જામનગર તા.૭
દ્વારકામાં પુરાતત્વ વિભાગના નિયમોનો ખુદ સરકારી વિભાગો દ્વારા ઉલાળિયો કરવામાં આવતો હોવાની વિગતો સામે આવી છે. મંદિરના ગર્ભગૃહમાં ઉભી કરી દેવાયેલી મસમોટી સ્ટીલની કેબીન હટાવવાના બદલે દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની સુચનાથી ગોમતીઘાટ પાસે ૩૦ ફુટ જેટલુ વિશાળ સ્ટ્રકચર સામાન ઘરના નામે ઉભુ કરી દેવાયું છે. મંજુરી વિના ઉભા કરી દેવાયેલા આ બાંધકામને દુર કરવા પુરાતત્વ વિભાગે આજે આ અંગે નોટિસ ફટકારી છે.
- ગોમતીઘાટે સામાનઘર તરીકે ઉભા કરાયેલ સ્ટ્રકચર અંગે પુરાતત્વ વિભાગે પાઠવી નોટિસ : કલેકટર હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો સણસણતો આક્ષેપ
દ્વારકામાં જગતમંદિર આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં ખાનગી આસામીઓ દ્વારા કરાઈ રહેલા આડેધડ બાંધકામ દુર કરવાથી દુર ભાગતુ સરકારી તંત્ર ખુદ આવા દબાણો કરી રહ્યુ હોવાનું સામે આવ્યું છે. ગોમતી ઘાટ પાસે યુધ્ધના ધોરણે એક વિશાળ કદનું બાંધકામ કોઈ પણ જાતની મંજુરી વિના ઉભુ કરી દેવાયું છે. જેના માટે પુરાતત્વ વિભાગની જરૂરી મંજુરી મેળવવામાં આવી નથી. જે અંગેની ગંભીર નોંધ લઈને પુરાતત્વ વિભાગે આજે દેવસ્થાન સમિતિને નોટિસ ફટકારી છે.
દ્વારકા પુરાતત્વ વિભાગના સીએફ શાહે જણાવ્યું હતું ક, તેઓ બે દિવસ વડોદરાની ટુર ઉપર હતા. તે દરમિયાન પાછળથી તાબડતોબ આ પ્રતિબંધ જગ્યામાં સામાન ઘરના નામે બાંધકામ ઉભુ કરી દેવાયું છે. જે જાણમાં આવતા આજે આ અંગે ધોરણસરની નોટિસ પાઠવવામાં આવી છે. આ સ્ટ્રકચર દેવસ્થાન સમિતિએ ઉભુ કરાવ્યું છે જે સંપુર્ણપણે ગેરકાયદેસર છે. પુરાતત્વ વિભાગને સ્થાનિક કક્ષાએથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે કલેકટરના આદેશથી આ બાંધકામ ઉભુ કરાયું છે. દેવસ્થાન સમિતિ આ જગ્યા ખાનગી કોન્ટ્રાકટરને ભાડાપટ્ટેથી આપવાની છે. એટલે કે, કોઈ મળતીયાને સાચવવા માટે આ જગ્યા રાતોરાત ઉભી કરવામાં આવી છે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે, દેવસ્થાન સમિતિના અધ્યક્ષ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરે છે અને આડેધડ બાંધકામની મૌખિક સુચનાઓ આપે છે. પાછળથી અમારા દ્વારા જે કામગીરી કરવામાં આવે છે, તેનું કલેકટર કક્ષાએથી અમલ કરવામાં આવતો નથી.
આ અંગે જિલ્લા કલેકટરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેમનો સંપર્ક થઈ શકયો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા જગતમંદિર આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં થયેલા ગેરકાયદે બાંધકામો અંગે પુરાતત્વ વિભાગે પોલીસ ફરિયાદ કરી દીધા પછીની તમામ કામગીરી જિલ્લા વહીવટી સ્તરેથી કરવાની રહે છે. કેન્દ્ર સરકારના ગેજેટમાં પ્રસિધ્ધ થયા પ્રમાણે આવા ગેરકાયદે બાંધકામો કલેકટર કક્ષાએથી દુર કરાવવાની સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં દ્વારકાના કેસમાં ધરારથી તેની અમલવારી કરવામાં આવતી નથી. કોઈના દબાણવશ કામગીરી કરવાથી દુર ભાગતા રહેલા તંત્ર દ્વારા ખુદ ઉઠીને નિયમોનો સરાજાહેર ભંગ કરવામાં આવી રહ્યો છે જે ઘણુ કહી જાય છે.
ખુદ વાડ ઉઠીને ચીભડાં ગળે તે પ્રકારની આ સ્થિતિએ દ્વારકામાં ચકચાર જગાવી છે. કેન્દ્રીય પુરાતત્વ વિભાગને ઘોળીને પી જતા તંત્ર પાસેથી તેમના વિભાગ હસ્તકની કામગીરી પરત્વે આંખ આડા કાન કરવાની પ્રવૃતિ વિશે બીજી શું અપેક્ષા રાખી શકાય ? દ્વારકામાં હાલ વહીવટી તંત્ર અને ચૂંટાયેલી બોડી દ્વારા વિકાસના નામની ઢાલ આગળ ધરીને પોતાની મનસુફી પ્રમાણે આડેધડ કામો થઈ રહયા છે. જેમાં કેટલાક જવવાબદાર અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં આવતી જાય છે. નિયમોને આધીન કામ કરવા બંધાયેલા અધિકારીઓ વ્યકિતગત સંબંધો સાચવવામાં પડી ગયા હોવાની સ્પષ્ટ છાપ ઉપસી રહી છે.
દેવસ્થાન સમિતિ જેવી મહત્વની બોડીમાં ચાલી રહેલા અંધેર અંગે એક જ પખવાડીયામાં પુરાતત્વ વિભાગે બબ્બેવાર નોટીસ આપવી પડી હોય એ દ્વારકાના ઈતિહાસનો પહેલો બનાવ છે. જો કે રેકર્ડ ઉપર આવી ગયેલી આ હકિકતનો જવાબ દેવો આગળ ઉપર સરકારી તંત્રને ભારે પડવાનો છે એ નક્કી છે.