સકસેસ સ્ટોરી - શૈલજા અમીન
રેખા અને સચીન સાથે રાજ્યસભાનું સભ્યપદ પામેલાં અનુ આગા એક એવું નામ છે જેમણે પોતાની બુદ્ધિ પ્રતિભાથી કારકિર્દીને ઉચ્ચતમ શિખરે પહોંચાડી અને સામાન્ય વ્યક્તિથી પ્રસિદ્ધિ સુધીની સફર તય કરી છે
કહેવાય છે કે જે સફળતા બહુ લાંબા સંઘર્ષ પછી મળે તે કાયમ ટકે છે. અનુ આગાની બાબતમાં આ વિધાન કદાચ સંપૂર્ણ ચરિતાર્થ થાય છે. અનુ આગા માને છે કે “જીવનનો રસ્તો સરળ અને સ્મૂધ તો નથી જ હોતો, જીવન હંમેશાં સુંવાળા પથ પર નથી ચાલતું . જીવનમાં દર્દ તો અનિવાર્ય છે પણ તેને સહન કરવું કે માત આપવી તે આપણા પર નિર્ભર કરે છે.” અનુ આગાને પણ જીવનના રસ્તા પર અનેક સંકટ અને તકલીફોનો સામનો કરવો પડયો હતો, પરંતુ તે ક્યારેય વિકટ પરિસ્થિતિમાં ઝૂક્યાં નથી પણ વિકટ પરિસ્થિતિને તેમણે માત આપી છે. તેથી આજે તેમનું નામ સફળ હસ્તીમાં ઉલ્લેખાય છે.
અનુ આગાનો જન્મ ૩ ઓગસ્ટ, ૧૯૪૨માં મુંબઇમાં એક સામાન્ય પારસી કુટુંબમાં થયો હતો. તેમના પિતાએ ૧૯૬૬માં થેરમેક્સ નામની એક કંપની સ્થાપી હતી. તેમની પોતાની જ કંપનીમાં તેમણે ચેરપર્સન તરીકે કામ કર્યું, પરંતુ ૧૯૮૦માં તેમના પિતાનું મૃત્યુ થયું અને ત્યાર બાદ અનુ આગાના જીવનનો સંઘર્ષ શરૂ થયો. પિતાના મૃત્યુ પછી તેમની કંપનીને તેમના પતિ રોહીન્ટને સંભાળી, પણ અનુ આગાને હજુ એક મુશ્કેલીનો સામનો કરવાનો બાકી હતો. આ કંપની સંભાળ્યાના થોડા સમય બાદ તેમના પતિનું પણ અચાનક મૃત્યુ થયું. પતિના મૃત્યુ પછી આ કંપની બહુ મોટા ફાઇનાન્સિયલ ક્રાઇસીસમાં આવી ગઇ. તેમની કંપનીના શેરની કિંમત પણ બજારમાં ગગડવા લાગી. શેરની કિંમત રૂપિયા ૪૦૦થી રૂ. ૩૬ સુધી પહોંચી ગઇ. આ સમયે શેરમાર્કેટ પણ ડાઉન હતું, પરંતુ અનુ આગાએ હિંમત હાર્યા વગર પરિસ્થિતિ સામે ઘૂંટણ ટેકવવાને બદલે એકલા હાથે તેનો સામનો કરવાનું શરૂ કર્યું અને તેમની સૂઝબૂઝ અને કાર્યક્ષમતાને લીધે થોડા સમયમાં જ તેમની કંપનીની ફાઇનાન્સિયલ કંડિશનમાં પણ સુધારો થવા લાગ્યો.
જોકે અનુ આગાની મુશ્કેલી હજુ સંપૂર્ણ ખત્મ થઇ ન હતી. તેમના જીવનમાં એક અણધારી આફત આવવાની હજુ બાકી હતી અને તે હતું તેના ૨૫ વર્ષના પુત્રનું રોડ અકસ્માતમાં મોત. પિતા, પતિ અને પછી પુત્રની અણધારી વિદાય અને કંપનીની જવાબદારીઓ વચ્ચે પણ તેમણે ક્યારેય હિંમત ન હારી. જીવનના આવા ઉતાર ચડાવમાં તેમણે હંમેશાં આધ્યાત્મિક ચિંતનનો સહારો લીધો. તેઓ જણાવે છે કે, “મને જીવનનાં અણધાર્યાં દુઃખો અને મુશ્કેલી સહન કરવાનું સાહસ અને બળ યોગ, ધ્યાનમાંથી મળે છે, તેઓ જીવન અને મૃત્યુને પણ સૂરજનું ઊગવું અને આથમવાની એક કુદરતી પ્રક્રિયા જ માને છે.”
તેમની પુત્રી મહેર પદમજીએ કંપનીનું સંચાલન હાથમાં લેતા ૨૦૦૪માં અનુ આગાએ આ કામમાંથી નિવૃત્તિ લઇ લીધી. હાલ તે નેશનલ એડવાઇઝર કાઉન્સિલનાં સભ્ય છે. જેમનાં અધ્યક્ષ સોનિયા ગાંધી છે. અહી તેઓ સેન્ટ્રલ ગવર્નમેન્ટની પબ્લિક પોલિસી અને તેના ઇસ્યુઝ પર કામ કરે છે.
અનુ આગાએ પોતાની અદમ્ય ઇચ્છાશક્તિથી પોતાના જીવનને સર્વોત્તમ શિખરે પહોંચાડયું સાથે સેવાકીય પ્રવૃત્તિ કરીને ગરીબ બાળકોનાં જીવનમાં પણ શિક્ષણના જ્ઞાનરૂપી અજવાળાં પાથર્યાં છે. ગરીબ બાળકોના શિક્ષણ અને આહાર માટે કામ કરતી એનજીઓ સંસ્થા 'આકાંક્ષા' સાથે જોડાઇ તેમણે મુંબઇ અને પૂનાના સ્લમ વિસ્તારનાં બાળકોની શિક્ષણ, સ્વાસ્થ્ય જેવી પાયાની પ્રાથમિક જરૂરિયાત માટે કામ કર્યું. ગરીબ બાળકોને વિનામૂલ્યે સારું શિક્ષણ મળે તે માટે તેમની બે શાળા પણ ચાલે છે. ૨૦૧૦માં અનુ આગાને તેમની સામાજિક ક્ષેત્રની ઉત્કૃષ્ટ સેવા માટે પદ્મશ્રી એવોર્ડથી પણ નવાજવામાં આવ્યાં છે. આ સિવાય દેશમાં કોમી એકતા જળવાય તે હેતુથી પણ નોંધનીય કામ કર્યું છે. તેમની અદ્વિતીય સિદ્ધિને લીધે ફોર્બ્સ મેગેઝિને પણ દુનિયાની ચાલીસ રિચ વુમન્સની યાદીમાં તેમનું નામ પણ પ્રસિદ્ધ કર્યું હતું. ઉચ્ચ આધ્યાત્મિક અને ફિલોસોફિકલ માનસ ધરાવનાર અનુ આગાના વ્યક્તિત્વની એક વિશેષતા એ પણ છે કે તેમના દરેક વહીવટી કામમાં ચોકસાઈ અને પારર્દિશતા જોવા મળે છે. તેમની આ ખાસિયતને લીધે આજે તેમને રાજ્યસભાના સભ્યપદ દ્વારા દેશની સેવા કરવાનો પણ અવસર પ્રાપ્ત થયો છે.