વડોદરા, તા. ૭
એમ. એસ. યુનિવર્સિટીમાં બીબીએ કોલેજની પ્રવેશ પરીક્ષા આગામી તા. ૧૫મી મેના રોજ યોજાશે. પ્રવેશ માટેના ફોર્મ તા. ૧૩મી મે સુધી ભરી શકાશે. બીબીએ ફેકલ્ટીના એસો. પ્રોગ્રામ ડિરેક્ટરે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની સગવડ માટે ઓફિસ રજાના દિવસોમાં પણ પૂર્ણ કાર્યરત રાખવામાં આવશે.
- ૧૩મી મે ૨૦૧૨ ફોર્મ ભરવાની અંતિમ તારીખ
તાજેતરમાં યોજાયેલી ધોરણ ૧૨ની પરીક્ષા બાદ બીબીએમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા આગામી તા. ૧૫મી મેના રોજ યોજવામાં આવનાર છે. આ બાબતે વધુ વિગત આપતા એસો. પ્રોગ્રામ ડિરેક્ટર પ્રજ્ઞોશ શાહે જણાવ્યું હતું કે, કોમર્સ ફેકલ્ટી અંતર્ગત ચાલતા બીબીએ પ્રોગ્રામની પ્રવેશ ક્ષમતા માત્ર ૧૨૦ બેઠકની છે. જેની સામે પ્રવેશ માટે અંદાજે ૧,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આવતા હોય છે. જેના પગલે કોર્સની શરૂઆતથી પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે પ્રવેશ આપવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨-૧૩ની પ્રવેશ પરીક્ષા આગામી ૧૫મીના રોજ યોજાશે. આ માટેના પ્રવેશ ફોર્મ આગામી તા. ૧૩મી મે સુધીમાં ભરી દેવાના રહેશે. આ માટે વિદ્યાર્થીએ ધોરણ ૧૨ની પરીક્ષા આપેલી હોવી જરૂરી છે. પરીણામની નકલ વિના પણ વિદ્યાર્થી ફોર્મ ભરી શકશે. તેમજ વિદ્યાર્થીઓની સગવડ માટે બીબીએ પ્રવેશ માટેના ફોર્મ લેવા તેમજ પરત આપવા માટે રજાના દિવસોમાં પણ ઓફિસ કાર્યરત રાખવામાં આવશે.