ભુજ,તા.૮
હિસાબી વર્ષ ૨૦૧૧-૧૨ના અંતે ભુજની વિવિધ સહકારી ક્ષેત્રની બેન્કોના હિસાબ કિતાબ ક્લિયર કરવામાં આવી રહ્યાં હતા, તે દરમિયાન ભુજની મર્કેન્ટાઇલ બેન્કના હિસાબોમાં અનેક પ્રકારની ગેરરીતિ જોવા મળી હતી.જેનાં પગલે ભુજની મર્કેન્ટાઇલ બેન્કનો વહીવટ ડાયરેક્ટરો પાસેથી લઇને ત્યાં વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે.આ વહીવટદાર દ્વારા આજે ભુજની મર્કેન્ટાઇલ બેન્કની તપાસ કરવામાં આવી હતી, જેમાં બેન્કનાં અનેક દસ્તાવેજોની સાથે રાપરની મર્કેન્ટાઇલ બેન્કનાં કેટલાક અગત્યના દસ્તાવેજો મળી આવતાં કર્મચારી આલમમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ભુજની મર્કેન્ટાઇલ બેન્કનો વહીવટ ખાડે જવા પાછળ બેન્કનાં જે તે સમયનાં ડાયરેક્ટરોએ આચરેલું કૌભાંડ બહાર આવ્યું છે.જેનાં પગલે સરકાર દ્વારા આ બેન્કનો વહીવટ વહીવટદારને સોંપવામાં આવ્યો છે.ભુજ મર્કેન્ટાઇલ બેન્કનાં વહીવટદાર ગઢવીની સૂચનાથી રજિસ્ટ્રાર કચેરીના કોઠારી દ્વારા ભુજ મર્કેન્ટાઇલ બેન્કની તપાસ કરવામાં આવી હતી.આ તપાસ દરમિયાન રાપરશાખાનાં મહત્ત્વના રેકર્ડ ભુજની બેન્કમાં પડયા હોવાનું જણાયું હતું.આ બાબતની ગંભીરતાથી નોંધ લઇને રાપર શાખાનાં કેટલાક કર્મચારીઓને ભુજ ખાતે બોલાવવામાં આવ્યા હતાં અને આકરી પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ રાપર શાખાનાં કર્મચારીઓ કંઇ જ જવાબ આપી શક્યા નહોતા.આ ઉપરાંત બી.એમ.સી.બી.સ્કૂલ તેમજ કેટલાક સોસાયટીના દસ્તાવેજો પણ બેન્કમાંથી મળી આવ્યા હતા.આ તપાસ બાદ ભુજ તેમજ રાપર શાખાનાં કર્મચારી આલમમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજની મર્કન્ટાઇલ બેન્કમાં આચરાયેલા નાણાંકીય કૌભાંડનું મૂળ રાપરશાખામાં જ હોવાનું કેટલાક જાણકારોમાં ચર્ચાઇ રહ્યું છે.