વ્યારા, તા. ૭
ઉચ્છલ તાલુકામાં ભારતીય દુરસંચાર નિગમની સંદેશાવ્યવહાર માટેની લેન્ડલાઇન સેવા ગ્રાહકો માટે આર્િશવાદરૂપ બની છે, પરંતુ સમયસર બિલની ભરપાઇ કરવા છતાં બિલ ભરપાઇ કરો નહીંતર તમારી સેવા બંધ કરવામાં આવશેના કોલ દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત આવતા હોવાથી ગ્રાહકો તોબા પોકારી ઉઠયા છે, ત્યારે આ સિસ્ટમ બાકી પેમેન્ટ ધરાવતા ગ્રાહકો માટે જ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ટેલિફોનધારકોએ કરી છે.
- બિલ ચુકવણી કરો નહીંતર તમારી સેવા બંધ કરવામાં આવશે, રોજ કોલથી ગ્રાહકો ખફા
ઉચ્છલ તાલુકામાં બી.એસ.એન.એલ.ની મોબાઇલ અને લેન્ડલાઇન સેવા વિતેલા દિવસોમાં છાશવારે ખોટકાતી રહેતા ગ્રાહકો તોબા પોકારી ઉઠયા હતા. ઇન્ટરનેટની બ્રોડ બેન્ડ સેવા પણ ખોરંભે પડતા જેની સીધી અસર સરકારી કચેરીઓના કામકાજ, બેંક વ્યવહાર તથા વેપારીવર્ગને થતી હતી. જેના નિરાકરણ માટે ગ્રાહકોએ ઉગ્ર રજુઆતો પણ વહીવટી તંત્રને કરતા ટેલિફોનસેવાને લગતી સમસ્યાનું મહદ્અંશે નિરાકરણ થયું છે. છેલ્લા કેટલાંક સમયથી ગ્રાહકોને સંતોષકારક સેવા પ્રાપ્ત થતા ટેલિફોન અને મોબાઇલધારકોએ હાશકારો અનુભવ્યો છે, જેમાં લેન્ડલાઇન પર આવતા બિનજરૂરી બિલ પેઇડના કોલથી ગ્રાહકો અકળાઇ રહ્યા છે. લેન્ડલાઇન સેવાનો ઉપયોગ કરતા ગ્રાહકો સમયસર બિલનું ચુકવણું કરતા હોવા છતાં જે લેન્ડલાઇન પર બિલ ચુકવણી ત્વરીત કરોના દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત કોલ આવે છે.
ટેલિફોન રણકતા જ કોલ રીસીવ કરતા જેમાં બિલની ભરપાઇ કરો નહીંતર તમારી સેવા બંધ કરવામાં આવશેની કેસેટ વાગતા બિલનું ચુકવણું કરનાર ગ્રાહકો અવાક્ રહી જાય છે. આ અંગે ઉચ્છલના જાગૃત ગ્રાહકોએ જણાવ્યું હતું કે, લેન્ડલાઇન સેવાથી ઘણો લાભ થાય છે, પરંતુ બિલ ચુકવણું કરવા છતાં બેથી વધુ વખત દિવસમાં કોલ આવતા હોવાથી ગુસ્સો આસમાને પહોંચે છે. આ અંગે બી.એસ.એલ.એન.ના અધિકારીઓને પણ ટેલિફોનિક રજુઆત કરી હતી, પરંતુ તેમ છતાં કાર્યવાહી થઇ નથી, જેને લઇ ગ્રાહકો પરેશાન થઇ રહ્યા છે. ત્યારે બિલ પેઇડ માટેની સુચના અંગેની જાણકારી માત્ર બાકી પેમેન્ટ ગ્રાહકો માટે જ ઉપલબ્ધ હોય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.