દૂરબીન - કૃષ્ણકાંત ઉનડકટ
આપણે જેને ચૂંટીને સંસદમાં મોકલીએ છીએ એ સંસદસભ્યો કેવા છે? આજકાલ સંસદસભ્યોને ચોર, લૂંટારા, હત્યારા, બદમાશ, અપરાધી અને અભણ કહેવાની ફેશન ચાલી છે. બાબા રામદેવ, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદીથી માંડી ફિલ્મ અભિનેતા ઓમપુરી સુધીના લોકો ઓડિયન્સમાં લોકોનું ટોળું જોઈને જીભ પરનો કાબૂ ગુમાવે છે. થોડાક લોકો તાળીઓ પાડે એટલે એ પોતાને સાચા માનવા લાગે છે. ખરેખર આપણા સંસદસભ્યો સામે જે આક્ષેપો થાય છે એ કેટલા સાચા છે? કેટલા અભણ છે અને કેટલા અપરાધી છે? માનો કે સંસદસભ્યો ગુનેગાર છે તો તેના માટે જવાબદાર કોણ? અને માત્ર આક્ષેપો અને બૂમબરાડા કરવાથી પરિસ્થિતિ સુધરી જવાની છે? સુધારા જરૂરી છે પણ એ સંસદ અને લોકશાહીની ગરિમા જાળવીને થવા જોઈએ, ઉધામા અને ઉહાપાથી નહીં!
ઈન્ડિયન પાર્લામેન્ટમાં બિરાજમાન સંસદસભ્યો ચોર, લૂંટારા, ડાકુ, અપરાધી અને અભણ છે, આવાં અધકચરાં નિવેદનો કરી મીડિયામાં છવાયેલા રહેવાની આજકાલ ફેશન ચાલે છે. ગમે તે વ્યક્તિ મનફાવે તેવી વાત કરી દે છે. બાબા રામદેવ, અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને ફિલ્મ અભિનેતા ઓમપુરીએ છેલ્લા થોડા સમયમાં સંસદસભ્યો વિશે બેફામ નિવેદનો કર્યાં છે.
ભારતનું બંધારણ લોકોને વાણી સ્વાતંત્ર્યનો મૂળભૂત અધિકાર આપે છે પણ તેનો મતલબ એ નથી કે ગમે તે વ્યક્તિ ગમે તેમ બોલે. ગૌરવ અને ગરિમા જેવી પણ કોઈ ચીજ હોય છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. આખી દુનિયા આપણી લોકશાહીનાં ઉદાહરણો આપે છે. ગમે તેવા અને ગમે તેટલા ચડાવ ઉતાર છતાં આપણી લોકશાહી અડીખમ છે. લોકશાહીમાં સંસદ સર્વોપરી છે. સંસદ પહેલી જાગીર છે. સંસદ લોકશાહીનું મંદિર છે. આપણા ધર્મ વિશે કોઈ નાની સરખી પણ ટિપ્પણી કરે તો આપણે છંછેડાઈ જઈએ છીએ પણ લોકશાહીના મંદિર અને લોકશાહીના ધર્મ વિશે કોઈ કંઈપણ બોલે તો આપણું રૃંવાડુંયે ફરકતું નથી.
દુનિયાના અનેક વિદ્વાનોએ કહ્યું છે કે તમારે સિસ્ટમ બદલવી છે? તો સિસ્ટમમાં રહીને સિસ્ટમ બદલો. સિસ્ટમ સામે માત્ર બૂમબરાડા કે ગાળાગાળી કરીને તમે સિસ્ટમ બદલી ન શકો. સંસદ વિશે જે નિવેદનો થાય છે તે માત્ર ને માત્ર ઉહાપોહ અને હંગામો ખડો કરવા માટે જ થાય છે. આવી વાતો કરવાથી શું સુધારા થઈ જવાના છે? કવિ દુષ્યંતકુમારનો એક શેર છે,
'સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં, મેરી કોશિશ હૈ કી યે સૂરત બદલની ચાહિએ.'
અત્યારે બધા વાતો સૂરત બદલવાની કરે છે અને કરે છે માત્ર હંગામા. છત્તીસગઢ રાજ્યના દુર્ગ શહેરમાં જન જાગરણ અભિયાન શરૂ કરતી વખતે રામકિશન યાદવ ઉર્ફે બાબા રામદેવે કહ્યું કે, સાંસદો લૂંટારા, હત્યારા, અપરાધી અને અભણ છે. અરવિંદ કેજરીવાલ, કિરણ બેદી અને ઓમપુરીનાં નિવેદનો પણ આવાં જ હતાં.
