જામનગર તા.૮
જામનગર જિલ્લાના ભાણવડના બાયપાસમાં કરોડોના ખર્ચે સરકારી તંત્ર દ્વારા મોટો બ્રીજ બનાવાયો છે પરંતુ રસ્તાનું જોડાણ નીતિ નિયમ મુજબ થતું ન હોય, શહેરીજનોમાં પ્રબળ વિરોધ શરૂ થયો છે. ગોલાઈના બદલે પુલના છેડેથી રસ્તાનું જોડાણ આપવા લોકમાંગણી ઉઠી છે.
- ગોળાઈના બદલે પુલના છેડેથી રસ્તાનું જોડાણ આપવા પ્રબળ લોકમાંગણી
સરકારી તંત્ર દ્વારા હાલ જુના અખેડા મંદિરવાળા ગોલાઈમાં રસ્તાનું જોડાણ આપવા તૈયારી શરૂ કરી છે. ત્યારે ગોલાઈવાળા રસ્તા પરથી વાહનો આવક જાવક કરશે તો અવાર-નવાર નાના-મોટા અકસ્માતો સર્જાશે, આ બાબતે જિલ્લા કલેકટર તેમજ મામલતદારને રજુઆત કરવામાં આવી છે. ભાણવડ ટ્રાફિક સમસ્યા નિવારવા માટે રાજયના બાંધકામ ખાતા દ્વારા બાયપાસમાં બેઠા કોઝ વેની જગ્યામાં કરોડો રૂપિયાના ખર્ચે મોટો બ્રીજ તૈયાર કરવામાં આવી રહયો છે. પુલની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે. જેથી શહેરની ટ્રાફિક સમસ્યા પણ હળવી બનશે.ચોમાસા દરમિયાન પણ મોટા બ્રીજ પર એસ.ટી.સહિતના વાહનોની અવર-જવર થઈ શકશે પરંતુ બ્રીજ તૈયાર થયા પછી રસ્તાના જોડાણ આપવામાં સરકારી તંત્રના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહયું હોવાના આક્ષેપ શરૂ થયા છે.સરકારી તંત્ર દ્વારા રસ્તાના જોડાણ અખેડા મંદર તરફ ગોલાઈમાંથી આપવાની પેરવી કરાઈ રહી છે. જેનાથી લોકોમાં ભારે વિરોધ શરૂ થયો છે. ગોલાઈમાંથી રસ્તાનું જોડાણ આપવાની સામસામા આવતાં નાના-મોટા વાહનો દેખાશે નહી જેથી અકસ્માત થવાની ભીતિ છે. સરકારી તંત્રના નકશા પ્લાન મુજબ બ્રીજના છેડેથી રસ્તાનું જોડાણ આપવા લોકોમાં પ્રબળ માંગ થઈ રહી છે. ઉપરાંત બાયપાસમાં કરોડોના ખર્ચે બ્રીજ તૈયાર કરાયા પછી બ્રીજના છેડે ગેરકાયદે દબાણો ખડકલા છે. ત્યારે સરકારી તંત્ર દ્વારા આવા ગેરકાયદે દબાણો દુર કરાતા નથી અને કોની લાજ કાઢી રહયું છે એવો સવાલ દેવેન્દ્રભાઈ જાડેજાએ રજુઆતમાં કર્યો છે. તેમણે કરેલી જિલ્લા કલેકટર સમક્ષની રજુઆતમાં દબાણો દુર કરી અને એ જગ્યા પરથી રસ્તાનું જોડાણ આપવા રજુઆત કરી છે.