Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 21,2013 11:53:32 AM IST
 

બોરતળાવ છલકાવવાનું આયોજન કરી મહીપરીએજના વેંચાતા પાણી બંધ કરો

May 07, 2012 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 486
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા. ૬

ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ છેલ્લા થોડા વર્ષોથી દર ચોમાસામાં ઓવર-ફ્લો થઈ જાય છે, જ્યારે શહેરનું ખોબા જેવડુ બોરતળાવ ઓવર-ફ્લો થતુ નથી. તેની પાછળ ભૂ-માફીયાઓ અને મહાપાલિકાની મીલીભગતથી ચાલતા બુધ્ધીપૂર્વકના ખેલ જવાબદાર છે. ચાલુ ઉનાળામાં ભાવનગરની પ્રજાએ વેઠેલી પાણીની હાડમારી અસહ્ય છે. આ વિકટ સ્થિતી માટે જવાબદાર તરીકે મહાપાલિકાના શાસકો કે અધિકારીઓ છટકી શકે તેમ નથી. અત્યાર સુધી જે થયુ તે થયુ પણ હજૂ અગાઉ કરેલી ભૂલો સુધારી શકાય તેમ છે. હવે જાગૃત બની ગૌરીશંકર તળાવને બચાવવાનો અને છલકાવવાનો સંકલ્પ કરવાની જરૂર છે. વોટર વર્કસ વિભાગે બોરતળાવ ફરતી એચએફએલ (હાય ફ્લડ લેવલ) બાઉન્ડ્રી અને ભીકડા કેનાલ ઉપર એકલ-દોકલ સીક્યુરીટી ગાર્ડ ગોઠવ્યા છે. જે સ્વાભાવિક જ ફરતી બાઉન્ડ્રીની સુરક્ષા કરવા માટે અસમર્થ છે. જેના કારણે અહીં દબાણોના અડીંગા થઈ ગયા છે. હાય ફ્લડ લેવલ અને ફુલ સપ્લાય લેવલ(એફએસએલ) બાઉન્ડ્રી વચ્ચે ખડકાયેલા દબાણો આખા ગામને દેખાય છે જ્યારે મહાપાલિકાને દેખાતા નથી જે દુઃખદ બાબત છે. આજ રીતે એચએફએલ બાઉન્ડ્રી અને એફએસએલ વચ્ચે દુઃખીશ્યામ બાપા આશ્રમથી સીદસર થઈ ચિત્રા ગણેશનગર સુધી અનેક દબાણો ખડકાયા છે છતા મહાપાલિકાની નજરમાં આવ્યા નથી. આ તમામ દબાણો કોઈપણ ચમરબંધીની શેહશરમ રાખ્યા વગર હટાવી દેવા જોઈએ.

  • હાય ફ્લડ લેવલ અને ફુલ સપ્લાય લેવલ બાઉન્ડ્રી વચ્ચે ખડકાયેલા દબાણો કોઈ પણ ચમરબંધીની શરમ રાખ્યા વગર હટાવી દો !
  • સ્ત્રાવ વિસ્તારમાંથી ભીકડા કેનાલ વાટે આવતુ વરસાદી પાણી ચેકડેમો સહિતના અવરોધો દૂર કરીને બોરતળાવ સુધી પહોંચાડો !
  • દુઃખીશ્યામ બાપા આશ્રમથી સીદસર થઈ ચિત્રા ગણેશનગર સુધીના દબાણોનો સર્વે કરો અને તૂટી પડો..!

સ્ત્રાવ વિસ્તારમાંથી ભીકડા કેનાલ વાટે આવતુ વરસાદી પાણી ચેકડેમો સહિતના અવરોધોને કારણે બોરતળાવ સુધી પહોચી શકતુ નથી જેથી આ તમામ દબાણો દૂર કરીને વરસાદ પાણી બોરતળાવ સુધી પહોંચાડાય તો ભાવનગરને આખુ વર્ષ પ્રતિ દિન ઓછામાં ઓછું ૧પ એમએલડી પાણી બોરતળાવમાંથી મળી શકે છે. સાથોસાથ મહીપરીએજમાંથી વેંચાતુ પાણી લઈને લાખ્ખો ચુકવવાના અને ઉપરથી પાણી માટે ભીખ માંગવાની આવી દારૂણ સ્થિતીનો સામનો ભવિષ્યમાં કરવો પડશે નહીં ! અત્રે નોંધનીય છે કે ભાવનગર મહાપાલિકા મહીપરીએજના પાણી પેટે દરરોજના ર.૪૦ લાખ એટલે કે મહિને સવા સાત કરોડ જેટલી અ..ધ..ધ રકમ ચૂકવે છે. જો બોરતળાવ છલકાવવાની જાગૃતતા દર્શાવાય તો શાસકો અને કમિશનર બન્નેની કામગીરીને પ્રજા કાયમ યાદ કરશે !

