આણંદ, તા.૭
આણંદ તાલુકાનાં ચિખોદરા ચોકડી પાસે આવેલ ધવલ ગેસ ગોડાઉનમાં આજથી બે વર્ષ પૂર્વે ૮૮ ગેસ સીલીન્ડરની થયેલી ચોરીના બનાવમાં આણંદની એલસીબી પોલીસે ગતરોજ મોડી સાંજે ૬ આરોપીઓને ઝડપી પાડયા હતા પોલીસે તેમની પાસેથી ચોરીનાં ૧૬ જેટલા ગેસ સીલીન્ડરો કબ્જે કરી વધુ પુછપરછ કરવા માટે આણંદ રૂરલ પોલીસને હવાલે કર્યા હતા.
- એલસીબી પોલીસે ૧૬ જેટલા ગેસ સીલીન્ડરો જપ્ત કર્યા
પોલીસ પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર આણંદ જિલ્લામાં બનેલ મિલ્કત વિરૂદ્ધના ગુનાઓમાં સંડોવાયેલા શકદારોની પ્રવુતિઓ અને તેઓને અવારનવાર ચેક કરવા અને ગુનાઓ ન બને તેની તકેદારી રાખવા સારૂ જિલ્લા પોલીસ વડા આર.વી.અસારીએ લોકલ ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે બી ગોહીલને સુચના આપી હતી.જેથી એલસીબી પોલીસના જવાનોએ અગાઉ આ ગુનામાં પકડાયેલ આરોપીઓની તપાસ હાથ ધરી હતી દરમ્યાન એલસીબી સ્ટાફના ગેસ ગોડાઉનમાં પો.કો.સચિનકુમાર તથા હિતેશકુમારને માહિતી મળી હતી કે આણંદ રાજોડપુરાનો વતની અને હાલમાં વડોદરા રહેતો દિપક ફતેસિંહ ગોહેલ જે અગાઉ વાહનચોરી તથા ચેઈન સ્નેચીંગ તથા લુંટના ગુનાઓમાં સંડોવાયેલ હોઈ દીપક ફતેસિંહ ગોહેલ તથા તેના મિત્રો સાથે મળીને બે વર્ષ પૂર્વે ચીખોદરા ચોકડી પાસે આવેલ ધવલ ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસ સીલીન્ડરની ચોરી કરી હતી અને દીપક ફતેસિંહ ગોહેલ તેના મિત્ર વિરભદ્ર ઉર્ફે લાલો ચંદુભાઇ ઝાલા રહે.વઘાસી નવાપુરાને મળવા માટે વઘાસી ગામે આવવાનો છે.જે બાતમીના આધારે એલસીબીના હે.કો.કમુભાઇ પો.કો.સચિનકુમાર, સંજયકુમાર સહિતના સ્ટાફના જવાનો ટીમ વઘાસી ગામે વોચમાં ગોઠવાઈ ગયા હતા ત્યારે ગઈકાલે સાંજે સાડા છ વાગ્યાના સુમારે દીપક અને વીરભદ્ર ભેગા થતાં જ વોચમાં રહેલી પોલીસે તેઓને ઝડપી પાડી તેઓની પુછપરછ કરતાં તેઓ તથા તેમના સાગરીતો જયેશકુમાર ભરતભાઇ ખેર,નરેન્દ્ર ઉર્ફે જડીયો મનુભાઇ પરમાર,પ્રકાશ ઉર્ફે લાલો રમણભાઇ સોલંકી,મિનેશ ઉર્ફે મોન્ટુ શનાભાઇ રાવળ અને મહેશભાઈ મનુભાઇ ખાંટ તમામ રહે.વઘાસીનાઓએ આણંદ તાલુકાનાં ચિખોદરા ચોકડી પાસે આવેલા ધવલ ગેસ એજન્સીનાં ગોડાઉનમાં આજથી બે વર્ષ પૂર્વે તા.૨૩ ઓગસ્ટ ૨૦૧૦ની રાત્રે ગોડાઉનમાંથી ૮૮ ગેસ સીલીન્ડરો કિંમત રૂ.૧.૬૧ લાખની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.
જેથી પોલીસે આ ગુનામાં છ આરોપીઓની ધરપકડ કરી વધુ પુછપરછ કરતાં તેમની પાસેથી ચોરીમાં ગયેલા ૧૬ ગેસ સીલીન્ડર કિંમત રૂ.૧૬ હજારનો મુદામાલ મળી આવતા પોલીસે કબ્જે કર્યો હતો.જ્યારે વધુ એક આરોપી મહેશભાઇ મનુભાઇ ખાંટ નાસતો ફરતો હોય તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે પકડાયેલા આરોપીઓ અન્ય ચોરીના ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે માટે તેઓની વધુ પુછપરછ માટે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.