કોલકાતા, તા. ૬
હિલેરી ક્લિન્ટનનું ભારતમાં આગમન
અમેરિકન વિદેશપ્રધાન હિલેરી ક્લિન્ટન ભારતની ત્રણ દિવસની યાત્રા માટે કોલકાતા આવી પહોંચ્યાં હતાં. ક્લિન્ટન ભારતના વિદેશપ્રધાન એસ. એમ. કૃષ્ણા સાથે નાગરિક પરમાણુ સહકાર, પ્રાદેશિક સલામતી અને ઈરાન જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરશે તેમ મનાય છે. ક્લિન્ટન મંગળવારે કૃષ્ણા સાથે બેઠકમાં ભાગ લેશે. એશિયાના ત્રણ રાષ્ટ્રોના પ્રવાસના અંતિમ તબક્કાના ભાગરૃપે ક્લિન્ટન આજે બાંગ્લાદેશથી કોલકાતા આવી પહોંચ્યાં હતાં. કોલકાતામાં તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી સહિત અન્ય મહાનુભાવોને મળશે.
ક્લિન્ટન-કૃષ્ણાની બેઠકમાં નાગરિક પરમાણુ, ઇરાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે
નવી દિલ્હીમાં તેમનાં રોકાણ દરમિયાન ક્લિન્ટન વડાપ્રધાન મનમોહનસિંહ સાથે પણ બેઠક યોજે તેવી શક્યતા છે. વડાપ્રધાન અને કૃષ્ણા સાથેની બેઠક દરમિયાન તેઓ બંને દેશોના વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરશે તેમ મનાય છે. વોશિંગ્ટનમાં ૧૩મી જૂને ભારત-અમેરિકાની વ્યૂહાત્મક બેઠકના સંદર્ભમાં આ બેઠક ઘણી જ મહત્ત્વપૂર્ણ છે. બંને દેશના નેતાઓ આ બેઠકમાં વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલા વિકાસની સમીક્ષા કરશે.
બેઠકનું મહત્ત્વ
ચીનમાં ઉચ્ચ સ્તરીય બેઠક બાદ તુરત જ ક્લિન્ટનની ભારત મુલાકાત ઘણી જ સૂચક છે એટલું જ નહીં ભારત મુલાકાત બાદ ક્લિન્ટન શિકાગોમાં મહત્ત્વપૂર્ણ નાટો સમિટમાં ભાગ લેશે, જ્યાં અફઘાનિસ્તાન અંગે કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાઈ શકે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ક્લિન્ટનની ભારતીય નેતાઓ સાથેની બેઠકમાં ભારત-અમેરિકા ભાગીદારી પર અસર કરતા બધા જ મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
બેઠકમાં ચર્ચાના મુદ્દા
બંને પક્ષો નાગરિક પરમાણુ સહકાર અને પ્રાદેશિક સલામતીની સ્થિતિ જેવી બાબતો પર ચર્ચા કરશે તેમ મનાય છે. આ બેઠકમાં અફઘાનિસ્તાનના આર્િથક વિકાસ અંગે પણ ચર્ચા થઈ શકે છે. ઈરાનના મુદ્દે ભારત અને અમેરિકા સમાન મંતવ્ય નહીં ધરાવતા હોવાથી બેઠક દરમિયાન બંને પક્ષો આ મુદ્દે તેમની સ્થિતિ સ્પષ્ટ કરશે. તહેરાન પર નિયંત્રણો લાદનાર અમેરિકાએ ભારતને ઈરાનમાંથી ક્રૂડઓઈલની આયાત મર્યાદિત કરવા જણાવ્યું છે, પરંતુ નવી દિલ્હીએ સ્પષ્ટ કર્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા માન્ય નિયંત્રણો જ તે સ્વીકારશે.