વડોદરા, તા.૬
શહેરમાં સિટી બસ સેવાનું સંચાલન કરનાર વિટકોસ દ્વારા બે-ત્રણ દિવસમાં વિધિવત રીતે ડબલ ડેકર બસ સેવા શરૂ કરાશે. રૂ.૩૮ લાખની કિંમતની અને ૭૮ મુસાફરોને લઇ જવાની ક્ષમતા ધરાવતી આ સિટી બસ આજે શહેરમાં આવી ગઇ હતી. કમાટીબાગ પાસે આ બસને પાર્ક કરવામાં આવતા બાળકો અને મોટેરાઓમાં તે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
- સોમા તળાવ, તરસાલીના રૂટમાંથી કોઇ પણ એક રૂટની પસંદગી કરાશે
વિટકોસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, આ સિટી બસ માટે સ્ટેશનથી ન્યુ.વી.આઇ.પી રોડ, ખોડિયારનગર, સોમા તળાવ અથવા તો સ્ટેશનથી જેલરોડ , તરસાલીના રૂટને પસંદ કરાશે. ઉલ્લેખનીય છે કે, આ બંને રૂટ પર હાલમાં દોડતી સિટી બસોમાં પણ પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે. ડિઝલથી ચાલતી ડબલ ડેકર બસને આવતી કાલે ન્યુ.વી.આઇ.પી રૂટ પર પ્રાયોગિક રીતે દોડાવાશે ત્યાર બાદ મંગળવારે તરસાલીના રૂટ ઉપર દોડાવવામાં આવશે. આ બંને રૂટમાંથી જે રૂટ મુસાફરો માટે અને વિટકોસ માટે સુગમ રહેશે તે રૂટ પર બુધવાર કે ગૃરૂવારથી જ વિધિવત રીતે દોડાવવામાં આવશે.
વડોદરા શહેરમાં ભૂતકાળમાં ડબલ ડેકર બસો એસ.ટી નિગમ દ્વારા દોડાવવામાં આવતી હતી. આ ડબલ ડેકર બસો સ્ટેશનથી ન્યાય મંદિર રૂટ પર ખાસ કરીને દોડાવવામાં આવતી હતી. ૨૦૦૦ના દાયકામાં આ બસો બંધ કરી દેવામાં આવી હતી.
રૂ.૨૫ની ટિકીટનો રોજ લાભ લેતા ૬૦૦ મુસાફરો
વડોદરાઃ વિટકોસ દ્વારા શહેરમાં તાજેતરમાં જ દૈનિક રૂ.૨૫માં મનફાવે ત્યાં પ્રવાસની ટિકીટની સ્કીમનો રોજ ૬૦૦ ઉપરાંત મુસાફરો લાભ લઇ રહ્યા છે.તાજેતરમાં જ વિટકોસ દ્વારા ટિકીટના ભાવમાં કરાયેલા વધારા બાદ શહેરમાં ત્રણ કરતાં વધુ વખત બસમાં મુસાફરી કરનારાઓએ આ સેવાનો લાભ લેવાનું શરૂ કર્યુ છે. આગામી સમયમાં આ સ્કીમને વધુને વધુ સફળતા મળશે તેમ વિટકોસના સંચાલકો માને છે.