Sandesh on Facebook Sandesh on Twitter Sandesh RSS Feeds Subscribe Daily Headlines Download Sandesh Toolbar Sandesh On Mobile
May 25,2013 05:48:21 PM IST
 

કારમાં આગ લાગતા વેટરનરી ડોક્ટર સહિત બે જીવતા ભડથું

May 07, 2012 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 670
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૬

શહેર નજીક સુંદરપુરા પાસે ગઇકાલે રાત્રે ઝાડ સાથે ભટકાઇ પલટી ખાયેલી કારમાં આગ ભભૂકી ઉઠતાં આણંદના વેટરનરી ડોકટર અને કાયાવરોહણના માજી સરપંચ બળીને જીવતા ભડથું થઇ ગયા હતા. આ બનાવના પગલે ઘટના સ્થળે અરેરાટીભર્યા દ્રશ્યો સર્જાયા હતા. બનાવમાં કાર ચલાવી રહેલા કાર માલિક બચી જવામાં સફળ રહ્યા હતા. ત્રણેય મિત્રો વડોદરા તરફ કોઇ જમીન જોવા માટે આવ્યા હતા. ત્યાંથી તેઓ કાયાવરોહણ પરત ફરી રહ્યા હતા , ત્યારે આ ઘટના બની હોવાની વિગતો પોલીસ તપાસમાં પ્રકાશમાં આવી છે.

  • સુંદરપુરા પાટિયા પાસે મોડી રાતે અકસ્માત
  • અકસ્માતમાં કાયાવરોહણના માજી સરપંચનું પણ મોત

ડભોઇના કાયાવરોહણ ગામના અજીતપુરા ફળિયામાં રહેતા અરૂણભાઇ હસમુખભાઇ પટેલ ગામના માજી સરપંચ હતા. જયારે આજ વિસ્તારમાં રહેતો ધવલ નરેન્દ્રભાઇ પટેલ ખેતી કરે છે. જયારે કપડવંજ તાલુકાના તોરણા ગામમાં રહેતા ડો.દેવેન્દ્રભાઇ પરષોત્તમભાઇ પટેલ આણંદમાં પશુચિકિત્સક( વેટરનરી ડોકટર) તરીકેની ફરજ બજાવે છે. ત્રણેય મિત્રો ગઇકાલે મોડી સાંજે વડોદરા તરફ આવેલી એક જમીન જોવા માટે નીકળ્યા હતા. આ જમીન જોઇને તેઓ કાયાવરોહણ પરત ફરી રહ્યા હતા. દરમિયાનમાં તેઓ સુંદરપુરા ગામના પાટિયા પાસેથી પસાર થતા હતા. ત્યારે કાર ચાલક ધવલ પટેલે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર એક ઝાડ સાથે ભટકાઇ હતી એ પછી ફરી બીજા સમડાના ઝાડ સાથે ભટકાઇને કાર પલટી ખાઇ હતી.

કાર પલટી ખાઇ જતાં તેમાં સ્પાર્કના લીધે અચાનક તેમાં આગ ભભૂકી ઉઠી હતી. કાર ચલાવી રહેલા કાર માલિક ધવલ પટેલ કારનો કાચ તોડી તેમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જયારે તેઓની બાજુમાં બેઠેલા માજી સરપંચ અરૂણભાઇને બહાર કાઢવા પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓનું વજન વધારે હોવાથી તેઓ સીટ પરથી ડ્રાઇવર સીટ તરફ ખેંચવામાં ખૂબ મુશ્કેલી પડી હતી. આ સમય દરમિયાન જ કારમાં ભભૂકેલી આગે સમગ્ર કારને લપેટમાં લઇ લીધી હતી. જેમાં અરૂણભાઇ અને કારમાં પાછળ બેઠેલા પશુચિકિત્સક ડો.દેવેન્દ્રભાઇ કારમાં જ ભડભડ બળીને ભડથું થઇ ગયા હતા. આ બનાવની જાણ થતાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સવાન અને અગ્નિશાંતિ કેન્દ્રના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અગ્નિશાંતિ કેન્દ્રના જવાઓએ કારની આગ બુઝાવી હતી.

કારમાં ભડથું થઇ ગયેલા પશુચિકિત્સક ડો. દેવેન્દ્રભાઇ પટેલ અને અરૂણભાઇના મૃતદેહો બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે પોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભોગ બનનાર માજી સરપંચના ભાઇ દિલિપભાઇ પટેલે ફરિયાદ નોંધાવતા વરણામા પોલીસે કારના ચાલક અને માલિક ધવલ પટેલ વિરૂદ્ધ બેફિકરાઇથી કાર ચલાવી અકસ્માત સર્જી બે જણાંના મોત નિપજાવવા બદલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com