મુંબઇ, તા. ૮
રિઝર્વ બેન્કે ફુગાવાના કારણે ધિરાણ પરના વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા નહીવત હોવાનો નિર્દેશ આપતા માર્કેટ સેન્ટિમેન્ટ સાવ ખરડાઇ ગયું હતું. આ ઉપરાંત યુરોઝોનની ચિંતા અને વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલના પગલે બજારો તનાવ હેઠળ હતાં જ, તેમાં અધુરામાં પૂરૂ રૂપિયો પણ ધોવાતા છેલ્લા અડધો કલાકમાં ભારતીય શેરબજારમાં હાહાકાર મચી ગયો હતો. બીએસઇના બેરોમીટર સેન્સેક્સ આજે લગભગ ૩૭૦ પોઇન્ટ પટકાઇને ચાર મહીનાની નીચી સપાટીએ ૧૬૫૪૬.૧૮ની સપાટીએ બંધ રહ્યો છે.
છેલ્લા અડધો કલાકમાં રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા
સેન્સેક્સની ૧૬૯૧૫..૭૧ની સપાટીએ ખુલી ઊંચામાં ૧૬૯૧૮.૩૧અને નીચામાં ૧૬૫૦૨.૯૧ની સપાટીએ જઇ છેલ્લે ૨.૧૭ ટકા અને ૩૬૬.૫૩ પોઇન્ટ ઘટીને ૧૬૫૪૬.૧૮ની સપાટીએ બંધ રહ્યો હતો. આજના દિવસમાં સેન્સેક્સની માર્કેટ વેલ્યુમાં રૂ. ૫૩૦૦૦ કરોડનું ધોવાણ થયું છે. આઇટીસી, ટીસીએસ, એચડીએફસી બેન્ક, તાતા મોટર્સ, એલએન્ડટી જેવા દિગ્ગજોએ સેન્સેક્સના કડાકામાં ૨૦૫ પોઇન્ટનો ફાળો આપ્યો હતો.
બ્રોકરોના જણાવ્યા પ્રમાણે આજની ખાનાખરાબીનું મુખ્ય કારણ રિઝર્વ બેન્કના ડેપ્યુટી ગવર્નરનું નિવેદન છે. સુબીર ગોકર્ણે હૈદરાબાદ ખાતે કોમેન્ટ કરી કે ફુગાવાના દબાણના કારણે ધિરાણ પરના વ્યાજ દર ઘટાડાનો અવકાશ સાવ જ ઓછો છે.