નવી દિલ્હી, તા. ૬
દેશમાં મોટાભાગનું ગેરકાયદે ભંડોળ અને કાળું નાણું રિયલ એસ્ટેટ સેક્ટરમાંથી ઊભું થાય છે અને આ સેક્ટરમાં જ ફરે છે તેમ આર્થિક ગુપ્તચર એજન્સીઓએ કેન્દ્રીય નાણામંત્રાલયને જણાવ્યું છે.
આર્થિક ગુપ્તચર એજન્સીઓના ગોપનીય અહેવાલમાં ઘટસ્ફોટ
રિયલ એસ્ટેટ સેક્ટરમાં આવી રહેલાં ભંડોળ પર ચાંપતી નજર રાખવા અને સ્પેશિયલ ઓપરેશન્સ હાથ ધરવા સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરો (સીઈઆઇબી), ઇન્કમટેક્સ (ઇન્ટેલિજન્સ) અને ડિરેક્ટરેટ ઓફ એક્સાઇઝ ઇન્ટેલિજન્સે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી) અને આઇ-ટી (ઇન્વેસ્ટિગેશન્સ) જેવી એન્ફોર્સમેન્ટ એજન્સીઓને સતર્ક કરી છે.
થોડા સમય પૂર્વે નાણાપ્રધાન પ્રણવ મુખરજીના અધ્યક્ષપદે યોજાયેલી ઇકોનોમિક ઇન્ટેલિજન્સ કાઉન્સિલની એક બેઠકમાં સીઇઆઇબીએ નોંધ્યું હતું કે વર્ષ ૨૦૧૧માં છુપી આવકની મહત્તમ (૪૦ ટકા) ટકાવારી રિયલ એસ્ટેટ સેક્ટરમાં હતી જ્યારે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં છુપી આવકનું પ્રમાણ ૨૭ ટકા રહ્યું હતું. આ છુપી આવક આવકવેરા વિભાગના ઇન્વેસ્ટિગેશન યુનિટ્સ દ્વારા શોધી કાઢવામાં આવી હતી.
રિયલ એસ્ટેટ-કન્સ્ટ્રક્શનમાં ૧,૪૦૦ કરોડનું કાળું નાણું
૨૦૧૧માં રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન સેક્ટરમાંથી રૂ. ૧,૪૦૦ કરોડની અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાંથી રૂ. ૧,૧૦૦ કરોડની છૂપી આવક બહાર લાવવામાં આવી હતી. આ સેક્ટર્સના કરચોરો દ્વારા આઇ-ટી એક્ટ હેઠળ ડિડક્શનના ખોટા દાવા, અનરિપોર્ટેડ ટેક્સ ટ્રાન્ઝેક્શન્સ, મલ્ટિ-લેયર ટ્રાન્ઝેક્શન્સ, 'ટેક્સ હેવન' ગણાતા દેશો સહિત વિદેશમાંથી ભંડોળનું રૂટિંગ અને નફાના અન્ડર-વેલ્યુએશન સહિતની મોડસ ઓપરેન્ડી અજમાવવામાં આવતી હતી.
CEIB શું છે ?
સેન્ટ્રલ ઇકોનોમિક ઇન્ટેલિજન્સ બ્યુરો (સીઇઆઇબી) ઇકોનોમિક ઇન્ટેલિજન્સ ડેટાના સંગ્રહ અને ફેલાવા માટેની નોડલ બોડી છે, જે આર્થિક ગુનાઓનાં ક્ષેત્રમાં આઇ-ટી, ઇડી, ડિરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ), કસ્ટમ્સ જેવી સંબંધિત એજન્સીઓ સાથે તેમ જ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, સીબીઆઇ અને આઇબી જેવી અન્ય એજન્સીઓ સાથે સંકલન સાધે છે.
માઇનિંગ-હેલ્થ સેક્ટર્સમાં પણ કાળું નાણું
આર્થિક ગુપ્તચર એજન્સીઓના ગોપનીય અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે ખાણકામ, આરોગ્ય, ફોરેક્સ બિઝનેસ અને શિક્ષણ જેવા અન્ય સેક્ટર્સમાં પણ કાળું નાણું કે ગેરકાયદે ભંડોળ હોવાનું માલૂમ પડયું છે.