વડોદરા તા. ૭
પિતાએ આઈસ્ક્રિમ નહીં લઈ આપતાં ૧૩ વર્ષિય પુત્રીએ આવેશમાં આવી જઈ ગઈકાલે રાતે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો કરૂણ બનાવ તરસાલીના મોતીનગરમાં બન્યો હતો. માતા-પિતા અને ભાઈ બજારમાં ખરીદી કરવા ગયા હતા, ત્યારે કિશોરીએ એકલતાનો લાભ લઈ અંતિમ પગલું ભર્યુ હતું.
- દોરડા કૂદવાની દોરીથી બાળાએ ફાંસો ખાધો
- ઘરનો દરવાજો ખોલતા જ પિતા પુત્રીને લટકતી જોઈ હેબતાઇ ગયા
- ફાંસા પરથી દીકરીને ઉતારી પિતા જીજીય્ દોડી ગયા પણ દીકરીએ જીવ ખોઇ નાંખ્યો હતો
મોતીનગરમાં રહેતા મહાવીરસિંહ વિજયસિંહ રાવત પોર જીઆઈડીસીની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં એક પુત્ર છે અને પુત્રી નેહા (ઉં.વ.૧૩) હતી. નેહા મકરપુરા ડેપો પાસેની સેન્ટ મેરી સ્કુલના ધો-૭માં અભ્યાસ કરતી હતી. તાજેતરમાં જાહેર થયેલા પરિણામમાં તે ધો-૭માં ઉર્તિણ થતાં ધો-૮માં આવી હતી. હાલ સ્કુલમાં વેકેશન ચાલતું હોવાથી નેહા તેના ભાઈ અને સખીઓ સાથે રજાઓની મજા માણતી હતી. ગઈકાલે રાતે આઠ વાગે નેહાએ તેના પિતા પાસે આઈસ્ક્રીમની માંગણી કરી હતી. પરંતુ પિતા મહાવીરસિંહે, કાલે હું તારા માટે આઈસ્ક્રીમ લઈ આવીશ તેમ નેહાને કહ્યું હતું. પિતાએ આઈસ્ક્રીમ નહીં લઈ આપતાં નેહાને લાગી આવ્યું હતું.
પણ, નેહા અંતિમ પગલું ભરવાની હદ સુધી જાય એટલું બધું માઠું તેને લાગ્યું છે, તેવું પિતાએ સ્વપ્નેય વિચાર્યુ નહોતું. રાતે આઠ વાગે મહાવીરસિંહે બજારમાં ખરીદી કરવા જવાનું નક્કી કર્યુ હતું. તેમણે પત્ની, પુત્ર અને પુત્રી નેહાને તૈયાર થઈ જવા કહ્યું હતું. પરંતુ નેહાએ ' મારે તમારી સાથે નથી આવવું, હું ઘરે રહું છું' તેમ જણાવ્યંું હતું. નેહાનો સ્વભાવ ગુસ્સાવાળો હોવાથી પિતાએ તેને વધુ આગ્રહ કર્યો ન હતો.
ત્યારબાદ મહાવીરસિંહ, તેમની પત્ની અને પુત્ર બજારમાં ગયા હતા. આ તકનો લાભ લઈ નેહાએ ઘરના છતના હુકમાં દોરડા કુદવાની દોરીની મદદથી ગોળિયો બનાવીને ગળેફાંસો ખાઈ લીધો હતો. રાતે દસ વાગે મહાવીરસિંહ ઘરે પાછા ફર્યા હતા. તેઓ દરવાજો ખોલીને ઘરમાં જતાં જ પુત્રી નેહા ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. આ જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પુત્રીમાં હજૂ પ્રાણ હશે, તેવું માનીને તેને હુકમાંથી ઉતારી તાત્કાલીક સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ નેહાને મૃત ઘોષિત કરતાં રાવત પરિવાર પર આભ તૂટી પડયું હતું. મકરપુરા પોલીસે આ કિસ્સામાં વધુ તપાસ હાથ ધરી છે.