 બોરતળાવ ઓવર-ફ્લો થાય તો હાય ફ્લડ લેવલ અને ફુલ સપ્લાય લેવલની જગ્યામાં ખડકાયેલા અનેક દબાણો પાણીમાં આવી જાય તેમ હોવાથી અત્યાર સુધી બોરતળાવ છલકાય નહીં તેવા યેનકેન પ્રકારે પ્રયાસો થયા હોવાની વાત કોઈથી અજાણ નથી. આજે બોરતળાવ તળીયા ઝાટક તેનો બોલતો પૂરાવો છે. અહીં દબાણો દૂર કરવા અને વધુ દબાણો થતા અટકાવવા લેન્ડ રેકર્ડના જૂના એચ.એફ.એલ.ના નકશાના આધારે તોડી ન શકાય તેવા નવા ખૂંટા ફીટ કરવાની જરૂર છે. આ ઉપરાંત બોરતળાવની રીઝર્વ જગ્યામાં ગેરકાયદે થઈ રહેલી ખેતીવાડી બંધ કરાવી બાઉન્ડ્રી પર ઉંડી ખાઈ કરી ડીમાર્કેશન કરવું જોઈએ. જેથી વારંવાર દબાણો થવાને અવકાશ ન રહે.

 બોરતળાવ ફરતે ખડકાયેલા દબાણોના કારણે તળાવમાં પાણી સંગ્રહની ક્ષમતા ઘટી ગઈ છે. સાથોસાથ બોરતળાવમાં આવતા વરસાદી પાણી આડે ઉભા કરાયેલા અવરોધોના કારણે પણ બોરતળાવની ઘોર ખોદાઈ ગઈ છે. માળનાથ, ખોખરા, ભંડારીયા, કોબડીના ડુંગરમાંથી આવતુ પાણી સ્ત્રાવ વિસ્તારમાં એકત્રિત થઈ ભીકડા કેનાલ વાટે બોરતળાવમાં આવતુ હતુ. પરંતુ ભીકડા કેનાલમાં કેટલાક ચોક્કસ લોકોના ઈશારે ચેકડેમો ઉભા કરી દેવાયા હોવાનું કહેવાય છે. સીદસર પાસે પણ પાણીને રોકે તેવા અવરોધો ઉભા થઈ ગયા છે. જેના કારણે બોરતળાવ સુધી પાણી પહોંચતુ જ નથી. તાજેતરમાં મેયર, સ્ટે. ચેરમેન અને કમિશનરે ભીકડા કેનાલની મુલાકાત લઈ આવા દબાણો નજરે જોયા હતા અને દબાણો હટાવવા તાકીદ પણ કરી હતી. પરંતુ આ કામગીરી પરિણામલક્ષી બની રહેશે તો જ આજનું તળીયા ઝાટક બોરતળાવ ફરી હિલોળા લેતું જોવા મળશે. બોરતળાવમાં મેન્ટેનન્સના નામે પણ મીંડુ છે. છતા ગત ૩૦ એપ્રિલે મળેલા જનરલ બોર્ડમાં બોરતળાવના મેન્ટેનન્સ પાછળ મોટી રકમ ખર્ચાતી હોવાનું વોટર વર્કસ ઈજનેરે જણાવ્યુ હતું. જો કે વાસ્તવિક પરિસ્થિતી એ છે કે, ડેમ ઉપર, દુઃખીશ્યામ આશ્રમ પાછળ અને ભીકડા ત્રણે'ય જગ્યાના દરવાજાની છેલ્લી ર્સિવસ ક્યારે થઈ હતી ? તે કોઈને યાદ નથી ! ડેમના આયુષ્ય અને મજબુતીકરણ બાબતે કોઈ એક્સપાયરી ડેટ હોય તેવું જણાતું નથી. પીલર પણ વર્ષોથી મરામત વિહોણો છે. ડેમની કોમ્પ્રેસીવ અને ટેન્સાઈલ સ્ટ્રેન્થ અંગે કોઈ લેબોરેટરી પરિક્ષણો થયા નથી અને બધુ રામ ભરોસે ચાલે છે ! આ બાબતે અત્યાર સુધી જે લાલીયાવાડી ચાલી તે પણ હવે પછી કર્તવ્યનિષ્ઠતા સાથે બોરતળાવના મેન્ટેનન્સની કામગીરી થાય તે આવશ્યક છે.

આ ઉપરાંત બોરતળાવ છલકાય ત્યારે તેનું પાણી આજુબાજુના વિસ્તારની જમીનમાં ઉતરશે તો જ પાણીના તળ ઉંડા જશે. પરંતુ બોરતળાવ ફરતા ર૦ જેટલા પાણીના કહેવાતા ધંધાર્થી દરરોજના ર૦૦-ર૦૦ ટેન્કર વેંચી ધીકતો ધંધો કરે છે અને તળાવ ખાલી થઈ જાય છે. પ્રજાનુ પાણી વેંચીને રોકડી કરનારા સામે અત્યાર સુધી મૌન રહેલી મહાપાલિકા હવે પછી પાણી ચોરો સામે પાણી બતાવે તે સમગ્ર શહેરના હીતમાં છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com