એકસ્ટ્રા કોમેન્ટ - અપૂર્વ દવે
રામ નામ કી લૂંટ હૈ લૂંટ શકે તો લૂંટ... એ ભજન આપણે સૌએ સાંભળ્યું છે અને સૌને ગમે પણ છે, પરંતુ એર ઈન્ડિયાની બાબતે એમ કહી શકાય કે સરકારી તંત્ર કી લૂંટ હૈ લૂંટ શકે તો લૂંટ... સોમવાર રાતથી શરૂ થયેલી એર ઈન્ડિયાના પાઈલટોની હડતાળને અનુલક્ષીને સ્પષ્ટપણે ઉક્ત પંક્તિ લાગુ પડે છે. દર વર્ષે ઉનાળુ રજાઓની મોસમમાં પાઈલટો હડતાળ કરીને પોતાની મનમાની કરાવી જાય છે અને દર વખતની નિંભર સરકારો તેમને બોદી ધમકીઓ આપ્યા બાદ સમજૂતી કરીને મામલો થાળે પાડીને લૂંટમાં સહભાગી થાય છે. ઈન્ડિયન એરલાઈન્સ અને એર ઈન્ડિયાનું વિલીનીકરણ થયા બાદ અત્યાર સુધીમાં ક્યારેક પાઈલટોએ ગંભીરતાપૂર્વક કાર્ય કર્યું નથી અને ખોટમાં જતી એરલાઈન્સને વધુ ખોટના ખાડામાં ઉતારે એ રીતે બ્લેકમેઈલિંગ કર્યું છે. આ પાઈલટોને દર વર્ષે મે મહિનામાં એટલે કે ઉનાળુ વેકેશન દરમિયાન અને દિવાળીની નજીકના વખતમાં એટલે કે શિયાળું વેકેશન વખતે જ હડતાળ કેમ યાદ આવે છે એ સવાલનો જવાબ શોધવા ક્યાંય જવું પડે એમ નથી. ધસારો હોય એવા જ સમયે કામકાજ બંધ કરી દેવાથી ઉતારુઓ રોષે ભરાય અને સરકારી તંત્રે નમતું જોખવું પડે. દર વખતની જેમ આ વખતે પણ ૧૦૦ જેટલા પાઈલટો સોમવારથી હડતાળ પર ઉતર્યા બાદ નાગરીક ઉડ્ડયન પ્રધાને ચીમકી આપી છે કે હડતાળ પાછી નહીં ખેંચાય તો આકરા પગલાં લેવામાં આવશે. પાઈલટોને સાંજ સુધીનો સમય આપવામાં આવ્યા બાદ આ લખાઈ રહ્યું છે ત્યાર સુધી તો પાઈલટો ટસના મસ થયા નથી. તમને ખબર છે કે એમ પણ ઓક્સિજન પર ચાલતી સરકારનું નાક દબાવી દેવામાં આવશે તો તેમની માગણીઓ કબૂલ કરાવી શકાશે ? હડતાળ માટે દર વખતે અલગ અલગ કારણ આગળ કરવામાં આવે છે. એક સમયની ઈન્ડિયન એરલાઈન્સના પાઈલટોને ડ્રિમલાઈનર પ્રકારનાં વિમાનો ઉડાડવાની તાલીમ લેવા માટે મોકલવાના મેનેજમેન્ટના નિર્ણયને સર્વોચ્ચ અદાલતે ટેકો આપવાને લીધે એર ઈન્ડિયાના પાઈલટોને પેટમાં દુખવા લાગ્યું છે. પાઈલટોના સંગઠન- ઈન્ડિયન પાઈલટ્સ ગિલ્ડ (આઈપીજી)નું કહેવું છે કે એર ઈન્ડિયા માટે આ વિમાનોનો ઓર્ડર આપવામાં આવ્યો હતો તેથી તેમને જ તેની તાલીમ આપવામાં આવવી જોઈએ ?
