અમદાવાદ,તા.૬
અમદાવાદના વેપારીઓને પોતાની વાક્છટાથી આંજી દઇ કસ્ટમ ઓફિસરની ઓળખ આપી તેમની પાસેથી ત્રણ કરોડ ખંખેરી ફરાર થઇ ગયેલા રઉફ નામના શખસને કેન્દ્રીય એજન્સીઓ શોધી રહી છે. એરપોર્ટ કસ્ટમનો વ્હાઇટ યુનિફોર્મ પહેરીને ડોમેસ્ટીક એરપોર્ટ પરથી અવર જવર કરતો આ નકલી કસ્ટમ અધિકારી અમદાવાદના હોટલના માલિક, મોબાઇલ શો-રૂમ, ઘડિયાળની દુકાનો, એરટિકીટ બુકીંગ કરનાર એજન્સીઓ તેમજ મોટા મોટા ઇલેક્ટ્રોનિક શોરૂમમાંથી ખરીદી કરીને કરોડોનું ફુલેકું ફેરવીને રફુચક્કર થઇ ગયો છે. અંદાજે ૩ કરોડની છેતરપીંડી કરનારો આ નકલી ક્સ્ટમ અધિકારી કોણ છે અને તેના સાગરિતો કોણ કોણ છે તેની માહિતી ગુપ્તચર વિભાગ પણ મેળવી રહ્યો છે. દાણચોરીમાં પકડાયેલું સોનું સસ્તામાં પધરાવીને વિશ્વાસમાં લેનારો નકલી અધિકારી રઉફ કસ્ટમના કાયદાઓનો જાણકાર હોવાની વિગતો પણ જાણવા મળી છે.
- મિત્રોને રાડો- રોલેક્સની ઘડિયાળો, એલસીડી ગિફ્ટ આપીને વિશ્વાસમાં લેતો હતો
- એરપોર્ટ કસ્ટમનો ડ્રેસ પહેરીને બજારમાં ખુલ્લેઆમ ફરનારા રઉફ નામના શખ્સની શોધખોળ
- કેન્દ્રીય એજન્સીઓની આંખમાં ધૂળ નાખી મિ. નટવરલાલ ગાયબ થઇ ગયો
- વેપારીઓને વાક્છટાથી આંજી દઈ ત્રણ કરોડનો માલ ઉઘરાવી રફુચક્કર
ફેબ્રુઆરી ૨૦૧૧થી ડિસેમ્બર ૨૦૧૧ દરમ્યાન આશ્રમ રોડ પર સીટી ગોલ્ડ મલ્ટિપ્લેક્સની નજીક આવેલી હોટલમાં રોકાયેલો આ નકલી કસ્ટમ અધિકારી રઉફે ગાંધીરોડ પર આવેલા મોબાઇલની દુકાનના માલિક યુનુસને ત્યાંથી મોબાઇલની ખરીદી કરી હતી. દુકાનદારે ક્રેડિટ ઉપર મોબાઇલ આપવાના શરૂ કર્યા હતા. કસ્ટમનો વ્હાઇટ ડ્રેસ પહેરી બજારમાં ખરીદી કરી શકાતી નથી છતાં રઉફ બિન્ધાસ્ત માર્કેટમાં ફરતો હતો. મોબાઇલના શોરૂમના માલિક પાસેથી રૂ. ૮ લાખનો માલ ખરીદ્યો હતો. આ રૂપિયા પણ પરત કર્યા નથી. તેણે જાણીતી કંપનીઓના મોબાઇલ ફોન મિત્રોને ગીફ્ટમાં આપીને તેમને વિશ્વાસમાં લીધા હતા. સીજી રોડ પર આવેલા ઘડિયાળના શોરૂમમાંથી રોલેક્સ અને રાડોની અતિમોંઘી કાંડા ઘડિયાળોની રોકડમાં ખરીદી કરીને સાચા ગ્રાહક કરીકેની છાપ ઉભી કરી હતી. આમ તમામ જગ્યાઓએ શરૂઆતમાં રોકડમાં ખરીદી કરીને પોતાનો રૂઆબ છાંટયો હતો. કસ્ટમનો ડ્ર્સ પહેરેલો હોવાથી દુકાનમાં તેને સાહેબ તરીકે માન આપીને આગતા સ્વાગતા કરવામાં આવતી