મુંબઈ : ૮ મે ૨૦૧૨
બોલિવૂડમાં પોતાની સ્ટાઇલ અને ફિગરના કારણે જાણીતી શિલ્પા શેટ્ટી અત્યારે બીજા કારણોસર ચર્ચામાં છે. શિલ્પાએ પોતાના આવનારા શિશુના સ્ટેમ સેલ્સ સ્ટોર કરવાનો નિર્ણય લીધો છે. આ વાતની કબૂલાત કરતા શિલ્પા શેટ્ટી કહે છે કે, “સ્ટેમ સેલ્સના બેંકિંગના કારણે હું થોડી નિશ્ચિંત બની છું. હવે ભવિષ્યમાં બાળક માટે વધુ મેડિકલ વિકલ્પ રહેશે.”
શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુંદ્રાનું માને છે કે, સ્ટેમ સેલ્સ સ્ટોર કરવા તેમના નવજાત શિશુની સૌથી મોટી ભેટ હશે. ૩૬ વર્ષીય શિલ્પા કહે છે કે, “અત્યારે હું જીવનના સૌથી સુંદર તબક્કામાંથી પસાર થઇ રહી છું. કોઇ પણ સ્ત્રી માટે માતૃત્વથી શ્રેષ્ઠ કશું ન હોઇ શકે, તે અનેક જવાબદારીઓ લઇને આવે છે.” હાલ શિલ્પા માતા-પિતા બનનારા યુગલોમાં સ્ટેમ સેલ્સ બેંકિંગ વિશે જાગૃતિ લાવવાના કામમાં સક્રિય છે. આ માટે તે એશિયાની સૌથી મોટી સ્ટેમ સેલ બેંકિંગ નેટવર્ક 'કોર્ડલાઇફ'ની બ્રાન્ડ એમ્બેસેડર બની છે. નોંધનીય છે કે, સ્ટેમ સેલ થેરેપી મેડિકલ સાયન્સનું ભવિષ્ય છે. કારણ કે, તેમાં અનેક હઠીલા રોગોનો અકસીર ઇલાજ છે.