રાજકારણની આરપાર - દિનેશ શુક્લ
દેશના સર્વોચ્ચ બંધારણીય વડા માટે 'રબર સ્ટેમ્પ' કે 'શોભાના ગાંઠિયા' એવા શબ્દપ્રયોગો અનુચિત લાગે તો કહેવું જોઈએ કે, એમના નામે મૂકવામાં આવેલી મોટા ભાગની સત્તાઓ 'ઔપચારિક' અથવા નામ માત્રની છે, કારણ કે તેમના નામ હેઠળ મૂકવામાં આવેલી મોટા ભાગની સત્તાઓનો ઉપયોગ તેમણે વડા પ્રધાન અને કેબિનેટની 'સલાહ' અને 'મદદ'થી જ કરવાનો છે. 'સલાહ'નો અર્થ એ કે, વડા પ્રધાન અને કેબિનેટે આપેલી સલાહ અનુસાર જ એ સત્તાઓનો ઉપયોગ કરવાનો છે. જ્યારે 'મદદ'નો અર્થ એ કે, સત્તાઓનો ઉપયોગ તેમણે જાતે કરવાનો નથી, પણ તેમના વતની અને તેમના નામે વડા પ્રધાન-કેબિનેટે કરવાનો છે. દેશનો સમગ્ર કારોબાર તેમના નામે ચાલે છે, પણ તેઓ જાતે વહીવટ કરતા નથી.
તો શું તેઓ કેવળ કહેવાતા 'રબર સ્ટેમ્પ' છે ? ના, સંપૂર્ણપણે એવું નથી. જો એવું જ હોત તો ઇન્દિરા ગાંધીએ પક્ષે પસંદ કરેલા નીલમ સંજીવ રેડ્ડીને બદલે વી. વી. ગિરિને મત આપવા કોંગ્રેસના સભ્યોને જણાવ્યું ન હોત. "અંતર આત્માના અવાજને અનુસરીને મતદાન કરજો." કોની તરફેણમાં કરવાનું છે, તે કોંગ્રેસના સભ્યો સાનમાં સમજી ગયેલા. એવું જ હોત તો અત્યારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારોની જે ખેંચાખેંચ ચાલે છે તે ચાલતી ન હોત. અમુક ખાસ સંજોગોમાં તેઓ પોતાની સ્વવિવેકની સત્તાઓનો ઉપયોગ કરી શકે છે અને એવા ખાસ સંજોગો આ વખતની લોકસભાની ચૂંટણી પછી ઊભા થવાની પૂરેપૂરી સંભાવના છે.
એવી એક ખાસ પરિસ્થિતિ એ છે કે, લોકસભાની ચૂંટણીમાં કોઈ પક્ષ કે ગઠબંધનને સ્પષ્ટ બહુમતી (૨૭૨ બેઠકો) ન મળે તો સૌથી પ્રથમ કોને સરકાર રચવા આમંત્રણ આપવું, તે નક્કી કરવાની સત્તા તેઓ ધરાવે છે. જો સ્પષ્ટ બહુમતી મળે તો બહુમતી પક્ષ કે ગઠબંધનના નેતાને તેઓ આમંત્રણ આપે, એવી સંસદીય શાસન પદ્ધતિની પરંપરા છે. એટલે એવો પ્રશ્ન ઉરસ્થિત થતો નથી, પણ કયો પક્ષ કે ગઠબંધન સરકારની રચના કરી શકે તેમ છે, તેના આકલનને આધારે તેમણે નિર્ણય લેવાનો છે, ત્યારે તેઓ કોઈ સલાહ અનુસાર ચાલવા બંધાયેલા નથી. ઉપરાંત સંસદીય શાસન પદ્ધતિમાં રાષ્ટ્રપતિને 'સલાહ' અને 'મદદ' કરવા વડા પ્રધાન-કેબિનેટ તો હોવા જ જોઈએ, કારણ કે તેમના વિના તેઓ જાતે કશું કરી શકતા નથી. વળી એકવાર વડા પ્રધાનની પસંદગી થયા પછી પ્રધાનમંડળમાં કોને સ્થાન આપવું અને તેમને કયાં ખાતાં સોંપવા એ નક્કી કરવાનો વડા પ્રધાનનો વિશેષ અધિકાર છે, જેમાં રાષ્ટ્રપતિ કોઈ માથું મારી શકે નહીં, પણ ગઠબંધન સરકાર હેઠળ વડા પ્રધાન પોતાના આ વિશેષ અધિકારનો ધાર્યો ઉપયોગ કરી શકતા નથી, એ જુદી વાત. ખરેખર તો ગઠબંધનમાં જોડાયેલા પક્ષોના 'બોસ' જે કહે તેને જ પ્રધાનમંડળમાં સ્થાન આપવું પડે છે અને તે કહે તે જ ખાતું સોંપવું પડે છે. તાજેતરમાં આપણે રેલવેમંત્રીના કિસ્સામાં જોયું છે. "મારે દિનેશ ત્રિવેદી રેલવેમંત્રી તરીકે ન જોઈએ, એને ખસેડીને મુકુલ રોયને રેલવેમંત્રી બનાવો." મમતાના આ દુરાગ્રહ આગળ વડા પ્રધાનને નમતું જોખવું પડયું. ભૂતકાળમાં વડા પ્રધાન તરીકે વાજપેયીને પણ આવા અનુભવો થયેલા. તેમણે લાક્ષણિક ઢબે કહેલું, "ક્યા કરે, કોઈએ લેશન ધર્મ કા પાલન તો કરના પડેગા !"
