ગ્રહો એક રાશિમાં ભેગા થતાં અને ખાસ કરીને સૂર્ય, બુધ અને શુક્ર એક રાશિમાં આવવાથી સખત લૂ અને ગરમીનું જોર વધશે. શુક્ર પોતાની રાશિ વૃષભમાં હોઇ વચ્ચે વચ્ચે થોડા વરસાદી ઝાપટા પણ પડવાની સંભાવના છે.