દિયોદર, તા.૬
અમદાવાદ લાંભા ગામ ઇન્દ્રનગરમાં રહેતી યુવતીના લગ્ન આજથી ત્રણ વર્ષ અગાઉ અમદાવાદ ખાતે રહેતા રવિ કુમાર ઠાકોર સાથે થયા હતા, પરંતુ જેમાં આ રવિ ઠાકોરને અન્ય યુવતી સાથે સંબંધ હોવાથી છ મહિના અગાઉ આ રવિ ઠાકોરે પરિણીત યુવતીને તગેડી મૂકી હતી અને તેને સંતાનમાં એક દીકરો પણ છે.
- અમદાવાદમાં રહેતી પરિણીતાને દલાલોએ મીઠા ગામે વેચી નાખી
આ યુવતી ઇન્દ્રનગરમાં ભાડે મકાન લઈ છૂટક મજૂરી કરી તેના દીકરાને મોટો કરવા એકલી રહેતી હતી. આ જાણ તેની સોસાયટીમાં રહેતા સોનલ દેવીપૂજક અને જાકીર હુસેનને થતાં આ બંને દલાલો પરિણીતાના ઘરે અવરજવર કરતા હતા અને વિશ્વાસમાં લઈ રૂપિયાની લાલચ આપી પાટણ તાલુકાના સાવણિયા ગામે રહેતા જોગાજી ઠાકોરના ઘરે લાવવામાં આવી હતી જેમાં આ ત્રણે દલાલો મળી દિયોદર તાલુકાના મીઠા ગામે બાલાજી ઠાકોર સાથે આ યુવતીના લગ્ન કરાવવામાં આવ્યાં હતાં અને આ યુવતીને અમુક રકમ આપી છેતરી હતી.
આ બાલાજી ઠાકોરે આ યુવતીને દોઢ મહિના સુધી ગોંધી રાખી મારઝૂડ, માનસિક ત્રાસ અને વારંવાર બળાત્કાર ગુજારવામાં આવતો હતો.
ગત તા. ૩-૫-૨૦૧૨ના રોજ આ બાલાજી ઠાકોરે મારઝૂડ કરી દિયોદર રેલવે સ્ટેશનની પાસે રહેતા નટુજી ઠાકોરને ત્યાં મૂકી ગયેલ જેમાં ગત દિવસની રાત્રે અન્ય ઇસમો યુવતીને જબરદસ્તીથી ઉપાડીને લઈ જવાની કોશિશ કરેલ તેમાં યુવતીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો એકઠા થઈ જતાં યુવતીને ઉપાડવા આવેલ ઇસમો ભાગી છૂટયા હતા.
કોની સામે ગુનો નોંધાયો
આઠ શખસો સામે ગુનો નોંધાયો
(૧) સોનલબેન જાકીરભાઈ રહે. અમદાવાદ (૨) જાકીરભાઈ રહે. અમદાવાદ (૩) જોગાજી ઠાકોર સાવીયાણા, તા. ડીસા, (૪) બલાજી ઠાકોર મીઠા, (૫) ગીતાબેન ઠાકોર મીઠા (૬) ડીડાભાઈ ઠાકોર મીઠા (૭) નટાજી ઠાકોર દિયોદર, (૮) ધીરાજી ઠાકોર મેરા, તા. ભાભર.