આપણે ત્યાં રાજકારણીઓની છાપ બહુ સારી નથી. રાજકારણ જાણે ખટપટ, કાવાદાવા, દાવપેચ, ભ્રષ્ટાચાર અને ટાંટિયાખેંચનો અડ્ડો જ હોય એવી વાતો થતી રહી છે. રાજકારણ અને રાજકારણીના વિષયની ફિલ્મોમાં પણ બધું ખાડે ગયું હોય એવું જ બતાવાય છે. કહેવાનો મતલબ એ નથી કે બધું સાવ ખોટું છે. પણ કહેવાનો મતલબ એ છે કે બધું સાવ સાચું પણ નથી.
હા, સંસદમાં કદાચ થોડાક અપરાધીઓ હશે, પણ શું બધા જ એવા છે? તેનો જવાબ છે ના. સંસદસભ્યો વિશે જે નિવેદનો થાય છે તે કેટલાં સાચાં છે અને કેટલાં ખોટાં છે? ભારતીય સંસદની વેબસાઈટના ફિગર મુજબ સંસદની કુલ સભ્યસંખ્યા ૫૫૨ છે. ભારતનાં ૨૮ રાજ્યોમાંથી ૫૩૦ અને સાત કેન્દ્રશાસિત પ્રદેશમાંથી ૨૦ સંસદસભ્યોને લોકો ચૂંટીને સંસદમાં મોકલે છે. એંગ્લો ઇન્ડિયનની બે બેઠક પર સભ્યો નોમિનેટ થાય છે. વર્તમાન લોકસભાની સભ્ય સંખ્યા ૫૪૪ની છે.
સંસદસભ્યો વિશે થતાં નિવેદનો અને આરોપો વિશે વાત કરીએ તો એક આરોપ એવો છે કે આપણા સંસદસભ્યો અભણ છે. ચલો, હવે થોડીક હકીકતો તપાસીએ. સત્તાવાર રીતે જાહેર થયેલા આંકડાઓ એવું કહે છે કે આપણા કુલ સંસદસભ્યોમાંથી ૮૦. ૭૪ ટકા સંસદસભ્યો સ્નાતક કે તેથી વધુ ડિગ્રી ધરાવે છે. ૩૦ ટકા સંસદસભ્યો એવા છે જે અનુસ્નાતક કે ડોક્ટરેટની ડિગ્રી ધરાવે છે. જેને અભણની વ્યાખ્યામાં મૂકી શકાય એવા એકેય સંસદસભ્ય નથી. સંસદમાં ૨૪ ડોક્ટર છે. હવે કોઈ વ્યક્તિ સંસદસભ્યોને અભણ કહે ત્યારે કોઈક તો પૂછો કે ભાઈ તમે કયા આધારે આવાં નિવેદનો કરો છો?
સંસદસભ્યો સામે બીજો આરોપ એવો છે કે સંસદસભ્યો ચોર, લૂંટારા, ડાકુ, બળાત્કારી અને બદમાશ છે. હા, થોડાક એવા લોકો છે જેનો ક્રાઈમ હિસ્ટ્રી છે પણ બધા એવા નથી. સંસદમાં ૧૬૨ એવા સભ્યો છે જેની સામે કુલ ૫૨૨ કેસો નોંધાયેલા છે. પોણા ચારસોથી વધુ સંસદસભ્યો એવા છે જેની સામે કોઈ ગુના નથી. ૧૪ સંસદસભ્યો એવા છે જેની સામે હત્યાના આરોપ છે. ૨૦ સંસદસભ્યો સામે હત્યાની કોશિશના ગુના નોંધાયેલા છે અને ૧૩ સામે અપહરણની ફરિયાદો છે. આ ત્રણેયનું ટોટલ ૪૭ થાય છે. સવાલ એ પણ થાય કે આટલા લોકો ઓછા છે? આદર્શ સ્થિતિ એ છે કે આટલા પણ ક્રાઈમ રેકોર્ડવાળા લોકો સંસદમાં ન હોવા જોઈએ. તો પછી એ લોકો કેમ માનનીય સંસદ સભ્યો છે?
