ભાવનગર તા. ૭
અમેરિકાથી 'ઓરિએન્ટલ નાઈસરી' નામનું જહાજ ભાવનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત અલંગ જહાજવાડામાં ભંગાણાર્થે આવી રહ્યુ હતુ. આ જહાજમાં બિમારી ફેલાવનારા પ્રદુષિત તત્વો હોવાની રિસર્ચ એન્ડ સાયન્સ ફાઉન્ડેશન દ્વારા જાહેર હીતની અરજી કરવામાં આવી હતી. આ ગંભીર આક્ષેપોના પગલે સુપ્રિમ કોર્ટે જહાજને અધવચ્ચે જ રૂકજાવનો આદેશ આપી દીધો છે અને પ્રદુષિત તત્વો દૂર કર્યા બાદ જ જહાજને ભારતીય કિનારે લાવવા ફરમાન કર્યુ છે.
- જહાજમાં બીમારી ફેલાવે તેવા પ્રદુષિત તત્વો હોવાની જાહેર હીતની અરજીના પગલે સુપ્રિમનો રૂકજાવનો આદેશ
- આ જહાજમાં અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી એવી તેલ રિસાવની ઘટના બની હતી
વિશ્વસનીય સુત્રો પાસેથી મળતી આધારભૂત વિગતો મૂજબ અમેરિકાથી અંતિમ સફરે ગુજરાતના ભાવનગર જિલ્લાના અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં આવી રહેલા અમેરિકાના ઓરીએન્ટલ નાઈસરી નામના જહાજમાં પ્રદુષિત તત્વો હોવાની જાહેર હીતની અરજી કરનાર રિસર્ચ એન્ડ સાયન્સ ફાઉન્ડેશનના વકીલ સંજય પરીખે જણાવ્યુ હતુ કે, આ જહાજ ઘુસણખોર છે અને કોઈપણ શીપબ્રેકીંગ યાર્ડમાં જવા માટે તેણે મંજૂરી લીધી નથી. એટલુ જ નહીં તેમાં પ્રદુષિત તત્વો હોવાનો આરોપ છે. આ જહાજ હાનીકારક તત્વો દૂર કર્યા વગર ભારતીય જળસીમામાં આવી ગયુ છે.
વકીલની દલીલ સાંભળ્યા બાદ જસ્ટીસ અલ્તમસ કબીરની બેન્ચે આ કેસની નકલ જહાજ મંત્રાલયના વકીલ ટી.એસ. દોસાબીયા અને પર્યાવરણ મંત્રાલયના વકીલ અશોક ભાણને આપીને જવાબ રજૂ કરવા નિર્દેશ કર્યો હતો. આ ઉપરાંત જહાજને બ્રેકીંગ પૂર્વે સંપૂર્ણ પ્રદૂષણમૂક્ત કરવાનો જહાજ માલીકને આદેશ કર્યો છે. આ પ્રક્રિયા રાજ્યના પ્રદુષણ નિયંત્રણ બોર્ડને સુનિશ્ચિત કરવા જણાવ્યુ છે.
સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો છે કે, આ જહાજ તેલ, કોટન, હાઈડ્રેટેડ કે સોલીડીફાઈડ તત્વો, થર્મોકોલ, ગ્લાસવુલ, રબ્બર, તુટેલી ટાઈલ્સ જેવા કચરાનો સંપૂર્ણ નિકાલ કરવામાં આવે જેથી આ જહાજ ૯૯.૯૯ ટકા જેટલુ પ્રદુષણ મુક્ત બની જાય. આ જહાજમાં અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટી એવી તેલ રિસાવની ઘટના બની હતી આ સંજોગોમાં સાવચેતીના તમામ પગલા ભરવા જરૂરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓરીએન્ટલ નાઈસરી જહાજ સામે કરાયેલી જાહેર હીતની અરજીમાં સી રિવર મેડિટરેનીયન અને ડોંગ ફેંગ એશિયન જેવા જહાજોના અગાઉના વિવાદોનો પણ ઉલ્લેખ કરાયો છે.