જયપુર, તા. ૬
રાજસ્થાન ભાજપ કોર કમિટીની બેઠકમાં વિરોધપક્ષનાં નેતા વસુંધરા રાજેએ પક્ષનાં સભ્યપદેથી રાજીનામું આપવાની ધમકી આપી હતી, તેમણે આ બેઠકમાં જણાવ્યું હતું કે ભાજપના વરિષ્ઠ નેતા ગુલાબચંદ કટારિયા દ્વારા 'લોક જાગરણ યાત્રા'નું આયોજન કરવાનો પોતાનો નિર્ણય રદ કરવામાં નહીં આવે તો તે પક્ષના સભ્યપદેથી રાજીનામું આપી દેશે. વસુંધરા રાજેની આ ધમકી પછી કટારિયાએ પોતાનો ૨૮ દિવસનો આ કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લીધો હતો.
રાજેને સમર્થન આપવા ૪૩ ધારાસભ્યો દ્વારા રાજીનામાની ઓફર
આ દરમિયાન આજે ૨ અપક્ષ સહિત કુલ ૪૩ ધારાસભ્યોએ વસુંધરા રાજેનાં નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ૪૩ ધારાસભ્યોએ રાજે સમક્ષ પોતાનાં રાજીનામાં રજૂ કર્યાં હતાં, આ ઉપરાંત આમાંથી કેટલાક ધારાસભ્યોએ વસુંધરા રાજેને આગામી વિધાનસભા ચૂંટણી માટે ભાજપનાં મુખ્યપ્રધાનનાં ઉમેદવાર તરીકે જાહેર કરવાની માગણી કરી હતી.
પક્ષની બેઠકમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. રાજે દ્વારા આ યાત્રાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, કારણ કે પક્ષના કેટલાક નેતાઓ માને છે કે આ યાત્રાનું આયોજન કરી કટારિયા આવતા વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણી માટે પોતાને મુખ્યપ્રધાનના ઉમેદવાર તરીકે રજૂ કરવા માગે છે. ઉલ્લેખનીય છે કે રાજેનાં નેતૃત્વવાળી અગાઉની સરકારમાં કટારિયા રાજસ્થાનના ગૃહપ્રધાન હતા.
ભાજપના જનરલ સેક્રેટરી અને ધારાસભ્ય કિરણ મહેશ્વરી સહિતના રાજેના સમર્થકોએ કટારિયાની પ્રસ્તાવિત યાત્રા અંગે ભાજપનાં કેન્દ્રીય નેતૃત્વને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ પછી પક્ષપ્રમુખ નીતિન ગડકરીએ કટારિયાને ૫ મે સુધી યાત્રા મોકૂફ રાખવા અને આ સંબંધમાં ૬ મેના રોજ રાજ્યનાં નેતૃત્વને નિર્ણય લેવા જણાવ્યું હતું.
રાજેએ જણાવ્યું હતું કે પક્ષના કાર્યકરો પક્ષ માટે મહત્ત્વપૂર્ણ છે અને જો તેઓ કોઇ પણ નિર્ણય અંગે ખુશ ન હોય તો આવા નિર્ણય રદ કરવા જોઇએ. પક્ષનું કાર્યાલય છોડતાં પહેલાં રાજેએ પત્રકારોને જણાવ્યું હતું કે કટારિયા દ્વારા તેમનો નિર્ણય પડતો મૂકવામાં નહીં આવે તો તે રાજીનામું આપી દેશે.