હવે સ્પષ્ટ બહુમતી નહીં ધરાવતા પક્ષ કે ગઠબંધનના નેતાને જ્યારે તેઓ સરકારની રચના કરવા આમંત્રણ આપે ત્યારે જણાવે કે નિશ્ચિત મુદતમાં તમે ગૃહ (લોકસભા)નો વિશ્વાસ સંપાદિત કરો. જો 'વિશ્વાસનો મત' (જેની જોગવાઈ આપણા બંધારણમાં નથી, એ આપણી 'શોધ' છે) એટલે કે બહુમતી છે કે નહીં એ નક્કી કરવાનું યોગ્ય સ્થળ 'ફ્લોર ઓફ ધ હાઉસ' (લોકસભા) છે એ હવે રૂઢ થયેલી પ્રણાલી છે. ઉપરાંત, બંધારણમાં ક્યાંય એવું લખેલું નથી કે બહુમતી પક્ષ કે ગઠબંધનના નેતાની જ વડા પ્રધાન તરીકે નિમણૂક કરવી. બહુમતી નહીં ધરાવતા પક્ષોના નેતાઓ આપણે ત્યાં વડા પ્રધાનો બન્યા હોય એવા દાખલા મોજૂદ છે, પણ તેમણે ગૃહનો વિશ્વાસ તો સંપાદિત કરવો પડે અને તેમાં નિષ્ફળ જાય તો તરત જ રાજીનામું આપી દેવું પડે. જ્યારે આવું થાય ત્યારે રાષ્ટ્રપતિ, સામાન્ય રીતે વડા પ્રધાનને કહે છે કે 'જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તમે હોદ્દા પર ચાલુ રહો. આપણે તેને રખેવાળ વડા પ્રધાન કે રખેવાળ (કેર ટેકર) સરકાર કહીએ છીએ. જો કે 'કેર ટેકર' વડા પ્રધાન કે સરકારનો કોઈ ઉલ્લેખ બંધારણમાં નથી.
દરમિયાન, બીજો પક્ષ અથવા ગઠબંધનના નેતા એવો દાવો કરે કે અમને બહુમતીનો ટેકો છે અને રાષ્ટ્રપતિને સંતોષ થાય કે તેઓ વૈકલ્પિક અને સ્થિર સરકાર રચી શકશે તો તેઓ તેમને સરકાર રચવા તક આપે એ શરતે કે તેમણે પણ નિશ્ચિત સમયમાં ગૃહમાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરવો. ધારો કે તેઓ પણ નિષ્ફળ જાય તો ? તે વખતે રાષ્ટ્રપતિ પોતાની બીજી મહત્ત્વની સ્વવિવેકની સત્તાનો ઉપયોગ કરી શકે. તેઓ એવા તારણ પર આવે કે હાલની લોકસભા લોકોની ઇચ્છાને વાચા આપવામાં નિષ્ફળ ગઈ છે, માટે એક જ વિકલ્પ રહે છે, લોકસભાનું વિસર્જન અને નવેસરથી ચૂંટણીઓ યોજવી, પણ તે દરમિયાન તેમણે છેલ્લે પસંદ કરેલા વડા પ્રધાન અને તેમની સરકારને જણાવી શકે જ્યાં સુધી ચૂંટણી બાદ 'વૈકલ્પિક સરકાર'ની ન રચના થાય ત્યાં સુધી તમે હોદ્દા પર ચાલુ રહો. હવે જો વડા પ્રધાન કે સરકાર વિશ્વાસનો મત મેળવવામાં નિષ્ફળ ગયા છે, તેમની સલાહ અનુસાર ચાલવા માટે તેઓ બંધાયેલા નથી.
તો, આ થઈ તેમની સૌથી મહત્ત્વની સ્વવિવેકની સત્તાઓ. તે સંદર્ભમાં તેઓ કોઈની સલાહ અનુસાર ચાલવા બંધાયેલા નથી. બીજું, આપણા બંધારણમાં કેન્દ્ર કક્ષાએ રાષ્ટ્રપતિ શાસનની કોઈ જોગવાઈ નથી (રાજ્યો માટે છે). મતલબ કે તેમને તેમનાં કાર્યો અને સત્તાઓના સંદર્ભમાં વડા પ્રધાનની 'સલાહ અને મદદ' તો જોઈએ જ.
ઉપરાંત બીજી પણ કેટલીક સત્તાઓ છે, જે મોટા ભાગે ઔપચારિક છે. તેમની ધારાકીય સત્તાઓમાં ખરડાને પુર્નિવચાર માટે પાછો મોકલવાની, તેના પર હસ્તાક્ષર કરવાની, સંસદને સંદેશો મોકલવાની, બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવવાની, સંસદનાં બંને ગૃહોનું આહ્વાન કરવાની અને સત્ર સમાપ્તિની જાહેરાત કરવાની અને ખાસ સંજોગોમાં વટહુકમો બહાર પાડવાની સત્તા વગેરેનો સમાવેશ થાય છે.
ઉપરાંત તેઓ વડા પ્રધાન, પ્રધાનમંડળના સભ્યો, રાજ્યોના ગવર્નરો, સર્વોચ્ચ અદાલત અને વડી અદાલતોના ન્યાયર્મૂર્મિઓ, સી.એ.જી.ના વડા, એટર્ની જનરલ, ચૂંટણીપંચના સભ્યો, કેન્દ્રીય જાહેર સેવા આયોગના સભ્યો વગેરેની નિમણૂક કરવાની સત્તા ધરાવે છે અને છેલ્લે ત્રણે પ્રકારની કટોકટીઓના જાહેરનામાં બહાર પાડવાની સત્તા પણ ધરાવે છે, પણ ઉપર જણાવ્યું તેમ આ બધી સત્તાઓ ઔપચારિક છે.