આરોગ્ય અને ઔષધ - વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની
ચરકઃ મર્હિષ ચરકે પોતાના ગ્રંથમાં લસણ કૃમિ, ત્વચાના રોગો (કોઢ, દાદર, ખરજવું વગેરે)નો નાશ કરનાર, પેટના રોગો, ગોળો, આફરો, અરુચિ, મંદાગ્નિ વગેરેનો નાશ કરનાર, સ્વભાવે સ્નિગ્ધ, ઉષ્ણ, તીક્ષ્ણ, બલ્ય (ટોનિક) ગણાવ્યું છે.
સુશ્રુતઃ સુશ્રુતે પોતાના ગ્રંથમાં લસણને વૃષ્ય(વાજીકરણ અથવા મૈથુન શક્તિ વધારનાર) મેધા-બુદ્ધિ, સ્વર, વર્ણ્ય, ચામડીનો રંગ અને ચક્ષુષ્ય એટલે આંખના રોગો અને આંખનું તેજ વધારનાર ગણાવ્યું છે. તે હાડકાંને સાંધનાર, હૃદયના રોગો, જૂનો તાવ, મંદ તાવ, પેટનો દુખાવો, કબજિયાત, આફરો (ગોળો) અરુચિ, ઉધરસ, સોજો, અર્શ, મસા, ત્વચાની વ્યાધિઓ, મંદાગ્નિ, કૃમિ, વાયુ અને કફના રોગો અને ટીબીને મટાડે છે.
કાશ્યપઃ આમ તો આયુર્વેદના દરેક ગ્રંથોમાં લસણ વિશે ઘણું નિરૂપણ કરવામાં આવ્યું છે, પરંતુ કાશ્યપ સંહિતામાં સૌથી સારું અને વિસ્તૃત નિરૂપણ છે. લસણ વિશે ૧૧૫ શ્લોકોનો એક સ્વતંત્ર અધ્યાય છે. આ અધ્યાયમાં તેમણે ચરક, સુશ્રુતના ગુણો સાથે વધારાના ગુણો પણ જણાવ્યા છે. તેમણે ગ્રહણી, વિદાહ, ખંજવાળ, ગુમડા-ફોડલીઓ, ત્વચા વિવર્ણતા, રતાંધણાપણું, અંગોનું જકડાઈ જવું, પથરી, પીડા સાથે પેશાબ થવો, ભગંદર, સ્ત્રીઓના માસિકસ્રાવ સંબંધિત રોગો અને વાતરક્તમાં લસણને ઉપયોગી જણાવાયું છે.
વાયુના રોગોઃ વાયુના રોગોમાં પંચકર્મ દ્વારા શરીરનું શોધન કર્યા પછી લસણ અને બસ્તિથી મોટું બીજું કોઈ પણ ઔષધ નથી. તે અસ્થિઓની અંદર રહેલા વાયુના રોગો (સંધિવા અને રૂમેટીઝમ)નો પણ નાશ કરે છે. સારી રીતે ખાંડેલા લસણ અને સમાન ભાગે તલનું તેલ અથવા ખાટો સરકો એક માટલીમાં ભરીને પેક કરી તેને જવની અંદર આઠ દિવસ રાખવું. ઘી અથવા સાધારણ તેલમાં તેને કકડાવીને એકાદ ચમચી ત્રણ વખત ખાવાથી અસ્થિવાયુના રોગો નષ્ટ થાય છે.
પ્રજનન તંત્રના રોગોઃ સ્નિગ્ધ પદાર્થો સાથે લસણનો ઉપયોગ વૃષ્ય એટલે કે વાજીકરણ- પુંસત્વશક્તિ વધારનાર ગણાવાય છે. કાશ્યપના મતે લસણ સંભવતઃ વીર્યમાં શુક્રાણુઓને ઉત્પન્ન કરીને ગર્ભસ્થાપનમાં સહાયક છે. વંધ્યા સ્ત્રીઓ અને નપુંસકો તથા પ્રોઢોને માટે લસણમાંથી બનાવવામાં આવતું ઇન્દ્રાણી ઘૃતનું સેવન ઉત્તમ કામોત્તેજકનું કાર્ય કરે છે. આ ઘૃત સાથે ઋતુ પ્રમાણે પૌષ્ટિક આહાર ગોઠવવો જોઈએ. પઠાણ લોકો લસણનો વાજીકરણ માટે ખૂબ જ ઉપયોગ કરે છે. સારી જાતના લસણને એટલા જ ઘી સાથે ખૂબ બારીક લસોટી આ કલ્કને તેનાથી ચાર ગણાં દૂધમાં પકવીને શીત ઋતુમાં શક્તિ પ્રમાણે એકથી બે ચમચી સવાર-સાંજ લેવાથી નિર્બળતા દૂર થાય છે. એટલે કે તેનાથી કામોત્તેજના અનુભવાય છે.
હૃદયના રોગોઃ લસણ અને તેનો એક યોગ 'મહારસોન' દૃષ્ટિને તેજ કરનાર, બળવર્ધક અને આયુષ્યને વધારનાર છે. હૃદયના રોગીઓને ચરક લસણ નાંખીને પકવેલ દૂધ પીવાની સૂચના આપે છે. આ પ્રયોગ આ પ્રમાણે છે. સારી જાતનું લસણ લાવી મધ્યમ કદની એક ગાંઠની કળીઓ ફોલી નાંખવી. એક ગ્લાસ દૂધમાં આ કળીઓ નાંખી, તેમાં દૂધ જેટલું જ પાણી નાંખવું. ઉકળતાં ઉકળતાં એક ગ્લાસ બાકી રહે ત્યારે ઉતારીને રોજ સવારે સહેજ નવશેકું આ દૂધ પીવું. આ દૂધથી ઉપર ચડીને હૃદયને ભીંસતો વાયુ નીચેની તરફ અનુલોમ ગતિ કરે છે. જેથી વાયુના અને હૃદયના રોગો મટે છે. આ પ્રયોગથી હૃદયની બેચેની અને ગભરામણ દૂર થાય છે અને શ્વાસ ચડતો નથી. કોરોનરી આર્ટરીમાં અવરોધ અને તેના કારણે થતા હૃદયના ઘાતક વિકારો સામે રક્ષણ આપવાની શક્તિ લસણમાં રહેલી છે. એટલે હૃદયના રોગીઓએ દૈનિક આહારમાં યોગ્ય માત્રામાં લસણને સ્થાન આપવું જોઈએ.
ચામડીના રોગોઃ ચામડીના રોગોમાં આક્રાંત સ્થાન પર લસણના રસમાં ખેરનું ચૂર્ણ (કાથો) મિશ્ર કરીને લગાવવાથી શ્વેત કોઢ મટે છે અને ખેરના કવાથ સાથે લસણ ખવરાવવામાં પણ આવે છે. દાદર પર કુંવાડિયાનાં બીજ સાથે લસણ વાટીને ચોપડવાથી જૂની દાદર મટી જાય છે. મોરથૂથુ અને લસણનો લેપ કરવાથી સૂકું ખરજવું મટે છે. આમ, આવા ચામડીના રોગો મટતા હોવાથી સાબિત થાય છે કે લસણ ઉત્તમ એન્ટિસેપ્ટિક છે. જૂના જખમો કે વ્રણો મટાડવા માટે લસણથી મોટું કોઈ જ ઔષધ નથી.
shant_1980@yahoo.com