રાજકોટ તા.૬
કેન્દ્રીય ગુપ્તચર બ્યુરો(આઈ.બી) દ્વારા ત્રાસવાદી જુથ લશ્કરે તોયબાના છ જેટલા ત્રાસવાદીઓ હુમલાના સ્પેશિયલ મિશન સાથે ગુજરાતમાં ઘુસ્યા હોવાના ફોટોગ્રાફ સહિતની ચેતવણી રાજય પોલીસને આપવામા આવતા ત્રાસવાદીઓ તેમના ખતરનાક મનસુબામાં સફળ ન થાય તે માટે હાલ પોલીસ ઉંધે માથે થઈ ગઈ છે અને સંવેદનશીલ સ્થળો પર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને મહત્વના સ્થળો પર વધારાનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે પેટ્રોલિયમ પ્રોડકટની જબ્બર આયાત ધરાવતા કંડલા-મુંદરા પોર્ટ પર કસ્ટમ્સ દ્વારા સુરક્ષાના ચાંપતા પગલા લેવામાં આવી રહ્યા છે.
- સંવેદનશીલ દેશોમાંથી આવતા જહાજો અને શીપમાંથી સાઈન ઓન/ઓફ થતા ક્રૂની સઘન તપાસ
કંડલા અને મુંદરા પોર્ટ પર દેશની મોટાભાગની પેટ્રોલિયમ પ્રોડકટ આયાત કરવામા આવે છે અને લાખો ટનની ક્ષમતા ધરાવતી મોટી-મોટી સ્ટોરેજ ટેન્ક પણ કંડલા-મુંદરા પોર્ટ પર આવેલી હોવાથી સલામતીના પગલા લેવા આવશ્યક માનવામા આવી રહયા છે.જોકે પોર્ટ પર કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ(સીઆઈએસએફ) તો તૈનાત કરવામા આવેલ છે પણ સાથોસાથ કસ્ટમ્સ સ્ટાફ પણ એલર્ટ થઈ ગયેલ છે.તેમા ખાસ કરીને સંવેદનશીલ દેશમાંથી આવતા જહાજોમાંથી સાઈન ઓન/ઓફ થતા શીપના ક્રુની સઘન તપાસ કરવામા આવી રહી છે.કસ્ટમ્સ દ્વારા જહાજ પોર્ટ પર આવે એટલે જે રૂમેજીંગની કાર્યવાહી કરવામા આવી રહી છે તેમા ખાસ તકેદારી રાખવામા આવી રહી છે.ત્રાસવાદીઓ ટ્રક ડ્રાઈવરના સ્વાંગમા કોઈ જવલનશીલ લીકવીડના ટેન્કરના ડ્રાઈવરને હાઈજેક કરીને ટેન્કરનો કબ્જો લઈ આ જવલનશીલ પદાર્થ ભરેલું વાહન કોઈ અન્ય જવલનશીલ કારગો ભરેલી ટેન્ક સાથે ટેન્કર અથડાવી આત્મઘાતી હુમલો કરે તેવી દહેશત ખાસ વ્યકત કરવામા આવી રહી છે આથી કંડલા અને મુંદરા પોર્ટ પર પેટ્રોલિયમ પ્રોડકટ લેવા માટે આવતા ટેન્કરોની અને તેના ડ્રાઈવરોના લાયસન્સોની તપાસ કરવામા આવી રહી છે.
આ ઉપરાંત કચ્છની પાકિસ્તાન સાથેની સરહદની નજીક આવેલા ગામડાઓમાં શંકાસ્પદ શખ્સોની હીલચાલ પર પણ કસ્ટમ્સ દ્વારા નજર રાખવામા આવી રહી છે.આમપણ છેલ્લા કેટલાક સમયથી કચ્છ(કંડલા) કસ્ટમ્સ કમિશનોરેટ દ્વારા રકતચંદન તથા કેટામાઈન નિકાસના પ્રકરણ પ્રકાશમાં આવ્યા બાદ એલર્ટનેશ વધારી દેવામાં આવી છે.કેનેડામાંથી જે મીઠાના કન્ટેઈનરમાંથી કેટામાઈન ડ્રગ્સ ઝડપાયું છે તે ગાંધીધામ આસપાસની ફેકટરીમાં સ્ટફ થયાનું ચર્ચાઈ રહયું છે અને ફેકટરી સ્ટફ હોવાથી આગામી દિવસોમાં એન.સી.બી.તપાસ ગતિશીલતા લાવશે તેમ જાણવા મળી રહયું છે