વડોદરા તા. ૬
શહેરના જુના પાદરા રોડ પર રાજવી ટાવર પાસે મૌલવીને અડફેટે લીધા બાદ ગભરાઈ ગયેલા નવી નક્કોર સ્વીફ્ટ કારના ચાલકે અન્ય બે વાહનોને પણ અડફેટે લીધા હતા. આજે ભર બપોરે જાહેર માર્ગ પર કાર ચાલકે મચાવેલા આતંકને પગલે વાહન ચાલકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ હીટ એન્ડ રનના કેસમાં પોલીસે કાર ચાલકની ધરપકડ કરી હતી.
- કાર ચાલકને પકડીને લોકોએ ધોલાઈ કરી
જૂના પાદરા રોડ પર રાજવી ટાવર પાસેથી આજે બપોરે દોઢ વાગે એક મૌલવી ચાલતા જતા હતા. આ સમયે પાછળથી પુરઝડપે આવેલા સ્વીફ્ટ કારના ચાલકે તેમને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં મૌલવીને ગંભીર ઈજા પહોંચતા ચાલકે ગભરાઈને કાર વધુ ઝડપે ભગાવી હતી. દરમિયાન થોડે આગળ તેણે બીજા એક બાઈક ચાલક યુવકને અડફેટે લઈ કાર અકોટા શ્રેણીક પાર્ક ચાર રસ્તા તરફ દોડાવી હતી. એક પછી એક બે જણાંને ટક્કર માર્યા બાદ કાર ડિવાઈડર ક્રોસ કરીને રોંગ સાઈડ દોડવા લાગતાં એક આઈ-૨૦ કારને અડફેટે લીધી હતી. ત્યારબાદ અકસ્માત કરનાર કાર દિવાલ સાથે અથડાઈ હતી. અકસ્માતને પગલે આઈ-૨૦ કારમાં સવાર હાર્દિક રાવલ (રહે, ભદ્રલોક એપાર્ટમેન્ટ, જુના પાદરા રોડ) ગભરાઈ ગયા હતા. આ હીટ એન્ડ રનના કેસને પગલે જાહેર માર્ગ પર ભારે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. આ બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. આ સમયે કારની પાછળની સીટ પર બેઠેલી બે વ્યક્તિઓ ગભરાઈને ભાગી ગઈ હતી. જ્યારે કાર ચાલક શૈલેષ દેવાભાઈ ભરવાડ (રહે, રેવાડિયા મહાદેવ મંદિર પાસે, ન્યુ વીઆઈપી રોડ)ને લોકોએ ઝડપી પાડયો હતો. લોકોએ શૈલેષને મેથીપાક ચખાડયો હતો. આ અંગેની જાણ થતાં ગોત્રી પોલીસ દોડી આવી હતી. પોલીસે હીટ એન્ડ રનના કેસમાં શૈલેષની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે, આજે બપોરે ગરમી હોવાની સાથે રવિવારની રજા હોવાથી વાહનોની અવરજવર ઓછી હતી. જો, ચાલુ દિવસ હોત તો કાર ચાલક અકસ્માતની વણજાર સર્જત તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું..