વડોદરા,તા.૭
પાદરા તાલુકામાં ભૂગર્ભ જળ પ્રદૂષિત કરવા બદલ ઉમરાયામાં આવેલી બહુરાષ્ટ્રિય કંપની હંટસમેન ગ્રુપની બરોડા ટેક્સટાઇલ ઇફેક્ટસ પ્રા.લિ.ના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા તથા જીપીસીબીના જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગણી પર્યવરણ સુરક્ષા સમિતિના રોહિત પ્રજાપતિએ કરી છે.ઉમરાયા - લુણા ગામના નાગરિકોના સ્વાસ્થ્ય સામે ગંભીર ખતરો છ , સુપ્રિમ કોર્ટે આઠ વર્ષ પૂર્વે આપેલા ચૂકાદાનો અમલ કરવા માટે હવે લુના અને ઉમરાયાના ગ્રામજનો આંદોલન ચલાવે તેવી ચીમકી આપી છે ત્યારે સરકારે તપાસ સમિતિની નિમવી જોઇએ.આ ઉપરાંત વડોદરા જિલ્લામાં એફ્લુઅન્ટ પેદા કરે તેવા ઉદ્યોગો માટે પ્રતિબંધ મૂકવાની માંગણી કરાઇ છે.
- જીપીસીબીના જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં લેવાની માંગ
પાદરા તાલુકાના એફ્લ્યુઅન્ટ ચેનલ રોડ પર આવેલી આ કંપનીની ઔદ્યોગિક ઝેરી ઘન કચરાના નિકાલ માટે બનાવવામાં આવેલી ઇન્ડસ્ટ્રિયલ હેઝાર્ડસ સોલિડ વેસ્ટ સાઇટમાં દીવાલો અને તળિયે તિરાડો પડી છે.માર્ચ ૧૯૯૭માં બનાવવામાં આવેલી આ સાઇટનું આયુષ્ય ૨૦૦૩માં પૂર્ણ થઇ ગયા બાદ પણ તેનો ઉપયોગ આજ દિન સુધી ચાલુ રાખતાં આ સ્થિતિ સર્જાઇ છે. આ ચોંકાવનારી વાત ગાંધીનગરના ગુજરાત સરકારના જ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટની ઇન્સ્ટીટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચના રિપોર્ટમાં બહાર આવી છે.
૨૦૦૬માં આ સાઇટની ઉંચાઇ ૩ મીટર વધારવા માટે આંખ આડા કાન કરનાર અધિકારી સામે પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે.
રોહિત પ્રજાપતિએ એવી પણ માંગણી કરી છે કે,૨૦૦૩થી આ ગેરકાયદે સાઇટને ચાલુ રહેવા દેવા માટે જીપીસીબીના ટોચના અધિકારીઓથી માંડીને જવાબદાર તમામ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવા જોઇએ.કંપની દ્વારા જોખમી કચરો આ સાઇટ પરથી તાત્કાલિક ખસેડી અન્ય કાયદેસરની સાઇટ પર લઇ જવા,'શાકભાજીના ટોપલા ' ( વેજીટેબલ બાસ્કેટ) તરીકે પાદરા તાલુકાનો વિસ્તાર ઓળખાય છ ત્યારે તાત્કાલિક કેમિકલ ઉદ્યોગોમાં તપાસ કરવામાં આવે અને આ તમામ ઉદ્યોગોને આ વિસ્તારમાંથી અન્ય સ્થળે તાત્કાલિક ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવે .
પાદરા તાલુકાના પ્રદૂષિત પાણીના મુદ્દે એક તપાસ સમિતિની રચના કરવામાં આવે તેમાં સીપીસીબી,જીપીસીબી વિસ્તારમાં કામ કરતાં સંગઠનોના પ્રતિનિધિઓ અને લુના ગામના પ્રતિનિધિઓને સમાવવા.
જીપીસીબીએ આ વિસ્તારમાં એવી કોઇ પણ ઇન્ડસ્ટ્રિઝને વધારાના એફ્લ્યુઅન્ટ પેદા કરે તેને સ્થાપવાની પરવાનગી,વિસ્તરણ કરવા મંજૂરી આપવી જોઇએ નહિ.એફ્લ્યુઅન્ટ ચેનલ પ્રોજેક્ટ જ જીપીસીબીના ધારાધોરણ મુજબ કાર્ય કરવાની ક્ષમતા ધરાવતો નથી.
સરપંચ કહે છે ,૫૫ કૂવાના પાણી લાલ થઇ ગયા છે હવે આંદોલન જ કરવું પડશે
લુના ગામના સરપંચ સંજય પટલે અને અગ્રણી અનિલ વાળંદભૂતકાળમાં મેટ્રોકેમ ઇન્ડસ્ટ્રિઝ તરીકે ઓળખાતી આ કંપની દ્વારા ભૂગર્ભ જળ પ્રદૂષિત કરવામાં આવ્યા હોવાના પગલે ઉમરાયા - લુના વિસ્તારના ૫૫ કૂવાઓના પાણી લાલ થઇ ગયા છે.જેમાં જોખમી ઔદ્યોગિક કચરો હોવાથી સ્વાસ્થ્યને અસર પડે છે.સુપ્રિમ કોર્ટે ૭-૫-૨૦૦૪માં આપેલા ચૂકાદાનો અમલ કરાવવા માટે પણ હવે આંદોલન કરવું પડશે અને કાયદાકીય પગલાં પણ લેવા પડશે.ગ્રામજનોને પીવાનું પાણી,પશુઓ માટે પાણી અને ખેતી માટે ઉદ્યોગોના ખર્ચે ગુજરાત સરકારે તાત્કાલિક પુરૂ પાડે તેવો સુપ્રિમ કોર્ટે ચૂકાદો ૨૦૦૪માં આપ્યો હતો.