ઢાકા, તા. ૬
રાષ્ટ્રપતિની ચૂંટણીના મામલે કોંગ્રેસ તેનાં પાનાં ખોલી રહી નથી ત્યારે પક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવારોમાં ફ્રન્ટ-રનર ગણાતા નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ આજે જણાવ્યું છે કે તેમને આ મુદ્દે અંધારામાં રખાયા છે જ્યારે બીજી તરફ ડાબેરી પક્ષોનું કહેવું છે કે તેઓ વ્યાપક સ્વીકૃતિ ધરાવતા ઉમેદવારને સમર્થન આપશે.
ઢાકામાં પત્રકારોના સવાલથી નાણાપ્રધાન હસી પડયા
ઢાકામાં પ્રણવદાની વરિષ્ઠ પત્રકારો સાથેની વાતચીતમાં એક પત્રકારે તેમને સવાલ કર્યો હતો કે શું ભારતના રાષ્ટ્રપતિના હોદ્દા માટે તમારા નામની દરખાસ્ત છે ? આ સવાલને કારણે નાણાપ્રધાન હસી પડયા હતા અને તેમણે કહ્યું હતું કે આ મામલે ખુદ તેમને અંધારામાં રખાયા છે.
"આ અંગે કંઇ જાણતો ન હોવાથી હું જ દ્વિધામાં છું. નિર્ણય લેવાની અમારી સિસ્ટમમાં જ્યાં સુધી નિર્ણય લેવાઇ ન જાય ત્યાં સુધી કોઇ તેની સત્તાવાર જાહેરાત કરતું નથી તેથી તમારી માફક હું પણ અંધારામાં જ છું." તેમ યુપીએ સરકારના ટ્રબલ શૂટરે ઉમેર્યું હતું.
કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીમાં ભાગ લેવા પ્રણવદા બાંગ્લાદેશના બે દિવસના પ્રવાસે ગયા છે.
દરમિયાન, સીપીઆઇના સેક્રેટરી ડી. રાજાએ બેંગ્લુરુમાં કહ્યું હતું કે ડાબેરી પક્ષો સર્વસંમતિથી નક્કી થયેલા વ્યાપક સ્વીકૃતિ ધરાવતા ઉમેદવાર પસંદ કરશે, બીજી તરફ ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથસિંહે ગાઝિયાબાદમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિની પસંદગી કોઇ પણ પ્રકારે વિખવાદયુક્ત ન હોવી જોઇએ. રાષ્ટ્રપતિની પસંદગી જ્ઞાાતિ, ધર્મ કે વર્ણથી પર હોવી જોઇએ. રાજનાથે રાષ્ટ્રપતિપદે સમગ્ર દેશને સ્વીકાર્ય હોય તેવી વ્યક્તિની તરફેણ કરી હતી.
યુપીએની સ્થિતિ મજબૂત
ડાબેરીઓ વ્યાપક સ્વીકૃતિ ધરાવતા ઉમેદવારને સમર્થન આપશે
રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે પ્રણવ મુખરજી કે હામીદ અન્સારીમાંથી કોઇને પણ સમર્થન નહીં આપવાના લોકસભાના વિપક્ષી નેતા સુષ્મા સ્વરાજના આશ્ચર્યજનક નિવેદન બાદ કોંગ્રેસ અટકળોથી વિપરીત રીતે મજબૂત સ્થિતિમાં આવી ગઇ છે. સપા, બસપા, જેડીયુ અને ડાબેરીઓ જેવા નોન-યુપીએ પક્ષોએ છેલ્લા કેટલાક દિવસ દરમિયાન કરેલાં નિવેદનો જોતાં તેઓ યુપીએના ઉમેદવારને સમર્થન આપે તેમ જણાય છે.