આ બધા સંસદસભ્યો સામે ફરિયાદો નોંધાઈ છે પણ એ બધા ગુનેગાર સાબિત થયા નથી. ભારતનું બંધારણ કહે છે કે જ્યાં સુધી અદાલત કોઈને દોષી ન ઠેરવે ત્યાં સુધી એ નિર્દોષ છે. એટલે આવા થોડાક લોકો સંસદ સુધી પહોંચી જાય છે. એમાં પણ સવાલ તો સરવાળે એ જ આવે છે કે તેને સંસદમાં મોકલે છે કોણ? અંતે તો એ લોકોના મતથી જ ચૂંંટાઈને ત્યાં પહોંચે છે. પરિવર્તન લાવવું હોય તો એ સંસદસભ્યો સામે બળાપો ઠાલવીને નહી આવે પણ લોકોને જાગૃત કરીને આવશે. ભારતનું ચૂંટણીપંચ છેલ્લાં થોડાં વર્ષોથી સ્ટ્રીક્ટ થયું છે. ઉમેદવારીપત્રક ભરતી વખતે જ દરેક ઉમેદવારે તેની સામે નોંધાયેલા કેસોની નાનામાં નાની વિગતો આપવી પડે છે. એ વિગતો જાહેર પણ થાય છે. મત આપતી વખતે કેટલા લોકો આ માહિતી ધ્યાનમાં રાખે છે? જો ખોટા લોકો ચૂંટાઈ આવે તો વાંક ક્યાંક આપણા બધાનો પણ હોય છે. આ વાત કડવી લાગે તેવી છે પણ સાચી છે.
હા, રાજકીય પક્ષોએ ગુનાઈત રેકોર્ડ ધરાવતા લોકોને ટિકિટ ન આપવી જોઈએ. જોકે દરેક પાર્ટી જીતી શકે તેવા લોકોને જ ટિકિટ આપવા તૈયાર રહે છે, પછી ભલેને એ ગમે તેવો હોય. ૧૯૮૧માં ૨૨ ઠાકુરોને એકસામટા ભડાકે દઈ ખતમ કરી દેનાર ડાકુરાણી ફૂલનદેવી બે વખત ચૂંટણી જીતીને સંસદ સુધી પહોંચી હતી. ૨૫મી જુલાઈ, ૨૦૦૧ના રોજ દિલ્હીમાં ફૂલનદેવીની હત્યા થઈ ત્યારે પણ એ સંસદસભ્ય હતી. આપણે આજે પણ તેને બેન્ડિટ ક્વીન કહીએ છીએ. ફૂલનદેવી સંસદસભ્ય બની ગઈ તેમાં એનો શું વાંક? તેને થોકબંધ મત આપીને જિતાડનાર લોકોની કોઈ જવાબદારી નહીં? લોકશાહી લોકોથી ચાલે છે, નેતાઓથી નહીં.
લોકપાલ માટે આંદોલન થયું ત્યારે લોકો આપમેળે બહાર આવ્યા હતા. બધાને ઊંચી અપેક્ષા હતી કે કંઈક નવું થશે. અણ્ણાની ટીમ વચ્ચે જ ખટરાગ થયો, આક્ષેપો થયા. તો પણ વાતો તો એવી જ થઈ કે રાજકારણીઓએ બધાને અંદરોઅંદર ઝઘડાવી માર્યા. જે લોકો ઝઘડયા તેની સામે કોઈને શંકા કે સવાલો થતા નથી.
આક્ષેપો કરવાવાળા ભલે ગમે તેવા આક્ષેપો કરે પણ આપણી લોકશાહી મજબૂત થઈ છે. ઘણા સુધારાઓ આવ્યા છે. ચૂંટણી લડતી વખતે મિલકતો અને ગુનાની વિગતો હવે આપવી પડે છે. કદાચ કેટલીક ખામીઓ હશે પણ આ ખામીઓ કંઈ સંસદસભ્યોની ટીકાઓ કરીને દૂર નહી થઈ જાય. જરૃર છે જાગૃતિની. ભારતમાં હવે લોકો બધી વિગતો મેળવી શકે તે માટે આરટીઆઈ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) છે. આ અધિકાર પણ સમાજસેવીઓને જ આભારી છે. ઉમેદવાર યોગ્ય ન હોય તો તેના માટે રાઈટ ટુ રિજેક્ટ મેળવવા માટે પણ ચળવળ થવી જોઈએ. કરવા જેવું ઘણું છે પણ જે કરવું જોઈએ એ કરવાવાળાની કમી છે.
