મીઠાપુર તા.૭ :
જામનગર જિલ્લાના ઓખામંડળના ભીમગજા તળાવ ઉપર મુકવામાં આવેલી ઈલે.મોટરમાં યાંત્રિક ખામીના કારણે ઓખા અને દ્વારકા નગરપાલિકાના વિસ્તારમાં પાંચ દિવસથી પાણી વિતરણ ન થવાના કારણે લોકોની મુસીબત વધી ગઈ છે. ઉનાળાના દિવસોમાં લોકોને પાણી ન મળવાના કારણે લોકોમાં રોષ ફેલાયો છે.
- પાંચ દિવસથી પાણી વિતરણ ઠપ, મુસીબત વેઠતા પ્રજાજનો
ઓખામંડળના ઓખા નગરપાલિકામાં ઓખા, આરંભડા, સુરજકરાડી અને દ્વારકા નગરપાલિકાના વિસ્તારોમાં લોકોને ભીમગજા તળાવમાંથી પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે છે. હાલ ઉનાળામાં પીવાનું પાણીએ દરેક જીવ માટે અતિ જરૂરી છે. જો સમયસર અને નિયમિત પાણી ન મળે તો લોકોનો મુસીબતોનો પાર રહેતો નથી. આવા સમયે જવાબદાર તંત્રના અધિકારી-કર્મચારીઓ જો ઉદાસીન રહે તો હજારો લોકોએ પીવાના પાણી માટે વલખા મારવાની નોબત આવી શકે.આવું જ કઈંક ઓખા અને દ્વારકા નગરપાલિકાના વિસ્તારોમાં થયું છે. ઓખાના સુરજકરાડી, આરંભડા સહિતના ગામોમાં તથા દ્વારકા નગરપાલિકાના વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી પીવાના પાણીનું વિતરણ કરવામાં આવ્યું નથી. આ અંગે જવાબદાર અધિકારીઓને પુછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે ભીમગજા તળાવ ઉપર ઈલે. મોટરમાં યાંત્રિક ખામી સર્જાતા પાણી સપ્લાય બંધ છે.ખરેખર દ્વારકાનુ પાણી પહોંચાડવા જે ઈલે. મોટર છે તે બંધ થઈ જતા દ્વારકાની પાણી સપ્લાય બંધ થઈ છે. બુધ્ધિશાળી તંત્રએ ઓખા નગરપાલિકાને પાણી પુરુ પાડતી મોટર પણ સાવચેતીના ભાગરૂપે બંધ રાખીને ઓખાનગરપાલિકા વિસ્તારના લોકોને પાંચ દિવસથી પાણી વિતરણ કર્યુ નથી. દ્વારકા નગરપાલિકાની મોટર રીપેર થયા પછી ઓખા નગરપાલિકાની મોટર ચાલુ કરવામાં આવી. ત્યાં જ પાઈપલાઈનમાં ભંગાણ થયુ. પાઈપલાઈનમાં રીપેર થયા પછી પાણીનો સંગ્રહ શરૂ કરવામાં આવ્યો છે. ઈલે.મોટર બંધ થઈ જાય ત્યારે હજારો લોકોને પાણી મળતુ ન હોવાથી બીજી મોટર સ્પેરમાં રાખવા લોકોમાં માંગણી ઉઠી છે.