ભાવનગર,તા.૭
ભાવનગર જિલ્લાના વરતેજ ગામે અસામાજીક તત્વોના ત્રાસથી કંટાળી સ્થાનિક ગ્રામજનોઓ આ મામલે પોલીસ વડાને લેખીતમાં રજૂઆત કરી છે.
- શરાબ અને માસ-મટનની ખુલ્લેઆમ ચાલતી મહેફિલો
વરતેજના પ્લોટ વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ ઝાંઝડીયાએ ભાવનગર જિલ્લા પોલીસ વડા મનિન્દર પવારને રજુઆત કરતા જણાવ્યું હતું કે વરતેજ ગામે છેલ્લા કેટલાક સમયથી આવારા તત્વો દ્વારા પોલીસની મિઠી નજર તળે ગેરકાનુની પ્રવૃત્તિઓ ફુલીફાલી છે. આ ઉપરાંત મેઈન બજાર, દવાખાના, હાઈસ્કુલો સહિતના રસ્તાઓ પર તો આવારા તત્વો સવાર થી મોડીરાત સુધી અડીંગો જમાવી બેઠા રહે છે અને રસ્તા પરથી પસાર થતી બહેન દિકરીઓ પરેશાન કરી છેડતી કરે છે.
વરતેજગામમાં સાત થી આઠ લુખ્ખાઓ દ્વારા રોજ રાત્રે ખુલ્લા પ્લોટોમાં શરાબ અને માસ-મટનની મહેફિલો માણતા હોય સ્થાનિક ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠયો છે અને આવા આવારા તત્વો સામે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે, કેટલીક બાબતો અંગે પોલીસને જાણકારી હોવા છતાં આંખ આડા કાન પણ કરી રહી હોવાનું કહેવાય છે.