સંસદમાં પણ ઘણી વાર એવાં દૃશ્યો સર્જાય છે જે આપણા સંસદસભ્યો, આપણી સંસદ અને આપણી લોકશાહી માટે શોભાસ્પદ નથી. સંસદમાં બૂમબરાડા, માઇક ઉખાડીને ફેંકવાં, ખુરશીઓ ઉછાળવી, કાગળિયા ફાડીને ફેંકવા અને એલફેલ બોલવાની ઘટનાઓ બને છે. આવું થાય ત્યારે લોકો દુઃખી થાય છે. શિસ્ત અને ગરિમાનું સરેઆમ ચીરહરણ થતું હોય એવું લાગે છે. 'કેશ ફોર વોટ' કૌભાંડ વખતે સંસદમાં રૃપિયાનાં બંડલો ઉછળ્યાં હતાં.
સંસદની અંદર કે સંસદની બહાર આવી સંસદના અપમાનની ઘટના બને પછી શું થાય છે? બહુમાં બહુ તો વિશેષાધિકાર ભંગની નોટિસ મોકલાય છે. અરવિંદ કેજરીવાલ અને બાબા રામદેવ સામે વિશેષાધિકાર ભંગ મુજબ કામ ચલાવવા સંસદમાં દેકારો થયો હતો.
કોઈ વ્યક્તિ સંસદનું અપમાન કરે તો સંસદ સભ્યોની માંગણી પછી તેને વિશેષાધિકાર ભંગની નોટિસ મોકલવામાં આવે છે. આ વિશેષાધિકાર શું છે? અને તેનો ભંગ કરનારને શું સજા થાય ? આ અંગે હાઈકોર્ટના વરિષ્ઠ ધારાશાસ્ત્રી કૃષ્ણકાંત વખારિયા કહે છે કે આવી કાર્યવાહી કરવા માટે સંસદની એક પ્રિવિલેજ કમિટી હોય છે. આ કમિટીમાં મુખ્ય રાજકીય પાર્ટીના સંસદસભ્યો મેમ્બર તરીકે ફરજ અદા કરે છે. વિશેષાધિકાર ભંંગનો કેસ આ કમિટી પાસે જાય છે. જો ગંભીર ગુનો હોય તો છ મહિના સુધીની સજા થઈ શકે છે. અલબત્ત, આવી સજા બહુ ફટકારવામાં આવી નથી. અમુક વખત ઠપકો આપીને કે વધુમાં વધુ સંસદ પૂરી થતા સુધી બેસાડી રાખવાની સજા થાય છે. કોઈ સંસદસભ્ય સંસદ ભવનમાં અયોગ્ય ધમાલ કરે તો તેનું સભ્યપદ રદ કરવા સુધીની સજાની જોગવાઈ છે. પણ આપણી સંસદ રહેમદિલ છે. થઈ થઈને શું થઈ જવાનું છે એવું વિચારીને ઘણા લોકો મનફાવે તેવાં નિવેદનો ઠોકે રાખે છે. જે લોકો આવાં નિવેદનો કરતાં રહે છે તેની દાનત પણ લોકોએ તપાસતા રહેવી જોઈએ.
સંસદસભ્યો વિશે આવાં નિવેદનો કરનાર છેલ્લે એવું કહે છે કે અમે કંઈ બધા સંસદસભ્યોને બદમાશ નથી કહેતા, જે છે તેને કહીએ છીએ. જો એવું જ હોય તો નામ આપીને કહોને. એક ઘરમાં ચાર ભાઈઓ હોય અને ચારમાંથી એક બદમાશ હોય તો આખા ઘરને દોષ દેવો વાજબી નથી. આપણી લોકશાહી મહાન હતી, છે અને રહેશે અને તેનું ગૌરવ દરેકને હોવું જોઈએ.
હા, ઘણા સુધારાની જરૃર છે પણ તેના માટે જે થઈ રહ્યું છે એ રસ્તો નથી. સાચી વાત અને ખરા મુદ્દા લઈને આવો તો લોકો આપોઆપ સાથ આપશે. ભારતીય મતદાર સમજુ અને શાણો છે. આપણા દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. આપણા દેશનો અત્યારનો યુવાન મેચ્યોર અને ઇનફ દેશપ્રેમી છે, એ કોઈ વાતોમાં ભરમાય તેવો નથી. ખોટા ઉધામા કરવા કરતાં જે કરવા જેવું છે તે કરો તો ખરાં. લોકો આપોઆપ તમને ઊંચકી લેશે અને હા, ફેંકી દેતા પણ વાર નહીં લાગે. લોકશાહીની વ્યાખ્યા યાદ છે ને? ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ અને બાય ધ પીપલ.
kkantu@gmail.com