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે કરજના ડુંગર તળે દબાયેલી એર ઈન્ડિયા માટે હજી થોડાં સપ્તાહો પહેલાં જ રૂ. ૪૨,૦૦૦ કરોડનું બચાવ પેકેજ માન્ય કરાવ્યું છતાં પાઈલટો આ રીતે મનમાની કરીને ગમે ત્યારે હડતાળ પર ઉતરી જાય એ તદ્દન અસ્વીકાર્ય પગલું છે. એરલાઈન્સના બિનકાર્યક્ષમ મેનેજમેન્ટને લીધે જનતાના જ પૈસામાંથી બેઈલ આઉટ કરાવા છતાં જો આ જ રીતે જનતાની હાલાકી થવાની હોય તો સરકારની ફરજ છે કે પાઈલટોને સીધાદોર કરવા માટે આકરાં પગલાં લે. નાગરીક ઉડ્ડયન પ્રધાન અજિતસિંહે હડતાળને ગેરકાનૂની તો ગણાવી છે, પણ આગામી સમય જ દર્શાવશે કે તેઓ પોતાના નિવેદન બાબતે કેટલા ગંભીર હતા.
બે કંપનીઓના વિલીનીકરણને પગલે અનેક પ્રશ્નો ઊભા થતા હોય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે જનતાની સેવાઓ પર માઠી અસર થાય. આઈપીજીનું કહેવું છે કે એર ઈન્ડિયાના પાઈલટો માટે લેવાયેલાં વિમાનો ઉડાડવાની તાલીમ ફક્ત તેમને જ આપવામાં આવવી જોઈએ. વિલીનીકરણ બાદ આ માગણી તદ્દન ગેરવાજબી છે અને સર્વોચ્ચ અદાલતે તેને નકારી કાઢી છે.આમ, અદાલતના મતની વિરુદ્ધ ગયેલા પાઈલટોએ અદાલતનો તિરસ્કાર કર્યો કહેવાય અને તેના માટે પણ સજા કરવામાં આવવી જોઈએ. તેમણે હડતાળ પર જવાની રીત અને હડતાળ પર જવાના નિર્ણય એ બંને રીતે કાયદાનો ભંગ કર્યો છે. તેથી તેમને સજા કરવામાં કોઈ વિઘ્ન આવી શકે એમ નથી. પણ આપણે જાણીએ છીએ કે દરેક યુનિયન કોઈકને કોઈક રાજકીય પક્ષ સાથે સંબંધ ધરાવે છે. આઈપીજી પણ આવું એક સંગઠન છે. તેથી દોષિત પાઈલટોને સજા થશે નહીં અને દિવાળીના વખતે ફરી તેઓ કામ બંધ કરે તો નવાઈ નહીં.
જાણવા મળ્યું છે કે એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના પાઈલટો વચ્ચેની દુશ્મનાવટ ઘણી ગંભીર છે. ગયા સપ્તાહે તાલીમ માટે સિંગાપોર જઈ રહેલા એરઈન્ડિયાના પાઈલટો રઝળી પડે અને ત્યાં પહોંચી ન શકે તે માટે એરઈન્ડિયાના ઉડ્ડયનને રદ કરવામાં આવ્યું હતું.ળઅત્યારે દેશભરમાં વાતાવરણ બદલાયું છે અને કામદારો હોય કે અન્ય કોઈ અધિકારીઓ હોય, તેઓ યોગ્ય કારણ વગર હડતાળ પર જતા નથી. એર ઈન્ડિયાના પાઈલટોએ પણ તેમની ફરિયાદ અજિતસિંહ અથવા એરલાઈન્સના મેનેજમેન્ટ સમક્ષ રજૂ કરીને પછી જ કોઈ પગલું ભરવું જોઈતું હતું, તેને બદલે તેમણે સોમવારે રાતમાં થયેલી બેઠકમાં કોઈ નિવેડો ન આવતાં આઈપીજીએ એકલા જ નક્કી કરી લીધું કે પાઈલટો માંદગીની રજા પર ઉતરી જશે.
આ હડતાળની અસર આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો પર થઈ છે અને લાંબા સમયથી આયોજન કર્યા બાદ બહારગામ જવા ઈચ્છતા લોકો આ દાદાગીરીનો ભોગ બન્યા છે. ન્યાયર્મૂર્મિ ધર્માધિકારી સમિતિના અહેવાલનો અમલ સરકાર કરે ત્યાર સુધી રોકાઈ જવાની પણ તેમનામાં ધીરજ નથી. વળી, તેમની હડતાળ માટે આગળ ધરાયેલું કારણ ધડ-માથા વગરનું છે.