હતી. નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક હોટલના માલિક પાસેથી રોકાણ કરવાના બહાને રૂ. ૧૮ લાખની છેતરપીંડી કરી છે. આશ્રમ રોડ પર આવેલા એક મોટા શોરૂમમાંથી પણ ઇલેક્ટ્રોનીક્સ સામાનની રોકડમાં ખરીદી કરીને મિત્રોને ગીફટ આપીને પોતાની અલગ જ ઓળખાણ ઉભી કરી હતી. અમદાવાદના લોકલ ડ્રાઇવરને સાથે રાખીને ઓપન જીપ્સીમાં ફરતા રઉફને કસ્ટમ અને ડીઆરઆઇ પણ શોધી રહ્યું છે. ડોમેસ્ટીક એરપોર્ટ પર વ્હાઇટ યુનિફોર્મમાં ફરતા કસ્ટમના અધિકારીઓ પ્રોટોકોલ ડયુટીમાં આવતા હોવાથી કોઇ શક કરતું નથી તેવું વિચારીને આ નકલી કસ્ટમ અધિકારી સિક્યોરીટી ક્રોસ કરીને સડસડાટ બહાર નિકળી જતો હતો. નકલી કસ્ટમ અધિકારી મુંબઇનો રહેવાસી હોવાનું વેપારીઓએ જણાવ્યું છે.
ક્સ્ટમનો વ્હાઈટ યુનિફોર્મ કાલુપુર કે મુંબઇથી ખરીદ્યો ?
ફિલ્મી સ્ટાઇલથી ફરતા રઉફે કસ્ટમનો વ્હાઇટ યુનિફોર્મ ક્યાંથી ખરીદ્યો તેની કોઇને ખબર નથી. કસ્ટમના સૂત્રોએ જણાવ્યું કે, વ્હાઇટ યુનિફોર્મ એરપોર્ટની બહાર પહેરીને નિકળી શકાતુ નથી. બહાર પહેરીને કોઇ ફરે તો પોલીસે પુછપરછ કરવી જોઇએ. બહારનો કસ્ટમ અધિકારી હોય તો પણ ખાનગી હોટલમાં રોકાણ કરાતું નથી. ઓફિસના કામ માટે ડયુટી કરો તો જે તે એરલાઇન્સ કંપનીઓ હોટલમાં રોકાણ કરવાની સગવડ આપતી હોય છે. મુંબઇમાં કોલાબા વિસ્તારમાં બે દુકાનોમાં કસ્ટમ, આર્મીના ડ્રેસ મળતા હોય છે. તેના માટે લાયસન્સ મેળવેલું હોવું જરૂરી છે. અમદાવાદમાં કાલુપુરમાં આવેલી દુકાનમાં પણ પોલીસ, આર્મી, ક્સ્ટમના ડ્રેસનું વેચાણ થાય છે. વ્હાઇટ યુનિફોર્મ, ખભાની બંને બાજૂના સોલ્ડર બેઝ, પી-કેપ (અશોક ચક્રવાળી સફેદ કેપ) નેમ પ્લેટ, ક્સ્ટમ લખેલુ હોય તેવો બેઝ બહાર ખુલ્લેઆમ મળતા હોવાથી કોઇપણ ખરીદી લેતા હોય છે. પણ આ કેસમાં કસ્ટમ અધિકારીની છેતરપીંડી કરવાની મોડસ ઓપરેન્ડીથી વેપારીઓ ફફડી ગયા છે. એટલું જ નહિં અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં મુસ્લીમ સોસાયટીની બાજુમાં આવેલી રેસીડેન્ડ પાર્કમાં તેણે ત્રણ મહિના રોકાણ કર્યું હતું. તેના ફલેટમાં એક મૌલવી આવતા હતા. તેની પાસેથી પણ રૂ. ૩ લાખ પડાવી લીધા છે. આ મૌલવી પણ તેને શોધી રહ્યા છે. પરિવાર પાસેથી ભેગી કરેલી રકમની છેતરપીંડી થઇ હોવાનુ જાણવા મળતાં મૌલવી રોજ એકવાર આ ફ્લેટની આસપાસ આંટાફેરા કરે છે.