ભુજ, તા.૮
ભુજમાં ગત છઠ્ઠી સપ્ટેમ્બરે ભારે વરસાદ અને નગરપાલિકાની અપૂરતી તૈયારીઓનાં કારણે શહેરીજનોને ભારે હાલાકી અને તારાજી સહન કરવી પડી હતી. ગત ચોમાસાની પૂરની પરિસ્થિતિમાંથી શીખ મેળવી આ વર્ષે નગરપાલિકાએ અત્યારથી જ સંબંધિત કર્મચારી અને સાધનો સંદર્ભે ખાસ સૂચના અને હુકમો જારી કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
- આવશ્યક સાધનો, સંબંધિત કર્મચારીઓને ખાસ સૂચનાઓ અપાઈ
સૂત્રોનાં જણાવ્યાનુસાર ભુજ શહેરમાં ગત વર્ષે ભારે વરસાદથી ગંભીર પરિસ્થિતિ ઉદ્દભવી હતી જેને ધ્યાને લઈ તકેદારીનાં ભાગરૂપે તમામ કર્મચારીઓને ફાળવવામાં આવેલા મોબાઈલ સંપર્ક નંબરો રાઉન્ડ ધ ક્લોક ચાલુ રાખવા અને રજા પર જતાં કર્મચારીઓએ ફરજિયાત સંપર્ક નંબર બ્રાન્ચનાં હેડને આપવો, તેમજ જરૂર પડયે રજા ટૂંકાવવામાં આવે તો તત્કાળ હાજર થવું, આ ઉપરાંત સેનિટેશન, રોડ લાઈટ, વોટર સપ્લાય, ફાયર, ડ્રેનેજ અને એચ. ઓ.ના તમામ વાહનો ચાલુ સ્થિતિમાં રાખવા અને જરૂરિયાત મુજબ અગાઉથી જ મરામત કરી રાખવાનાં હુકમ કરવામાં આવ્યા છે, તો બીજીતરફ પૂર જેવી સ્થિતિ ઉદ્દભવે તો જરૂરી દવા અને ક્લોરીન ટેબ્લેટ બાબતે કાર્યવાહી કરવી અને રેતીની બોરી અને માઈક સિસ્ટમ સાથે એલર્ટ માટે રિક્ષાની વ્યવસ્થા રાખવા અંગે પણ સૂચનાઓ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પાલિકા પ્રમુખ નરેન્દ્ર ઠક્કર દ્વારા મુખ્ય અધિકારીને એક પત્ર લખી ગત ચોમાસામાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખી ભવિષ્યમાં તકેદારી લેવાય તે માટે જરૂરી આદેશ કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.