ઈસ્લામાબાદ, 8 મે
પાકિસ્તાનની 60 ટકા જનતા અદાલતના અપમાનમાં દોષી ગણાવામાં આવેલ વડાપ્રધાન યુસુફ રઝા ગિલાનીનું રાજીનામું ઈચ્છે છે. એક ન્યુઝ ચેનલ દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ અનુસાર અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યા પછી પાકિસ્તાની જનતામાં મિશ્ર પ્રતિક્રિયાઓ સામે આવી. દેશની 36 ટકા જનતા ન્યાયાલયના નિર્ણયથી ખુશ છે, જ્યારે 32 ટકા લોકોએ તેના પર દુઃખ વ્યકત કર્યુ છે. સર્વેક્ષણમાં ભાગ લેનાર 31 ટકા લોકો આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ નથી આપી રહ્યા.
સર્વેક્ષણમાં રહેલ 50 ટકા મતદાતાઓએ જણાવ્યું કે તે કોર્ટના આદેશના પક્ષમાં છે, જ્યારે 39 ટકાએ આ નિર્ણય પ્રત્યે વિરોધ વ્યકત કર્યો છે. ચેનલે દાવો કર્યો છે કે અંદાજે 2500 પુરુષો અને મહિલાઓ સાથે વાતચીત આધારિત આ સર્વેક્ષણ સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરે છે. સર્વેક્ષણમાં રહેલ 40 ટકા લોકોએ કહ્યું કે જો ગિલાનીને છ મહિનાની કેદની સજા કરવામાં આવ તો તે વધુ ખુશ થયા હોત , જ્યારે ફક્ત છ ટકા લોકોનું કહેવું હતુ કે આવું થવાની સ્થિતિમાં તેઓ વિરોધ પ્રદર્શન કરતા.
તેમાંથી 45 ટકા લોકોએ જણાવ્યું કે ગિલાની વિરુદ્ધ નિર્ણય આપ્યા પછી તેમની નજરમાં સુપ્રીમ કોર્ટ પ્રત્યે માન સમ્માન વધી ગયુ છે,ત્યાં જ 26 ટકા લોકોએ કહ્યું કે તેનાથી સુપ્રીમ કોર્ટની છબી ખરડાઈ છે. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગિલાનીને રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ ફરીથી ખોલવા માટે સ્વિટઝરલેન્ડ સરકારને પત્ર લખવાના આદેશ આપ્યા હતા, પરંતુ તેમણે એમ કહી એવું કરવાની મનાઈ કરી હતી કે રાષ્ટ્રપતિને વિશેષાધિકાર અંતર્ગત કેસમાંથી રાહત મળી છે. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે ગત 26 એપ્રિલે તેમને ન્યાયાલયની અવમાનનાનો દોષી ગણાવતા 30 સેકેન્ડની સાંકેતિક સજા પણ કરી હતી.