ભાવનગર તા. ૭
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલ પચ્ચીસ વારીયાના એક રહેણાંકી મકાનમાં આજરોજ સાંજના સમયે એસઓજી પોલીસે રેઈડ કરી ગાંજાના જથ્થા સાથે એક પરંપ્રાતીય શખસને ઝડપી લીધો હતો. આ શખસ ગાંજો ઝારખંડથી લાવી ભાવનગરમાં વેચતો હોવાનુ પોલીસની પ્રાથમીક તપાસમાં ખુલ્યું હતું.
- ૧૧ કિલો ૭૦૦ ગ્રામ ગાંજા સાથે ઝારખંડના શખસની ધરપકડ
- આરોપી ગાંજો ઝારખંડથી લાવી ભાવનગરમાં વેચતો હોવાનુ પોલીસ તપાસમાં ખુલ્યું
મળતી વિગતો અનુસાર, શહેરના આખલોલ જકાતનાકા પાસે આવેલ સંસ્કાર વિદ્યાલય નજીકના પચ્ચીસ વારીયાના બ્લોક નંબર ૪૩૯માં રહેતા નવીનકુમારસિંહ પાલેશ્વરસિંહ સુર્યવંશી રાજપૂત (ઉ.ર૭ મુળ વતન બરહી ગામ, ઝારખંડ)ના રહેણાંકી મકાનમાં આજે સોમવારે સાંજના ૭ કલાકના સમય આસપાસ સ્પેશીયલ ઓપરેશન ગ્રૃપના પી.આઈ. એમ.એન.ચાવડા, દલભાઈ, ગંભીરસિંહ, ગીધાભાઈ, મહાવીરસિંહ સહિતના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે રેઈડ કરી તપાસ કરતા ગાંજો ભરેલા બે રેકઝીનના થેલા મળી આવ્યા હતાં. એસઓજી પોલીસે ૧૧ કિલો ૭૦૦ ગ્રામ ગાંજો, એક મોબાઈલ મળી કુલ રૂ. ૭ર,ર૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો અને ઉપરોકત આરોપીની ધરપકડ કરી ડી ડીવીઝન પોલીસને હવાલે કર્યા હતો.
આ શખસે ગાંજો ઝારખંડથી લાવીને ભાવનગરમાં વેચતો હોવાની કબુલાત પોલીસને આપી હતી. આ બાબતે ડી ડીવીઝન પોલીસે ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.