રાજકોટ, તા.૬
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની પ્રતિષ્ઠિત ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામમાં યુવા પેનલનો ઝળહળતો વિજય થયો છે. પૂર્વ પ્રમુખ સહિતની પેનલને વેપારી મતદારોએ જાકારો આપીને પરિવર્તન આણ્યું છે. વેપારીઓએ જાગૃત બનીને ક્રોસ વોટીંગ તો કર્યું પરંતુ જ્ઞાતિવાદનું કાર્ડ ચલાવતા અપેક્ષિત રીતે ચોક્કસ ઉમેદવારોનો વિજય થયો હતો.
- યુવા પેનલના ૨૦ ઉમેદવારો વિજયી : પૂર્વ પ્રમુખની પેનલના માત્ર ૪ ઉમેદવારો વિજેતા
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની કારોબારી સમિતિના ૨૪ સભ્યોની ચૂંટણી માટે ગઈકાલે જનકલ્યાણ હોલ ખાતે મતદાન યોજાયું હતું. ૨૪ બેઠક માટે ૪૭ ઉમેદવારોએ નસીબ અજમાવ્યું હતું. સાંજ સુધીમાં ૧૬૩૮ મતદારો પૈકી ૧૨૬૨ મતદારોએ મતદાન કરતા ૭૭.૦૫ ટકા મતદાન નોંધાયું હતું.
આજે સવારે ચેમ્બરના હોલમાં ચૂંટણી કમિશનર હરકિશોરભાઈ બરછા, જગદીશભાઈ ભીમાણી અને જયંતભાઈ દેસાઈના માર્ગદર્શન નીચે મતગણતરી ચાલુ કરવામાં આવી હતી. જે મોડી સાંજ સુધી ચાલી હતી. ચેમ્બરના બંધારણની જોગવાઈ મુજબ ચકાસણી કરતા ૫૪ મત રદ થયા હતા.
સોમાના પ્રમુખ સમીર શાહની યુવા પેનલના ૨૦ ઉમેદવારો વિજેતા બનતા મતદારોએ પરિવર્તન લાવવાનું નક્કી કર્યું હોય અને રાજકારણ દૂર કરવાનો નિર્ણય કર્યો હોય તેમ સ્પષ્ટ થયું હતું. કાર્યદક્ષ પેનલના માત્ર ૪ ઉમેદવારો ઉપેન મોદી, સુનિલ વોરા, અરૂણ મશરૂ અને જીતેન્દ્ર અદાણી વિજેતા બની શકયા હતા.
મતદારોએ ક્રોસ વોટીંગ કરતા પણ પેનલ વોટીંગ કરવાનું પસંદ કર્યું હોવાનું પરિણામ પરથી જણાઈ આવે છે. ચેમ્બરના પૂર્વ પ્રમુખ સહિતના હોદ્દેદારોને તેમની નિષ્ક્રિયતા નડી ગઈ હતી. આજના વિજેતા ઉમેદવારોમાં વણિક જ્ઞાતિના ૭, લોહાણા જ્ઞાતિના ૫ અને પટેલો ૧૨ હતા. મતલબ સાફ છે કે મતદારોએ જ્ઞાતિવાદનું કાર્ડ ચલાવ્યું હતું. એન્જિનિયરીંગ એસોસીએશન અને યાર્ડના મતદારોએ બાજી પલ્ટી નાખી હોવાનું ચેમ્બરના રાજકારણને જાણતા નિષ્ણાંતોનું માનવું છે.
યુવા પેનલે અગાઉ નક્કી કર્યું હતું તેમ પ્રમુખપદે સમીર શાહ જ નિમાશે. જ્યારે કાર્યદક્ષ પેનલના સૂત્રો કહે છે કે પરિણામ અમારા માટે આંચકારૂપ છે. અમારી ગણતરી પચાસ ટકાની હતી. તેની સામે સમીર શાહે જણાવ્યું કે અમને જીતનો વિશ્વાસ હતો. કેમકે અમે પ્રચાર માટે ફરતા હતા ત્યારે શાસક બોડી સામે વેપારીઓનો રોષ નજરે પડયો હતો. તેમણે ચેમ્બરને જાગૃત કરવા, વેપારીઓને પ્રશ્ને અવાજ ઉઠાવવા અને બંધારણમાં ફેરફાર કરવાનો કોલ આપ્યો હતો.