એર ઈન્ડિયાના પાઈલટોનું સંગઠન આઈપીજી છે, જ્યારે અગાઉની ઈન્ડિયન એરલાઈન્સના પાઈલટો ઈન્ડિયન કોર્મિશયલ પાઈલટ્સ એસોસિયેશન(આઈસીપીએ)ના સભ્યો છે. તેમના બંને પાઈલટોને સમાન સંખ્યામાં તાલીમ માટે મોકલવાનો સર્વોપરી અદાલતે નિર્ણય સંભળાવ્યો છે, છતાં યુનિયનોના અંદરોઅંદરના ઝઘડાને લીધે તેમણે ઉતારુઓને બાનમાં લીધા છે.
ભારતમાં સરકારી ધોરણે ચલાવતી એરલાઈન્સોએ અત્યાર સુધી કમાણીને બદલે ખોટ જ કરી છે અને સરકાર આ ધોળા હાથીને પાળી રહી છે. તેનો બધો બોજ સામાન્ય જનતાના માથે છે, જે ક્યારેય વિમાનમાં બેસવાનો વિચાર પણ કરી શકતી નથી.
ખાનગીકરણને પગલે શરૂ થયેલી કેટલીક એરલાઈન્સો નફો કરવા લાગી છે છતાં સરકારનું પીઠબળ ધરાવતી એરલાઈન્સ વિલીનીકરણ બાદ પણ ખોટમાં જ જઈ રહી છે. તેનું કારણ તેમની નિયતમાં રહેલી ખોટ છે. સરકાર કિંગફિશર જેવી ખાનગી એરલાઈન્સ અને એર ઈન્ડિયા જેવી સરકારી એરલાઈન્સ એ બંનેને પ્રજાના પૈસે પોષી રહી છે અને છતાં કોઈના પેટનું પાણીય હલતું નથી. પાઈલટોની હડતાળ રોજનું કરોડોનું નુકસાન કરતી હોય છે. આ નુકસાન રાબેતા મુજબવા કામકાજમાં થતા બીજા ૬૦ કરોડ કરતાં વધારે નુકસાનમાં ઉમેરો કરે છે. વિલીનીકરણ પણ બરોબર કરાયું નહીં હોવાથી ખોટમાં તેની પણ મોટી ભૂમિકા હાય છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલના અહેવાલમાં પણ વિલીનીકરણની ટીકા કરવામાં આવી છે, પણ તે મુદ્દો અહીં અસ્થાને છે.
આ એ જ કંપની છે, જ્યાં આવશ્યક્તા કરતાં વધારે કર્મચારીઓ છે અને જેઓ અન્ય એરલાઈન્સ કરતાં વધારે પગાર મેળવે છે. એર ઈન્ડિયાના પાઈલટો દર વર્ષે રૂ. ૮૦૦ કરોડનો પગાર લઈ જાય છે. તેઓ પગારની સમીક્ષા કરવા પણ દેતા નથી. રાજકારણીઓ પોતાને રાજાશાહીથી ફરવા મળે તે માટે આ ધોળા હાથીને પાળી રહ્યા છે. વીવીઆઈપીઓના ઉડ્ડયનના પણ અબજો રૂપિયા લેણાં નીકળે છે, જે એરઈન્ડિયાની ખોટનો ભોગ છે.
મૂળ વાત પાઈલટોની વણજોઈતી હડતાળ અને સરકારની લવિંગ કેરી લાકડીએ થતી ફટકારની છે. બધી સુવિધાઓ હોવા છતાં સ્વાર્થને લીધે લોકોને અસુવિધા આપતા પાઈલટો પર તવાઈ આવે એ આજના સમયની તાતી જરૂરિયાત છે. જો સરકાર કોઈ ઉકેલ લાવી શકતી ન હોય તો એરલાઈન્સ બંધ કરવામાં કંઈ ખોટું નથી.