વડોદરા,તા.૬
વડોદરામા ગત સપ્તાહ દરમિયાન ૧૧ લોકોએ આપઘાત કરીને મોતને વ્હાલું કર્યુ. માનસિક તણાવમાં આવીને વ્યક્તિ એવી મનોદશામાં ચાલી જાય છે કે તેને મોત સિવાય બીજો કોઇ રસ્તો મળતો નથી અને તે મૃત્યુને ભેટે છે. સંશોધનથી એવું સાબિત થયું છે કે જ્યારે ૧ હજાર વ્યક્તિ આપઘાતનો વિચાર કરે છે ત્યારે તેમાથી ૧૦૦ વ્યક્તિઓ આપઘાતનો પ્રયત્ન કરે છે અને તે ૧૦૦ વ્યક્તિમાંથી ૧ વ્યક્તિ આપઘાતને અંજામ આપતી હોય છે. આ સંશોધનને આધાર માનવામાં આવે તો વિતેલા સપ્તાહ દરમિયાન વડોદરામાં ૧૧,૦૦૦ લોકોએ આપઘાતનો વિચાર કર્યો હશે. આપઘાતના વધતા જતા કિસ્સાઓ સમાજ માટે નિર્દેશ છે કે આધુનિક જીનવશૈલી અને ભૌતિક સદ્ધરતાથી સમાજ ઉત્કૃષ્ઠ નથી થવાનો પણ નૈતિક મૂલ્યોની ખૂબજ જરૂરિયાત ઉભી થઇ છે. મનના ઉદ્વેગને શાંત કરવા માટે ભગવાન બુદ્ધે ઉત્તમ રસ્તો બતાવ્યો છે. વિપશ્યના ધ્યાન યોગક્રિયા દ્વારા વ્યક્તિ સંપૂર્ણ તણાવ મુક્ત થઇને ઉત્તમ જીવન જીવી શકે છે. આજે બુદ્ધ જયંતી નિમિત્તે સમાજને તણાવ મુક્ત કરવા માટે શહેરના નિઝામપુરા વિસ્તારમા બુદ્ધે નિર્દેશિત કરેલી ધ્યાન યોગક્રિયાની શિબિર યોજવામાં આવી હતી..
- આપઘાતના વધતા કિસ્સાઓ સમાજ તણાવગ્રસ્ત હોવાનો ઇશારો છે
- આજના જમાનામાં તણાવ મુક્તિનો ઇલાજ માત્રને માત્ર ધ્યાન છે
- શહેરમા બુદ્ધ જયંતીની અનોખી ઉજવણી
- ભગવાન બુદ્ધે નિર્દેશિત કરેલી યોગક્રિયા કરાઇ
શિબિરના આયોજક અને શહેરના જાણીતા સાઇકિયાટ્રિસ્ટ ડો.યોગેશ પટેલે આપઘાત અંગેની ઉપરોક્ત માહિતી આપીને વધુમા જણાવ્યું હતું કે આપણો સમાજ ભલે આર્થિક રીતે સદ્ધર થયો છે પણ આર્થિક અને ભૌૈતિક લક્ષ્યના કારણે સમાજ માનસિક પીડામાં પટકાયો છે. અપેક્ષાઓ પૂર્ણ ન થતા વ્યક્તિ નાસીપાસ થાય છે, અંતરમુખી બની જાય છે અને અંતે આપઘાત તરફ વળે છે.આજનો સમાજ મંથરાઓ અને શકુનીથી ભરેલો છે એટલે રાગ, દ્વેશ, ઇર્ષાથી ખદબદે છે.પણ અગાઉ નૈતિક મૂલ્યોનું મહત્વ હતું.
ઘરમા એક એવો વડીલ હોય જેના હાથમાં કમાન હોય અને તે જ ઘરના સભ્યોની મુશ્કેલીઓને સમજી, પચાવીને વાતને ત્યાં જ દબાવી દેતો હતો એટલે સમસ્યાનું નિરાકરણ થઇ જતાં આપઘાતના કિસ્સાઓ ઓછા બનતા હતા.
ભારતની જીવનશૈલીનો અભ્યાસ કરીને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એક સર્વેક્ષણ બાદ આગાહી કરી છે કે ૨૦ વર્ષમાં ભારતમાં ૧૦ કરોડ લોકો 'ડિમેન્સિસા' નામની (તણાવની પરાકાષ્ઠા બાદ જ્યારે મગજ કામ કરતુ બંધ થઇ જાય તેને 'ડિમેન્સિસા' કહેવાય છે)બીમારીના ભોગ બનશે. એટલે આપઘાતના કિસ્સાઓ ચેતવણી છે કે આપણે આપણી જીવનશૈલી બદલવી પડશે. અને સમાજે જો તણાવ મુક્ત જીવનશૈલી અપનાવી હશે તો ધ્યાન-યોગનો સહારો લેવો જ પડશે. ભગવાન બુદ્ધ અને મહાવીરે જે શૈલી બતાવી છે તે સમાજને રાગ દ્વેષથી મુક્ત કરૂણા, સમતા અને અહિંસા તરફ લઇ જાય છે. સમાજમા આ સંદેશ પ્રસરે અને લોકો ધ્યાન દ્વારા તણાવ મુક્ત થાય તે માટે આજે અમે ક્લિનિક પર જ ઓશો રજનિશ દ્વારા બતાવેલી ભગવાન બુદ્ધની ધ્યાનક્રિયાની શિબિરનું આયોજન કર્યુ હતું. ક્લિનિક પર શિબિર એટલા માટે યોજવામાં આવી હતી કે લોકો એ સમજે કે હવે 'મેડિકેશન' નહી 'મેડિટેશન'ની જરૂર વધુ છે.