ભાવનગરતા.૬
માધ્યમિક શિક્ષક બનવા માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષક અભિયોગ્યતા કસોટીને ફરજિયાત બનાવાઈ છે.શિક્ષક અભિ યોગ્યતા કસોટી(ટાટ)પાસ કરનાર ઉમેદવાર માધ્યમિક શાળામા શિક્ષક બનવા માટે લાયક ઠરાવવામાં આવ્યા છે.શિક્ષણ વિભાગ દ્વારા આવતીકાલ તા.૭ના ટાટ (શિક્ષક અભિયોગ્યતા કસોટી) લેવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા લેવાનારી ટાટ અંતર્ગત ૭૪૪૮ ઉમેદવારની કસોટી થશે.ભાવનગરના ૨૩ પરીક્ષાકેન્દ્ર પર ટાટ લેવામાં આવશે.
- શિક્ષક અભિયોગ્યતા કસોટી બે સેશનમાં
આ અંગે એજ્યુકેશન ઈન્સ્પેકટર્સ ડી.એન.ત્રિવેદીએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, માધ્યમિક શિક્ષક બનવા માટે રાજ્ય સરકાર દ્વારા શિક્ષક અભિયોગ્યતા કસોટી લેવાનું આયોજન કર્યુ છે.જેના ભાગરૂપે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક અભિયોગ્યતા કસોટી શહેરનાં આર.કે. ઘરશાળા, દક્ષિણામૂર્તિ, વિશુધ્ધાનંદ વિધામંદિર, નંદકુંવરકા ક્ષત્રિય વિધાલય, કુમારશાળા, દોલત અંનતવળીયા સ્કૂલ, સ્વામિનારાયણ માધ્યમિક શાળા, વિધાવિહાર સ્કૂલ, સનાતનધર્મ હાઈસ્કૂલ, શાંતિલાલ શાહ હાઈસ્કૂલ,મુક્તાલક્ષ્મી સ્કૂલ,પ્રણવબક્ષી વિનય મંદિર, શિશુવિહાર સ્કૂલ, શિશુવિહાર મહાલક્ષ્મી ગલ્સ હાઈસ્કૂલ,બી.એમ. કોમર્સ સ્કુલ,સેન્ટ મેરી સ્કૂલ,ફાતિમા કોન્વેન્ટ હાઈસ્કૂલ,આર્યગુરુકુળ કન્યા વિદ્યાલય, સંત કંવરરામ હાઈસ્કૂલ, સ્વામિ વિદ્યાલય અને એકતા હાઈસ્કૂલ ખાતે લેવામાં આવશે.ટાટ અન્વયે ૨૫૪ બ્લોક ઉભા કરવામા આવ્યા છે.અને ૪૦૦થી વધુ કર્મચારીઓ ફરજ બજાવશે.ટાટની પરીક્ષા બે સેશનમાં લેવામા આવશે.જેમા પ્રથમ સેશનમાં ૧૧ થી ૧/૩૦ કલાક દરમિયાન જનરલ પરીક્ષા લેવામાં આવશે.અને બીજા સેશનમાં પોતાના વિષયની ૩ થી ૫ કલાક વચ્ચે પરીક્ષા લેવામાં આવશે.
પરીક્ષા આપનાર ઉમેદવારે શુ ધ્યાન રાખવુ પડશે.?
* ૫રીક્ષામાં પ્રશ્નના જવાબ બ્લેકપોઈન્ટ પેનથી દર્શાવાના રહેશે
* પરીક્ષામા હાજરી આપતી વખતે ઓળખકાર્ડ માટે ઈલેકશનકાર્ડ, ડ્રાઈવીંગ લાઈન્સન્સ,પાનકાર્ડ કે અન્ય ફોટાવાળુ ઓળખકાર્ડ સાથે રાખવાનું રહેશે
* ઓએમઆર જવાબવહીમાં કોઈપણ જાતની ઓળખ થાય તેવા ચિહ્ન કે સંજ્ઞા કરવાનો પ્રયાસ કરવો નહિ
* નિર્ધારીત પરીક્ષા સમય કરતા ત્રીસ મિનિટ પહેલા બેઠક પર હાજર થવાનુ રહેશે
* પરીક્ષા શરૂ થયા બાદ પરીક્ષાર્થીને બહાર જવા દેવામાં આવશે નહિ