વડોદરા,તા. ૭
શહેરના સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસે ગઈકાલે રાતે વાહનો ટો કરતી ક્રેઈન અને કાર વચ્ચે થયેલા અકસ્માતના સામાન્ય બનાવના પગલે કારમાં સવાર પિતા અને તબીબી વિદ્યાર્થી પુત્રએ ટ્રાફીક જવાન ઉપર હુમલો કરીને વાયરલેસ સેટ તોડી નાંખ્યો હતો. સયાજીગંજ પોલીસે પિતા અને બે પુત્રોની ધરપકડ કરી હતી.
- સયાજીગંજમાં ટ્રાફિક જવાન ઉપર હુમલો કરીને વાયરલેસ તોડનાર પિતા અને બે પુત્રોની ધરપકડ
પ્રાપ્ત વિગત અનુસાર કારેલીબાગ વી.આઈ.પી. રોડ પર આવેલી પદ્માવતિ નગર સોસાયટીમાં રહેતા અનીલભાઈ મનહરભાઈ પટેલ નિવૃત્ત જીવન ગુજારે છે. તેમનો પુત્ર સાર્થક તબીબી વિદ્યાર્થી છે અને ડેન્ટીસ્ટના છેલ્લા વર્ષમાં ભણે છે.
જયારે બીજો પુત્ર જય ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગઈકાલે રવિરવારે તેઓ કારમાં ગોરવા વિસ્તારમાં રહેતા સગાના ઘરે જતા હતા.
સયાજીગંજ ડેરીડેન સર્કલ પાસે પહોંચતાં પોલીસની વાહનો ટો કરતી ક્રેઈન સાથે કારનો અકસ્માત થયો હતો. પિતા અને પુત્રોએ પોલીસ જવાન સાથે જપાજપી કરી હતી. અને વાયર લેસ સેટ તોડી નાંખ્યો હતો.
ટ્રાફીક જવાન ઐયુબભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.
વડોદરા ટ્રાફિક પોલીસની માત્ર દંડ જ ઉઘરાવતી હોવાથી અવારનવાર વાહન ચાલકો સાથે તૂ..તૂ..મેં..મેં.. થાય છે.
ઘણી વાર મારામારી અને ઝપાઝપી સુધી વાત પહોંચી જાય છે. છેલ્લા એક સપ્તાહમાં જ પોલીસ પર થયેલા હુમલાના ત્રણ બનાવો પોલીસ તંત્ર માટે ગંભીર બાબત છે.